ઠગાઇ:મોટી નાગલપરનો પરિવાર 19 લોકો પાસેથી 40.66 લાખ, 14 તોલા સોનું લઇ રાતોરાત છૂ

અંજાર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 17 મહિલાઓ અને 2 પુરુષોને સ્કીમમાં વધુ વ્યાજ મેળવી આપવાની લાલચ આપી ફૂલેકું ફેરવ્યું

અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે સ્કીમમાં રોકાણ કરી વધુ વ્યાજ અપાવવાની લાલચે એક પરિવાર 6 સભ્યોએ ગમમા જ રહેતા 17 મહિલા અને 2 પુરુષો મળી કુલ 19 વ્યક્તિઓ પાસેથી 40.66 લાખ રૂપિયા રોકડા અને 14 તોલા દાગીના ઉઘરાવી પરિવાર રાતો રાત સામાન ભરીને રફુચક્કર થઈ જતાં સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ઉભો થયો હતો અને આરોપીઓ લાખોનું ફૂલેકું ફેરવી જતા અંજાર પોલીસ ,મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મોટી નાગલપર ગામે રહેતા દિપ્તીબેન અમીતભાઈ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તેમના કૌંટૂબીક ફઈબા ઉર્મિલાબેન ઉર્ફે માતામા ગોવિંદગિરિ ગોસ્વામી અને તેમની આધોઈ ગામે રહેતી દિકરી રિન્કુબેન ગત તા. 28/6ના ફરિયાદીના ઘરે આવ્યા હતા અને કહ્યું કે, મારી પાસે સારી સ્કીમ છે. તેમાં રોકાણ કરશો તો સારૂં વ્યાજ મળશે, જેથી ફરિયાદીએ 50 હજાર રૂપિયા આપતા છ મહિને 60 હજાર પરત આપવાનું વચન અપાયું હતું. જે બાદમાં 8મી જુલાઈના ફરી ઉર્મિલાબેન ફરિયાદીના ઘરે આવ્યા અને કહ્યું કે, હજુ વધુ રૂપિયા હોય તો સ્કીમમાં રોકાણ કર તને વધારે રૂપિયા મળશે અને પાના ઉપર લખાણ પણ કરી આપીશ. જેથી ફરિયાદીને લાલચ જાગતા 2 લાખ રૂપિયા આપ્યા હતા અને સ્ટેમ્પ પેપરમાં અઢી લાખ રૂપિયા ઉછીના આપ્યા હોવાનું લખાણ કરાયું હતું. 2 લાખ રૂપિયાનું છ મહિને 40 હજાર રૂપિયા વ્યાજ મળશે તેવી બાંહેધરી અપાઈ હતી.

આ બાદ પણ ઉર્મિલાબેને કહ્યું કે, હજુ પણ તારી પાસે રૂપિયા હોય તો આપજે પણ ફરિયાદી પાસે રૂપિયા ન હોવાથી દાગીના ફાયનાન્સ કંપનીમાં મુકીને તેના પર લોન લેવામાં આવી હતી. જેમાં ત્રણ તોલા દાગીના ગીરવે મુકી અઢી તોલાની લોન ઉર્મિલાબેનના નામે કરાવાઈ હતી અને આ લોનના 95 હજાર રૂપિયા આવ્યા તે પણ સ્કીમમાં રોકવાના નામે આરોપણે લઈ લીધા હતા. આ વાતને છ મહિના વીતી ગયા બાદ 30મી ડિસેમ્બરના ફરિયાદીએ ઉર્મિલાબેનને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તેઓ તેમના ઘરે જતાં ઘર ખુલ્લુ જણાઈ આવ્યું હતું.

તેમજ ઘરમાં કોઈ સામાન પણ ન હતો. જેથી બાજુમાં પુછતાછ કરતાં ગત રાત્રે 2 વાગ્યે જ ટેમ્પોમાં સામાન ભરીને આ પરિવાર રફુચક્કર થઈ ગયાનું જાણવા મળ્યું હતું. જે બાદ ફરીયાદીએ ગામમાં અન્ય લોકોને પુછતાછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી અને ગામમાં અલગ અલગ મહિલા પુરૂષો પાસેથી કુલ રૂપિયા 40.66 લાખ રોકડા અને 14 તોલા સોનું આરોપીઓએ મેળવી વિશ્વાસઘાત કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જે બાદ ફરિયાદીએ ઉર્મિલાબેનની દિકરી રિન્કુને ફોન કરતાં તેણે માતા- પિતા અને ભાઈઓનો સંપર્ક કરી બધા જ રૂપિયા પાછા અપાવી દઈશ તેવું કહ્યું હતું. પરંતુ રૂપિયા ન મળતાં આરોપીઓ સામે આખરે પોલીસ ફરિયાદ નોધાઈ હતી.

એક જ પરિવારના 6 સભ્યો સામે નોંધાઈ ફરિયાદ
એક ગામમાં જ રહી કુલ 19 વ્યક્તિઓને છેતરનાર પરિવારના 6 સભ્યો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં મુખ્ય ભેજાબાજ ઉર્મિલાબેન ઉર્ફે માતામાં ગોવિંદગીરી ગોસ્વામી, તેના પુત્રો દશરથગીરી ગોવિંદગીરી ગોસ્વામી, દર્શનગીરી ગોવિંદગીરી ગોસ્વામી, તેનો પતી ગોવિંદગીરી ગોસ્વામી, તેની પુત્રી પાટણ રહેતી રમીલાબેન નારેશપુરી ગોસ્વામી અને આધોઈ રહેતી રીન્કુબેન ચેતનપૂરી ગોસ્વામી એમ કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

આરોપી મહિલાએ તમામને વશમાં કરી લીધા હતા
આ અંગે ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે, મુખ્ય મહિલા આરોપીએ જાણે તમામ લોકોને વશમાં કરી લીધા હોય તેવું પ્રતીત થઇ રહ્યું હતું, એ મહિલા મીઠા-મીઠા અવાજે બોલી તમામને મુર્ખ બનાવી રહી હતી અને તે જેમ કહેતી હતી તેમજ સૌ કોઈ કરી રહ્યા હતા અને તેની વાતોમાં આવી ગયા ગયા હતા.

આરોપી મહિલાના બંને પુત્રો આદિપુરની કોલેજના પ્રાધ્યાપક રહી ચુક્યા છે
આ અંગે મળતી માહિતી મુજબ આરોપણ ઉર્મિલાબેનના બંને પુત્રો દશરથગીરી અને દર્શનગીરી આદિપુર અને ગાંધીધામની ૩થી 4 કોલેજોમાં કોન્ટ્રાકટ આધારિત પ્રોફેસર તરીકે ફરજ પણ બજાવી ચુક્યા છે. જો કે છેલ્લા સત્રથી ગમેતે કારણોસર તે બંને ભાઈઓએ નોકરી મૂકી દીધી હતી. ત્યારે સારી નામના ધરાવતા પરિવાર દ્વારા છેતરપીંડી કરવામાં આવતા તમામ લોકો ખુબ જ આઘાતમાં છે.

ભોગ બનનારાઓના નામો - રકમ

1. દિપ્તી અમીત ગોસ્વામી

2.50 લાખ રોકડા અને 3 તોલા દાગીના

2.ચેતનાબેન ચૌહાણ

3 લાખ રોકડા અને 7 તોલા સોનું

3. કોકિલાબેન ખોડિયાર2.50 લાખ રોકડા
4. ઉલપાબેન દિપકભાઈ ચૌહાણ1.50 લાખ રોકડા
5. વિનોદભાઈ જેઠવા

9 લાખ રોકડા અને 2 તોલા સોનું

6. ભારતીબેન આહીર

1.35 લાખ રોકડા અને 4 તોલા સોનુ

7. દેવાંગભાઈ રબારી70 હજાર રોકડા
8. મુમતાઝબેન ચાવડા

3 લાખ રોકડા અને 1.5 તોલા સોનુ

9. હર્ષાબેન સોલંકી75 હજાર રોકડા
10. લખીબેન બાબુભાઈ4.50 લાખ રોકડા
11. લખીબેન નારણભાઈ આહિર1.70 લાખ રોકડા
12. લક્ષ્મીબેન પ્રદીપભાઈ ટાંક75 હજાર રોકડા
13. ગીતાબા હેતુભા જાડેજા1 લાખ રોકડા
14. જલુબેન નૂરમામદ મમણ

41 હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના

15. સતીબેન માદેવા ચાવડા60 હજાર રોકડા
16. મનીષાબેન ભરતભાઈ જોગી30 હજાર રોકડા
17. પ્રફુલ્લાબા ઝાલા85 હજાર રોકડા
18. ગીતાબેન આહિર30 હજાર રોકડા
19. દિક્ષીત ઝાલા5 લાખ રોકડા
અન્ય સમાચારો પણ છે...