તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ્ક અભિયાન:સ્વખર્ચે છપાવેલા કોરોના અંગેના 7000થી વધુ જાગૃતિના બેનરો થકી લોકો માસ્ક પહેરતા થયા

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજારથી શરૂ કરાયેલું અભિયાન રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યું, માર્ગ પરના હોર્ડિંગ્સ પર પણ સ્થાન મળ્યું
  • અંજારની બે બહેનોનું માસ્ક અભિયાન બન્યું મહાઅભિયાન

કોરોનાના સમયમાં લોકોની બેદરકારી અને કોરોનાની ગાઈડલાઈનની કરવામાં આવેલી અવગણના થકી અનેક લોકો સંક્રમિત થયા છે, જેથી લોકોમાં જાગૃતિ ફેલાય અને લોકો માસ્ક પહેરી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે અંજારની બે સગી બહેનો દ્વારા સ્વખર્ચે લોકો માસ્ક પહેરવા પ્રેરાય તેવા બેનરો છપાવી એક અભિયાનની શરૂઆત કરી હતી. જે ધીરે ધીરે મહાઅભિયાનમાં પરિવર્તિત થઈ જતા રાજ્યના ખૂણે-ખૂણે સુધી પહોંચી ગયું છે અને માત્ર બેનર જ નહીં માર્ગ પરના હોર્ડિંગમાં પણ આ અભિયાનને સ્થાન મળ્યું છે.

આ અભિયાનના કારણે અનેક લોકો માસ્ક પહેરવા પ્રેરાયા પણ છે.આ અંગે મળતી માહિતી મુજબ નવા અંજારમાં નગરપાલિકા કોલોનીમાં રહેતી અને સિવિલ એન્જીનીયરીંગ કરી કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી શિવાની સંજયભાઈ શાહ તથા એન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી તેંની બહેન યશ્ચિ સંજયભાઈ શાહે 2 મહિના પહેલા અંજારમાં માત્ર 50 બેનરો છપાવી માસ્ક અંગે લોકો જાગૃત થાય તે માટે ‘માસ્ક નહિ તો વાત નહિ’ તે સૂત્ર સાથે બેનરો જાહેર સ્થળોએ લગાવ્યા હતા.

આ બેનરો એટલા પ્રભવશાળી હતા કે અલગ અલગ સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા પણ જાહેર સ્થળોએ આ બેનરો લગાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવતા જિલ્લામાં ભુજ, માંડવી, ભચાઉ, ગાંધીધામ વગેરે શહેરોમાં નગરપાલિકા, સરકારી કચેરીઓ પાસે, જાહેર સ્થળોએ આ બેનરો લગાવવામાં આવ્યા હતા. જે વાત સમગ્ર રાજ્યમાં પ્રસરી જતા જુદી-જુદી સંસ્થાઓએ બંને બહેનોનો સંપર્ક સાધ્યો હતો અને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, જૂનાગઢ, મોરબી, પાટણ વગેરે જેવા શહેરોમાં પણ આ બેનરો લગાવવાના શરૂ કરી દેવામાં આવ્યા હતા. અંજારથી શરૂ કરાયેલું આ અભિયાન મહાઅભિયાનમાં પરિવર્તિત થઈ જતા રાજ્યના ખૂણે ખૂણે અંજારની બે બહેનોએ બનાવેલા બેનરો પહોંચી ગયા હતા.

આ અંગે બંને બહેનોના પિતા સંજયભાઈ એસ. શાહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પરિવારના સહયોગે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં બંને પુત્રીઓએ 2 લાખથી પણ વધુનું રોકાણ કરી અત્યાર સુધી 7000થી પણ વધુ બેનરો અને હોર્ડિંગ્સ છપાવી જુદી-જુદી સંસ્થાઓને આપ્યા છે અને હજુ પણ જ્યાં સુધી થઈ શકશે ત્યાં સુધી આ અભિયાન આગળ વધારવામાં આવશે.

પિતાને કોરોના થતા જાગૃતિ અભિયાન ચલાવવાની પ્રેરણા મળી
અંજારની યુવતીઓના પિતાને મે મહિનામાં કોરોના થયો હતો અને 12 દિવસ હોસ્પિટલ અને 8 દિવસ હોમ ક્વોરીન્ટાઇનમાં પસાર કર્યા હતા. આ દરમ્યાન યુવતીઓના પિતા સંજયભાઈને એક તબક્કે વેન્ટિલેટર પર લેવા પડે તેવી પરિસ્થિતિ પણ નિર્માણ પામી હતી. જેથી તેમનો પરિવાર ખૂબ દુઃખી થયું હતું. આ દરમ્યાન બંને બહેનોને એવો વિચાર આવ્યો કે ખાનગી હોસ્પિટલના લાખો રૂપિયા ખર્ચી લોકો સારવાર લે છે, તેના કરતાં કોરોનાને જો રોકવામાં આવે તો અનેક પરિવારો બચી શકે તેમ છે, જે વાતને મન પર લઈ બંને બહેનોએ સ્વખર્ચે જાગૃતિ અભિયાન ચલાવવાનું વિચાર્યું હતું.

હવે આ અભિયાનને શાળાઓ સુધી લઈ જવાશે
આ અંગે સંજયભાઈએ જણાવ્યું હતું કે, હાલે તો ઓનલાઇન શિક્ષણ ચાલુ હોવાથી શાળામાં વિધાર્થીઓ નથી આવતા પણ જ્યારે ઓફ લાઇન શિક્ષણ શરૂ થશે ત્યારથી શાળાઓમાં પણ આ અભિયાન લઈ જવાશે. જેમાં ટોઇલેટમાં એક્ઝોસ્ટ ફેન લગાવવા, માસ્ક અને સેનેટાઈઝરનું સતત વિતરણ કરવું વગેરેનું સમાવેશ કરાશે.

જે સંસ્થા બેનરો લગાવશે તેના નામ સહિત બેનરો છાપી દેવામાં આવે છે
માત્ર પોતાનું નામ થાય તે માટે નહીં પણ લોક કલ્યાણ માટે કરવામાં આવી રહેલું કાર્ય હોવાથી જે સંસ્થાએ બેનરો લગાવવાની ઈચ્છા વ્યક્ત કરી તેમને બેનરના નીચે તેમનું નામ છાપીને બેનરો આપવામાં આવ્યા છે.

નાની બહેને પોસ્ટર ડિઝાઇન કર્યું, મોટીએ અભિયાનને વેગ આપ્યો
જાગૃતિ અભિયાન ચલાવવાનું નક્કી થયા બાદ ડિઝાઇનિંગ કલામાં માહિર યશ્ચિએ એક પોસ્ટર તૈયાર કર્યું હતું, લોકોના મનમાં લાગી રહે તેવો પોસ્ટર તૈયાર થઈ જતા મોટી બહેન શિવાનીએ અભિયાનને વેગ આપ્યો હતો અને ખૂણે-ખૂણે આ અભિયાન પહોંચે તેવા પ્રયત્નો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...