હડતાલ:‘ખીચડીકરણથી સ્વાસ્થ્ય સાથેના ખિલવાડને ચલાવી નહીં લેવાય’

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મિકસોપેથીના વિરોધમાં ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના શહેરોમાં હોસ્પિટલો બંધ રહી

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસીન સંસ્થાએ બહાર પાડેલા નોટીફીકેશન મુજબ આયુર્વેદ સ્નાતક થયેલા વિદ્યાર્થી હવે એલોપેથીમાં પોસ્ટ ગ્રેજયુએટ કરી જુદા - જુદા ઓપરેશનો કરી શકશે તેવી જાહેરાત કરાતા શુક્રવારે સમગ્ર ભારતમાં એલોપેથી તબીબોએ હોસ્પિટલમાં દર્દીઓની રૂટીન સારવાર બંધ રાખી હતી જેના સમર્થનમાં ભુજ, ગાંધીધામ , અંજાર સહિતના શહેરોના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન જોડાયા હતા અને માત્ર કોવિડ તેમજ ઇમરજન્સીને લગતા દર્દીઓનું નિદાન કર્યું હતું.

કેન્દ્ર સરકારે મેડિકલ એજ્યૂકેશન, મેડિકલ પ્રેક્ટિસ, પબ્લિક હેલ્થ અને રિસર્ચ સહિત ચાર સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ દ્વારા એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદ, યુનાની સહિતની તબીબી વિજ્ઞાનની શાખાઓનું એકત્રીકરણ કરીને ખીચડી જેવો તાલ રચ્યો છે તેમ જણાવતાં ભુજ આઇએમએના પ્રમુખ ડો. ક્રિપાલસિંહ જાડેજા અને મંત્રી ડો. મૌનિલ શાહે જણાવ્યું હતું કે, આમ થવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થશે જેના વિરોધમાં હોસ્પિટલો સવારના 6થી સાંજના 6 સુધી બંધ રાખવામા આવી છે. જો કે, ઇમરજન્સી અને કોરોનાના દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે સેવાઓ ચાલુ રહી હતી.ગાંધીધામ આઇએમએ પણ બંધના સમર્થનમાં જોડાયું હતું અને શહેરના એલોપેથી પ્રેક્ટિસ કરતા તબીબોએ પોતાની હોસ્પિટલ કોવિડ અને ઇમરજન્સી સિવાયના દર્દીઓ માટે બંધ રાખી હતી.

ડોક્ટરોએ આયુર્વેદિક ડોક્ટરને શસ્ત્રક્રિયા માટે અપાયેલી મંજૂરીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આઇએમએના પ્રમુખ ડો. ધૈવત મહેતાએ કહ્યું હતું કે, અગાઉથી નિર્ધારિત હતા તેવા અને ઇમરજન્સી ઓપરેશન કરાયા હતા. શહેરના 100થી વધુ ક્લિનિક બંધ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.અંજારમાં મિકસોપેથીના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો. દ્વારા પહેલા આવેદનપત્ર આપ્યા બાદ શુક્રવારે ખાનગી હોસ્પિટલોની ઓપીડી બંધ રાખવામા આવી હતી. તમામ હોસ્પિટલોની ઓપીડી બંધ રહેતા દર્દીઓ અટવાયા હતા. માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખવામાં આવી હોવાથી સામાન્ય દર્દીઓને હોસ્પિટલોમાં ધરમનો ધક્કો પણ ખાવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...