કાર્યવાહી:અંજારમાં જેસલ-તોરલ પાસેના દબાણકાર કેબિનધારકોને જમીન ખાલી કરવા નોટિસ

અંજાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજારમાં આવેલી જગ પ્રસિદ્ધ જેસલ-તોરલ સમાધિના વિકાસમાં જાણે સ્થાનિક નેતાઓ કે અધિકારીઓને રસ જ ન હોય તે પ્રકારે કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હતી. પરંતુ અધિકારીઓના પ્રયાસથી હવે વિકાસની ગતિએ વેગ પકડી છે અને સમાધિ સ્થળ નજીક દબાણ કરી કેબીનોમાં અંજારની પ્રસિદ્ધ સુડી-ચપ્પુનો ધંધો કરતા તથા અન્ય કેબિન ધારકોને 5 દિવસમાં દબાણ ખાલી કરી દેવાની નોટિસ આપી દેવામાં આવતા નજીકના સમયમાં જ સમાધિનો વિકાસકાર્ય કરવામાં આવશે તેવો ભાષ થતો દેખાયો છે.

તો આ કાર્યવાહી સંદર્ભે કેબિન ધારકોએ તંત્ર પહેલા વર્ષોથી ધંધો કરતા વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તે માટેનો આવેદનપત્ર આપ્યો હતો.અંજાર સીટી સર્વે કચેરી દ્વારા આખરી નોટિસ રૂપે દબાણકાર કેબિન ધારકોને 5 દિવસની મુદ્દત આપી દબાણ સ્વેચ્છાએ ખસેડી લેવા જણાવી દેવામાં આવ્યું છે. જે સંદર્ભે કેબિન ધારક વેપારીઓએ અંજારના પ્રાંત અધિકારીને આવેદન આપી જણાવ્યું હતું કે, અંજાર શહેર જેટલુ જેસલ તોરલના સમાધી સ્થળથી પ્રખ્યાત બન્યું છે તેટલુ જ પ્રખ્યાત સુડી, ચપ્પ, તલવાર, બાંધણી કે જે અંજારમાં જ બને છે તેનાથી બન્યું છે.

અહીંના સૌ વેપારીઓ આ ઐતિહાસીક સ્થળ પર વર્ષોથી વેપાર કરી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ સીટીસર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ અને અધિક મામલતદારની કચેરી વેપારીઓને આ સ્થળનાં દુશ્મન માની અને અહિથી હટાવવા ઇચ્છતા હોય તેવું જણાઈ રહયુ છે, જે તદ્દન ખોટું છે.

જેથી સમાધિનો વિકાસકાર્ય શરૂ થાય તે પહેલાં સૌ વેપારીઓને વિશ્વાસમાં લઈ વિકાસકાર્યનો એક્સન પ્લાન આપવામાં આવે, ધંધો કરવા માટે વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવે તેમજ જુના દુકાનધારકોને કઈ રીતે દુકાનો ફાળવવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવે તેવી માંગણી મૂકી હતી. આ આવેદનપત્ર આપતા સમયે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને રજુઆત કરી હતી.

અમુક કેબિન ધારકો 5 હજાર ભાડું વસુલી રહ્યા છે
જેસલ-તોરલ સમાધિ સામે અમુક એવા વેપારીઓ પણ છે જે છેલ્લા 30 વર્ષથી પણ વધુ સમયથી કેબીનો મારફતે ધંધો કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યા છે, જો અહીંથી કેબીનો હટાવી અને તેમને વૈકલ્પિક વ્યવસ્થા ન કરી અપાય તો તેમના સાથે ચોક્કસ અન્યાય થયો છે તેવું કહી શકાય પરંતુ અમુક રાજકીય ઓથ ધરાવતા વ્યક્તિઓએ પણ વર્ષોથી અહીં ઘણીબધી કેબીનો રાખી 1 કેબિનના રૂ. 5 હજાર ભાડું વસૂલી વેપલો ચલાવતા હોવાની પણ ચર્ચાઓ છે.

અન્ય સમાચારો પણ છે...