તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય રીતે ડોકટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. પરંતુ વર્તમાનમાં મોટાભાગના ડોકટરો પ્રોફેશનલ થઈ ગયા છે.મોટી મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ અને દેખાડો કરવાની હોડ વચ્ચે ક્યારેક તબીબો માનવીય અભિગમ પણ ભૂલી જતા હોય ત્યારે અંજારના એક અલગારી તબીબે દર્દીની અને માનવ સેવાની અનોખી મિશાલ પેશ કરી છે.
કોઈપણ નાની કે મોટી હોસ્પિટલમાં દર્દીઓ જાય ત્યારે સૂટ, બુટ અને ટાઇ પહેરેલ તબીબો દેખાતા હોય છે. પરંતુ અંજારમાં મુન્દ્રા રોડ પર નાની નાગલપર સીમમાં આવતી સાંઈ આશીર્વાદ હોસ્પિટલના ડો. હિતેશ ઠક્કર (M.S.) ધોતી કુર્તામાં દર્દીઓની સેવા કરતા જોવા મળે છે. સાદું જીવન જીવી દર્દીઓની મહત્તમ સેવા કઈ રીતે કરી શકાય તેનું સામાન્ય ઉદાહરણ ડો. હિતેશ પૂરું પાડી રહ્યા છે. દર ગુરુવારે આ હોસ્પિટલમાં ઓપીડી અને દવાઓ નિઃશુલ્ક છેલ્લા કેટલાય વર્ષોથી આપવામાં આવી રહી છે. 2 વર્ષથી કોઈપણ જાતના વાહન કે ઘરેલુ અકસ્માતની તમામ સારવાર તેમજ દવાઓ નિઃશુલ્ક કરી આપવામાં આવી રહી છે.
સામાન્ય રીતે ઝેરી દવા પીધી હોય તેવા દર્દીઓ પાછળની સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે. પરંતુ તાજેતરમાં જ તા. 6/2ના જરૂ ગામના એક વ્યક્તિએ આર્થિક તંગીના કારણે દવા પી લીધી હતી, જેની સારવારમાં રૂ. 50,000 ખર્ચ થયો હતો. પરંતુ સારવાર આપ્યા બાદ પણ તે દર્દી જીવી ન શકતા ડો. ઠક્કરને ખૂબ જ દુઃખ થયું હતું અને સારવાર પેટે લીધેલા રૂપિયા દર્દીના પરિવારને પરત આપી દીધા, એટલું જ નહીં આજ પછી જે પણ દવા પીધેલા દર્દીઓ આવશે તેમની તદ્દન સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે તેવું પ્રણ લીધું હતું, આ વાત વીડિયો દ્વારા પ્રસરતા માત્ર અંજાર જ નહીં કચ્છના અનેક વિસ્તારો માથી ગરીબ લોકો આ હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યા છે અને આજની તારીખમાં સારવાર લઈ રહ્યા છે.
આ અંગે ડો. હિતેશ ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે માનવ સેવા કરવી એ જ મારો ઉદ્દેશ્ય છે. જેથી હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ અને તેમના પરિવારને 3 ટાઈમ જમવાનું પણ નિઃશુલ્ક આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે ઓપરેશન અન્ય ડોક્ટરો રૂ. 25,000માં કરે છે તે હું દવા અન્ય તમામ મેડિકલ સુવિધાઓ સહિત રૂ. 10,000માં કરું છું. સિઝેરિયન ડિલિવરીની ફી સામાન્યત: રૂ. 50,000 જેવી થાય, જે ગરીબ લોકોને પરવડે તેમ નથી પરંતુ મારી હોસ્પિટલમાં દવા, એનેસ્થેસિયા, હોસ્પિટલના રૂમનું ભાડું, કન્સલ્ટિંગ ચાર્જ વગેરે તમામ સેવા મળી માત્ર રૂ. 15,000માં સિઝેરિયન ઓપરેશન કરું છું અને જો એક મહિના પહેલા નામ નોંધાવેલું હોય તો નોર્મલ ડિલિવરી તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે.
પોતાના 2 બાળકો સાથે ત્યજેલા મળી આવેલા 7 બાળકોને પણ ઉછેર્યા
ડો. હિતેશ ઠક્કર દ્વારા તબીબી સેવા સાથે માનવસેવાને માનતા ડો. હિતેશ ઠક્કરે પોતાના 2 સંતાનો સાથે અન્ય 7 બાળકોનો પણ ઉછેર કર્યો છે. આ ડોકટર દંપત્તિને કોઈ ત્યજેલું બાળક મળ્યું તેને ઘરના છોકરાની જેમ સંભાળ રાખવાનું શરૂ કરી દીધુ હતું. આ રીતે તેમણે બાળકોનો ઉછેર કર્યો હતો. જે 7 બાળકો માંથી 2 બાળકોને તેમના પરિવારને પરત સોંપી દેવામાં આવ્યા છે. જ્યારે 5 બાળકોનું ભરણ પોષણ હજુ પણ ડોકટર દંપત્તિ કરી રહ્યું છે.
નિરાધાર વૃદ્ધઓને આજીવન રાશન પૂરું પડાશે, હોસ્પિ. રૂમમાં વૃદ્ધને રખાશે
ડોકટર દંપત્તિના જણાવ્યા અનુસાર ઘણા એવા વૃદ્ધો છે જે એકદમ નિરાધાર છે. જેથી તેમને દર મહિને રાશન પહોંચાડવામાં આવી રહ્યું છે અને તે જીવશે ત્યાં સુધી રાશન પહોંચાડાશે. ઉપરાંત તેમની હોસ્પિટલ પાસે જ એક રૂમ બનાવવામાં આવ્યો છે. જેમાં પણ એકદમ નિરાધાર હોય તેવા વૃદ્ધોને રાખવામાં આવે છે.
3 વર્ષથી પત્નીએ નવી સાડી નથી લીધી, 5 વર્ષથી ક્યાંય ફરવા પણ નથી ગયા
સામાન્ય રીતે એવું લાગે કે આવડી સેવા કર્યા પછી જીવનનિર્વાહ કઈ રીતે થતો હશે પણ એ માટે હું અને મારી પત્ની યામિની ઠક્કર ખૂબ જ કરકસર કરીએ છીએ, તમામ ડોક્ટરો અમેરિકા, યુરોપ વગેરે જગ્યાઓએ દર વર્ષે ફરવા જતા હોય છે પરંતુ અમે છેલ્લા 5 વર્ષથી ક્યાંય ફરવા પણ નથી ગયા. મારી પત્નીએ છેલ્લા 3 વર્ષથી પોતા માટે સાડી પણ નથી ખરીદી, મારો અને મારી પત્નીનો સમગ્ર પરિવાર અમેરિકામાં છે, પરંતુ મેં હજુ સુધી પાસપોર્ટ પણ નથી બનાવ્યો અને મારી પત્નીનો પાસપોર્ટ રીન્યુ નથી કરાવ્યો, સાદું જીવ જીવતા હોવાથી અમે મન મુકીને સેવા કરી રહ્યા છીએ.
‘મારા બાળકોમાં ટેલેન્ટ હશે તો સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોકટર બનશે, હું ડોનેશન નહીં જ આપું’
તબીબના જણાવ્યા અનુસાર ડોકટરના બાળકો ડોકટર જ બને તેવો ટ્રેન્ડ ચાલે છે. જે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરી ડોનેશન આપી વિદેશની મેડિકલ કોલેજમાં પોતાના બાળકોને ભણાવે છે. પરંતુ મેં મારા બાળકોને કહી દીધું છે જો તમારામાં ટેલેન્ટ હોય તો ભારતમાં રહી સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી ડોકટર બનજો હું વધારાનું ડોનેશન નહિ જ આપું તેની જગ્યાએ એ રૂપિયાથી હું લોકોની સેવા કરીશ.
‘જેનું કોઈ નથી તેનો ભગવાન છે’ -150થી વધુ નિરાધાર દીકરીઓના વિવાહ કરાવ્યા
‘જેનું કોઈ નથી તેનો ભગવાન છે’ તે કહેવતને સાર્થક કરતા અત્યાર સુધી 150થી વધુ નિરાધાર કન્યાઓના વિવાહ આ ડોકટર દંપત્તિ દ્વારા કરાવવામાં આવ્યા છે. જેમાંથી 3 વખત સમૂહ લગ્નમાં અને બાકીના અલગ-અલગ રીતે ધામધૂમથી વિવાહ સંપન્ન કરાવવામાં આવ્યા છે.
સાત્વિક જીવન જીવવા માટે હોસ્પિટલ પાસે જ ગાયો રાખી અને ઘરને છાણથી લિપ્યું
સાદું અને સાત્વિક જીવન જીવવામાં માનતા ડોકટર દંપત્તિ દ્વારા હોસ્પિટલ પાસે જ ગાયોને રાખવામાં આવી છે અને બીમારી અને બેક્ટેરિયાથી બચવા પુરાણી જીવનશૈલી મુજબ હોસ્પિટલના ઉપરના ભાગે પોતાના રહેઠાણની જગ્યાએ સમગ્ર ઘરને ગાયના છાણથી લીપણ કર્યું છે. જે બાબત તેમના સાદા જીવનની સાક્ષી પુરી રહી છે. અને લોકો માટે મિશાલ સમાન બની રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.