અંજાર તાલુકાના વરસામેડી ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં પોષડોડાનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો મૂળ રાધનપુરના શખ્સને 37.210 કિલોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધો હતો.
આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પી.આઈ. એમ.એન. રાણાને આ અંગે બાતમી મળી હતી કે, મૂળ પટેલવાસ, ભિલોટ, તા. રાધનપુર, જિ. પાટણનો અને હાલે વરસામેડીની અંબાજી રેસિડેન્સીના મકાન નં. 226માં રહેતો 24 વર્ષીય રવિભાઈ નાથાભાઇ ચૌધરી નામનો યુવાન પોતાના રહેણાંક મકાનમાં 2 મોટા કોથળામાં મોટા પ્રમાણમાં પોષડોડા (માદક પદાર્થ) રાખી તેનું વેચાણ કરે છે. જે બાતમી આધારે પી.આઈ. સહિતનો પોલીસ કાફલો બાતમીના સ્થળે પહોંચી ગયો હતો અને આરોપીને રૂ. 1,11,630ની કિંમતના 37.210 કિલો પોષડોડા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ એફ.એસ.એલ સહિતની ટિમને જાણ કરવામાં આવતા ટીમે આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અંજાર પોલીસે આરોપીને પોષડોડા ઉપરાંત 1 મોબાઈલ સહિત રૂ. 1,16,630ના મુદ્દામાલ સાથે ઝડપ્યો હતો. જે બાદ આ મુદ્દામાલ ક્યાંથી મળ્યો અને કેટલા સમયથી પડક પદાર્થનો વેચાણ કરી રહ્યો છે તે તમામ પ્રશ્નો અંગે પૂછપરછ હાથ ધરી હતી.
જિલ્લામાં સંભવતઃ પોષડોડાનો સૌથી મોટો દરોડો
આ અંગે મળતી માહિતી મુજબ ઘણા લાંબા સમય બાદ જિલ્લામાં પોષડોડા વેંચતા શખ્સો પર તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં તાજેતરમાં 2 કેસો પૂર્વ કચ્છમાં જ કરવામાં આવ્યા છે. પ્રથમ વાગડ વિસ્તારમાં કેસ નોંધાયા બાદ અંજારમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અંજાર પોલીસે ઝડપેલો જથ્થો સમગ્ર જિલ્લામાં સંભવતઃ સૌથી વધુ હોવાનું પણ પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.