અંજાર તાલુકાના વરસાણા ગામ પાસેના પુલિયા નજીક બંધ પડેલી ટ્રકના ચાલકને ત્રણ બાઇક સવાર યુવાનોએ છરીથી ઇજા પહોંચાડી રૂ. 4 હજારની લૂંટ ચલાવી હતી. અંજાર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 3 યુવાનોને ઝડપી લઇ લૂંટાયેલો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો હતો. અા શખ્સો આ રીતે જ ટ્રક ચાલકોને લંૂટતા રહેતા હતા તેવું જાણવા મળે છે. આ અંગે મળતી માહિતી મુજબ બુધવારના રાત્રે 9 વાગ્યામાં અરસામાં મીઠી રોહરમાં રહેતા દયાલસિંઘ કિશોરસિંઘ રાઠોડ ટ્રક મારફતે મુન્દ્રથી મોરબી જઈ રહ્યા હતા ત્યારે વરસાણા પુલિયા નજીક તેમની ટ્રક એર લઈ જતા બંધ પડી ગઈ હતી. જેથી તે ટ્રક રીપેર કરી રહ્યા હતા ત્યારે લાલ કલરની બાઇકમાં 3 યુવાનો આવ્યા હતા અને ફરિયાદીને પકડી ખિસ્સા તપાસવા લાગ્યા હતા, પરંતુ ફરિયાદીએ ઝપાઝપી કરતા એક યુવાને છરી કાઢી ફરિયાદીને મારવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ ફરિયાદીએ છરી પકડી લેતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે દરમ્યાન અન્ય યુવાનોએ ફરિયાદીની પાકીટ કાઢી લીધી હતી. જેમાં રૂ. 4000 રોકડા તથા અન્ય ડોક્યુમેન્ટો હતા. જે બાદ આ ત્રણેય યુવાનો ત્યાંથી ભાગી ગયા હતા. જેથી ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટ ચલાવનાર જી.આઈ.ડી.સી. ઝુંપડા, ગાંધીધામમાં રહેતા 19 વર્ષીય વિષ્ણુ રાજુભાઇ મોસપરા, 22 વર્ષીય કિશન ચમનભાઈ ઝઝવાડીયા તથા 20 વર્ષીય જીતુ ગોવિંદભાઇ ધધાણીયાને રૂ. 4110 રોકડા, રૂ. 10,000ના 2 મોબાઈલ તથા રૂ. 35,000ની મોટર સાઇકલ સાથે કુલ રૂ. 49110ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ત્રણેય આરોપીઓ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા મારામારીના પ્રકરણમાં પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.