ધરપકડ:અજાપરની પ્લાયવુડ કંપની માંથી 1.85 લાખની પ્લેટો ચોરાઈ, 3 આરોપી પકડાઇ પણ ગયા

અંજાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજાર તાલુકાના અજાપર ગામની સીમમાં આવેલી પ્લાયવુડ કંપની માંથી રૂ. 1.85 લાખના કિંમતની એલ્યુમિનિયમની પ્લેટો ચોરાઈ હતી. જે બનાવ અંતર્ગત પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી 3 યુવાનોને ગણતરીના કલાકોમાં જ મેઘપર પુલિયા નજીકથી ઝડપી લીધા હતા.

બનાવ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર-વરસાણા રોડ પર અજાપર પાટિયા પાસે આવેલી નેચર પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રોનક પ્રવીણભાઈ કાનાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી તા. 10/6ના કંપનીમાં ગયા ત્યારે તેમને માલુમ પડ્યું હતું કે રાત્રે કોઈ અજાણ્યા ઈસમો કંપનીની ફોલ્ડિંગ દીવાલ ખોલી લોખંડના ગેટનું તાળું તોડી રૂમમાં રાખેલી રૂ. 1,85,000ના કિંમતની 100×52 ઇચની એલ્યુમિનિયમની 37 પ્લેટોની ચોરી કરી લીધી હતી. જેથી ફરિયાદીએ આ બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદે ગળપાદરમાં રહેતા 20 વર્ષીય સંજય પોપટભાઈ ભીલ, મેઘપરમાં રહેતા સવજી બાબુભાઇ ભીલ તેમજ અર્જુન દેવાભાઈ ભીલને ચોરી કરાયેલા મુદ્દામાલ ઉપરાંત ચોરીમાં ઉપયોગ કરાયેલી બોલેરો પિકપ તથા 3 મોબાઈલ સહિત કુલ રૂ. 5,45,500ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે પી.આઈ. એમ.એન.રાણા એ જણાવ્યું હતું કે, પકડાયેલા યુવાનો કંપનીમાં ચોરી કરવાની ટેવ વાળા છે, જેથી હજુ પણ અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવો અંદાજો પણ છે.

અન્ય સમાચારો પણ છે...