શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન:અંજારમાં શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન, 24 ગ્રામ પંચાયતોમાં 70.81 ટકા મતદાન નોંધાયું

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીના કારણે સુસ્ત પણ બપોર બાદ લાંબી લાઈનો લાગી

અંજાર તાલુકાની 24 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે શાંતીપૂર્ણ રીતે સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જિલ્લામાં કોલ્ડ વેવના કારણે ભારે ઠંડી પડી રહી હોવાની અસર અંજારમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ દેખાઈ હતી અને શરૂઆતના તબક્કામાં ખૂબ નીચું મતદાન નોંધાયું હતું. પરંતુ બપોર થતાની સાથે જ મતદારો પોતાના ઘરની બહાર નીકળ્યા હતા અને લાંબી લાઈનો સાથે મતદાન કર્યું હતું.

રવિવારના દિવસે અંજાર તાલુકાની 24 ગ્રામ પંચાયતો માટે કુલ 70.81 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં તબક્કાવાર વેટ કરીએ તો સવારના 9 વાગ્યા સુધી તો માત્ર 8 ટકા જેટલું જ મતદાન નોંધાયું હતું. જે બાદ જેમ જેમ ઠંડીનું પ્રમાણ ઘટ્યું તેમ તેમ મતદાનની ટકાવારી પણ વધવા લાગી હતી અને 11 વાગ્યા સુધીમાં 22.90 ટકા સુધી પહોંચી ગયું હતું.

જે બાદ 1 વાગ્યે 39.54, 3 વાગ્યે 54.38, 5 વાગ્યે 67.13 અને છેલ્લે 6 વાગ્યા સુધીમાં 70.81 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી દરમ્યાન ભીમાસર, મીંદિયાળા અને સતાપર ગ્રામ પંચાયત સંવેદનશીલ શ્રેણીમાં આવતી હોવાથી 0ઇરવ કચ્છ એસ.પી. સહિતનો કાફલો સતત પેટ્રોલિંગ કરતો જોવા મળ્યો હતો. વહીવટી અને પોલીસ તંત્રની મહેનતના કારણે સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.

24 ગામોમાં 28361 પુરુષ અને 26453 સ્ત્રીઓ મળી કુલ 54814 મતદારો પૈકીના કુલ 38813 લોકોએ મતદાન કરતા કુલ 55 સરપંચ પદના ઉમેદવારો અને કુલ 336 સભ્યપદના ઉમેડવારોનના ભાવિ મતપેટીમાં કેદ થયા છે. જે મંગળવારે મતગણતરીના દિવસે કયો ઉમેદવાર વિજેતા થયો છે. તે પ્રશ્નનો જવાબ મળી જશે.

ચૂંટણીમાં સૌથી વધુ હીરાપર ગામમાં 97.16 ટકા મતદાન થયું હતું. જે સમગ્ર તાલુકામાં સૌથી વધુ હતું. તો મેઘપર-બો. ગામમાં 34.11 ટકા મતદાન થયુ હતું. જે તાલુકામાં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વૃદ્ધો ઉપરાંત બીમાર વ્યક્તિઓએ પોતાની ફરજ એદા કરી હતી અને પોતાનો પવિત્ર મત આપવા મતદાન મથકે પહોંચી આવ્યા હતા. વડીલોની હાજરીના કારણે યુવાનો પણ પ્રભાવિત થયા હતા અને પરિણામે મતદાનની ટકાવારી ઉંચી રહી હતી.

વરસામેડીમાં પરપ્રાંતીય લોકો પર દાદાગીરીની રાવ
અંજાર તાલુકાના વરસામેડી ગામના શાંતિધામ વિસ્તારમાં ચૂંટણી સંદર્ભે એક પક્ષના અમુક લોકો દ્વારા પરપ્રાંતીય લોકો પર દાદાગીરી કરી દબાવતા હોવાની લેખિત જાણ અંજાર પોલીસ મથકે કરવામાં આવી હતી. જે સંદર્ભે અંજાર પોલીસ શાંતિધામ અને વરસમેડીના અન્ય બુથો પર પહોંચી ગઈ હતી અને મોરચો સંભાળી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...