તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:દરરોજ કોરોનાના ઉછળતા આંકડાઓ વચ્ચે અડધું અંજાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીની સ્ફોટક સ્થિતિ : શહેરમાં 87, તાલુકામાં 46 મળીને કુલ 133 કેસ
  • એક સમયે સમગ્ર કચ્છમાં સુરક્ષિત ગણાતું શહેર હવે ડેન્જર ઝોન તરફ સરક્યું

જૂન મહિના સુધી સમગ્ર કચ્છમાં સુરક્ષિત ગણાતું અંજાર શહેર માત્ર એક જ મહિનામાં ડેન્જર ઝોન તરફ સરકી ગયું છે. તંત્રની નિષ્ફળતા કહો કે લોકોમાં જાગૃતિનો અભાવ પણ પરિસ્થિતિ એટલી વણસી છે કે શહેરનો લગભગ અડધો ભાગ કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ થઈ ચુક્યો છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો ટુંક જ સમયમાં સમગ્ર શહેરને કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવવાની ફરજ પડે તેવી દહેશત પણ સેવાઇ રહી છે.

અંજાર તાલુકાની વાત કરીએ તો સરકાર દ્વારા અન્ય રાજ્યો માંથી આવ-જાવની છૂટ અપાયા બાદ તા. 10/5ના મુંબઈથી બુઢારમોરા ગામે આવેલા પ્રવીણ સથવારાનો પ્રથમ કેસ અંજાર તાલુકામાં નોંધાયો હતો અને તેના 2 જ દિવસ બાદ બુઢારમોરા ગામમાં જ પ્રથમ દર્દીના સાથે મુંબઈથી આવેલા 5 લોકોને અને 1 આદિપૂરના શખ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ પણ એકલ દોકલ કેસો અંજાર તાલુકામાં આવી રહ્યા હતા અને ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ વધતા તા. 5/8 સુધીમાં તાલુકાના ગામડાઓમાં 46 કેસો સામે આવી ચુક્યા હતા. પરંતુ અંજાર શહેરમાં કોરોનાની દસ્તક તાલુકામાં પ્રથમ કેસ આવ્યાના એક મહિના બાદ એટલે કે તા. 9/6ના થઈ હતી અને પાટણથી આવેલા અર્જુન મકવાણાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જૂન મહિનાથી ધીમી ગતિએ કોરોનાએ દસ્તક આપ્યા બાદ લોકોની બેદરકારી અને તંત્રએ આ વાત ગંભીરતાથી લીધી ન હોવાના કારણે શહેરની પરિસ્થિતિ ધીમે ધીમે ગંભીર થવા લાગી હતી અને તા. 6/8 સુધીમાં 87 કેસો નોંધાઇ ગયા છે. એટલે કે માત્ર એક મહિનાના સમય ગાળામાં જ શહેરમાં સ્ફોટક સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે અને હવે આ આંકડાઓમાં ઘટાડો આવે તેવી હાલની સ્થિતિએ તો કોઈ જ આસાર દેખાતા નથી.

સૌથી વધુ કેસો લોકલ ટ્રાન્સમિશનના કારણે
તા. 4/8 સુધી શહેરમાં ફેલાયેલા સંક્રમણની વાત કરીએ તો 19 દર્દીઓ એવા છે જે એક બીજાના સંપર્કમાં આવવાથી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે 6 દર્દીઓ એવા છે જેની ટ્રાવેલ હિસ્ટ્રી છે તેમજ 43 દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી અને કોરોનાના સંક્રમિત દર્દીના સંપર્કમાં પણ નથી આવ્યા એટલે કે હાલે શહેરમાં લોકલ ટ્રાન્સમિશનથી જ કોરોનાનો સંક્રમણ ફેલાઈ રહ્યો છે.

શહેરમાં 2 દિવસથી બજારમાં લોકોની હાજરી ઓછી વર્તાઈ
સતત ધબકતું અંજાર શહેર કોરોનાના વિસ્ફોટો વચ્ચે પણ ધબકતું જ રહ્યું હતું. ગ્રાહકો તો ઠીક પણ વેપારીઓ પણ જાણે કોરોનાને ભૂલી જ ગયા હોય તેમ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ વગેરે જેવા નિયમો પડવાનું બંધ જ કરી નાખ્યું હતું. તેવામાં તા. 3, 4 અને 5ના માત્ર 3 દિવસમાં જ 23 કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા લોકોમાં રીતસર ભય જોવા મળી રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી ગ્રહકોથી ભરચક રહેતો 12 મીટર રોડ પણ લોકોની ભીડ ઓછી થઈ ગઈ છે અને ફરી જાણે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...