હુમલો:ઇન્દિરાનગરમાં કાર ચલાવવા મુદ્દે પાડોશી બાખડયા, સશસ્ત્ર ધીંગાણામાં ત્રણ ઘાયલ

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં બે પક્ષે ધારીયા વડે હુમલો કરાતા 5 શખ્સો સામે ફરિયાદ

ગાંધીધામના ઇન્દિરા નગરમાં રહેતા પાડોશીઓ કાર ચલાવવા બાબતે બાખડતા સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 12 વર્ષીય બાળક સહિત 3 લોકોને ઇજા પહોંચતા સામસામે કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકેથી ઇન્દિરા નગરમાં રહેતા વિશાલ ઉર્ફે લાલો બાબુભાઇ ઠાકોરની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી તેની કાર લઈને જતા હતા ત્યારે ઇન્દિરા નગરમાં જ રહેતા આરોપી ભરત પ્રતાપ ખત્રીએ કાર ધીમી ચલાવવાનું કહ્યું હતું. જે બાદ ફરિયાદી તેના 12 વર્ષના પુત્રને લઈ દ્વિચક્રીય વાહન મારફતે બજારમાં જતા હતા ત્યારે આરોપી ધારીયું લઈ આવ્યો હતો અને ફરિયાદીને માથાના ભાગે ઘા માર્યો હતો.જે બાદ આરોપીના ભાઈ સુનિલ ખત્રી, રાકેશ ખત્રી અને હિતેશ ખત્રી પણ પહોંચી આવ્યા હતા અને ફરિયાદીને ધોકા મારી તેના વાહનને પણ નુકશાન પહોચાડ્યું હતું. આ હુમલામાં ફરિયાદીનો પુત્ર પણ ઘાયલ થયો હતો.

તો બીજી તરફ ભરત પ્રતાપ ખત્રીએ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી વિશાલ ઉર્ફે લાલો ઠાકોરને ફરિયાદીએ કાર ચલાવવા બાબતે ઠપકો આપ્યો હોવાથી આરોપી ધારીયું લઈને આવ્યો હતો અને ઘા મારવા જતા ફરિયાદીને હાથના ભાગે ઈજાઓ થઈ હતી. આ બનાવ સંદર્ભે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કાર્ગો એકતા નગરમાં જુના ઝઘડાનું મનદુઃખ રાખી રિક્ષાનો કાચ તોડી નખાયો
ગાંધીધામના કાર્ગો એકતા નગરમાં રહેતા 23 વર્ષીય રીક્ષા ચાલક દશરથ મંગાભાઈ ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, જુના ઝઘડાનું મનદુઃખ રાખી આરોપી કિશન ગગુભાઈ ઠાકોરે ફરિયાદીની રિક્ષાના કાચમાં ધોકો માર્યો હતો તથા આરોપી દિલીપ તખાભાઈ ઠાકોરે ભેઠ માંથી છરી કાઢી હુમલો કરતા હાથના પંજામાં ઈજાઓ પહોંચી હતી. જે બનાવ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...