બેઠક:અંજારમાં વરસાદના કારણે પડેલા રસ્તાના ખાડાઓ તાત્કાલિક પૂરવા ટકોર

અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત કચેરીએ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

અંજાર પ્રાંત કચેરીએ તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં શહેરમાં વરસાદના કારણે રસ્તા પર પડેલા ખાડાઓ તાત્કાલિક પુરવા માટે ટકોર કરવામાં આવી હતી. અંજાર મામલતદાર એ.બી. મંડોરીના અધ્યક્ષ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંજાર તાલુકાના લાખાપર અને ટપ્પર ગામે આવેલ ડેમેજ વીજપોલ દૂર કરવા બાબતે પીજીવીસીએલને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત અંજાર શહેરના વોર્ડ નંબર 8માં દેવીપુજક વિસ્તારમાં ગટર લાઈન તથા પાણીની સમસ્યા દૂર કરવી, વરસાદના કારણે રસ્તામાં પડેલ ખાડાઓ તાત્કાલિક પુરવા, સવાસર નાકા પાસે રોડ બનાવવા તથા રોડની લાઇટ નાખવી, જેસલ તોરલની સમાધિ પાસેના ગ્રાઉન્ડમાં આવેલી ગટરની ચેમ્બરો દૂર કરવા નગરપાલિકાને સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત અંજાર તાલુકાના જુદા જુદા નવ ગામોમાં આંગણવાડી કેન્દ્રો મંજુર થયા છે, તેનું બાંધકામ હાલે બંધ હોવાથી તે ચાલુ કરવા તેમજ અંજારથી ચાંદ્રાણી જતા રસ્તા પર સતાપર ગામે તૂટી ગયેલા માર્ગને કામગીરી તાત્કાલિક કરવા ટકોર પણ કરવામાં આવી હતી. તાલુકાના બીટાવલાડીયા અને કુંભારીયા ગામે પીવાના પાણીના પ્રશ્નોનો નિકાલ કરવા બાબતે પાણી પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી હતી.

મુખ્ય બજારની ટ્રાફિક બાબતે રજુઆત કરાઈ
અંજાર શહેરની મુખ્ય બજાર એટલે કે 12 મીટર રોડ પર આડેધડ પાર્કિંગ અને રીક્ષા તેમજ કાર પસાર થતી હોવાથી સતત ટ્રાફિક જામ રહેતો હોય છે. જેથી 12 મીટર રોડથી ગંગાનાકા સુધી ટ્રાફિક દૂર કરવા બાબતે આ મિટિંગ દરમ્યાન રજુઆત કરવામાં આવી હતી. જેથી અંજાર પોલીસને આ બાબતે ઘટતું કરવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત સીવીલ હોસ્પિટલ રોડ પરનું દબાણ તાત્કાલિક દૂર કરવા માર્ગ અને મકાન વિભાગ પંચાયતને જણાવવામાં આવ્યું હતું.

સરકારી જમીન પર વીજ કનેક્શન ન આપવા PGVCLને વારંવાર ટકોર
અંજાર અને ગાંધીધામ તાલુકામાં સરકારી જમીનો પર દબાણ કરી ભુમાફિયાઓ વીજ કનેક્શન મેળવી કોમર્શિયલ ઉપયોગ કરતા હોય છે. જેથી દર વખતે સંકલનની બેઠક દરમ્યાન સરકારી જમીનમાં વીજ કનેક્શન ન આપવા માટે બેઠકના મુખ્ય અધિકારી દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે. તેમ છતાં બહેરા કાને વાત અથડાતી ન હોવાથી આ મિટિંગમાં પણ ફરી એ જ સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...