એટ્રોસિટી:મોટી રવ ગામે 2 વૃદ્ધોને જાતિ અપમાનિત કરી માર મરાયો

અંજાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 ફરિયાદમાં 6 શખ્સો સામે ગુનો નોંધાયો, તમામ આરોપીઓ એક જ જ્ઞાતિના

રાપર તાલુકાના મોટી રવ ગામે અનુ. જાતિના 2 વૃદ્ધોને જાતિ અપમાનિત કરી માર મારવામાં આવતા એક જ જ્ઞાતિના 6 શખ્સો સામે એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધાવવામાં આવ્યો છે.

આ અંગે રાપર પોલીસ મથકેથી મોટી રવ ગામે રહેતા 60 વર્ષીય વેરશીભાઈ હરખાભાઈ પરમારની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાં જોડાવાના હોવાથી અને રાપર તાલુકા અનુ. જાતિ સામુદાયિક ખેતી સરકારી મંડળી લી.ની જમીન પર સંવિધાન દિવસ ઉજવવાનો હોવા બાબતે ફરિયાદીના પુત્રનો વીડિયો વાયરલ થયો હોવાનું મનદુઃખ રાખી આરોપી રાજુભા બહાદુરસિંહ જાડેજા, સમુભા ગોઉંભા જાડેજા અને ઘનુભા હકુભા જાડેજા દ્વારા તા. 22/11ના રાત્રે ફરિયાદીને જાતિ અપમાનિત કરી ધોકા વડે માર મારી મૂઢ ઈજાઓ કરવામાં આવી હતી.તો બીજી તરફ મોટી રવ ગામે રહેતા 60 વર્ષીય મઘાભાઈ કારાભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાના હોવાથી આરોપી ચંદુભા ભારુભા જાડેજા, રાજુભા નટુભા જાડેજા અને દેવેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ ફરિયાદીને જાતિ અપમાનિત કરી માર માર્યો હતો. આ બંને બનાવોમાં રાપર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખોટી ફરિયાદો થતા રાપરમાં ધરણા કરાશે
રાપર તાલુકાના મોટી રવ ગામના જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા બહાદુરસિંહ જાડેજા અને બીજા પાંચ આગેવાનો ઉપર એક રાતમા બે ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાતા અને વારંવાર ભારતના બંધારણ નો ખોટો ઉપયોગ કરીને કેટલાંક અસામાજિક તત્વો દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમા પહેલા નંબરે એટ્રોસિટી તરીકે રાપર તાલુકાને બદનામ કરાતો હોવાથી આગામી તા. 26/11ના રાપર ખાતે આવેલ ન્યાય કોર્ટ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સમગ્ર ગુજરાત રાજપૂત કરણી સેના, સમગ્ર કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ, સમગ્ર રાપર તાલુકાના વિવિધ સમાજો અને સંગઠનો, મોટી રવ ગ્રામજનો, રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ, સમગ્ર કચ્છ રાજપૂત કરણી સેના, રાપર તાલુકા કરણી સેના અને રાપર તાલુકાના સામાજિક આગેવાનો અને રહેવાસીઓ દ્વારા અચોક્સ મુદતના ધરણા કરવામાં આવશે. જેમાં તમામ લોકોએ જોડાવવા આહવાહન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...