લૂંટ:અંજારમાં ત્રિપુટીએ માત્ર એક કલાકમાં 2 ચેઇન અને 2 મોબાઈલની લૂંટ ચલાવી

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધેડ મહિલાની સોનાની ચેઇન ખેંચ્યા બાદ દંપત્તિ પાસેથી મોબાઈલ અને ચેઇન ઝૂંટવી ગયા

અંજારમાં બાઈક સવાર ત્રિપુટીએ માત્ર એક કલાકમાં જ 2 ચેઇન સ્નેચિંગ અને 2 મોબાઇલની લૂંટને અંજામ આપતા ચકચાર પ્રસરી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી ખારાપસવારિયા ગામે રહેતા 21 વર્ષીય નવીન પબાભાઈ ખાંભલાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ 16 તારીખે બપોરે સાડા ચારના અરસામાં ફરિયાદી તેની પત્નીને બાઈક પાછળ બેસાડી અંજારથી તેના ગામ તરફ જતો હતો ત્યારે વેલસ્પન કંપનીથી આગળ એરપોર્ટ ચાર રસ્તાથી ડાબી તરફના કાચા રસ્તે એક અજાણ્યા યુવકે તેને હાથ વડે ઈશારો કરી ઊભો રખાવ્યો હતો. નવીને જેવું બાઈક ઊભું કર્યું કે બીજા બે અજાણ્યા યુવકો પણ ત્યાં આવી ચડ્યાં હતા. બાઈક ઊભું રખાવનારો યુવક નવીનના શર્ટના ખિસ્સામાં રહેલાં બે મોબાઈલ ફોન ઝૂંટવીને નાસી ગયો હતો. તેમજ બાકીના બે ઈસમો તેની પત્ની સોનીબેનના ગળાની રૂ. 30 હજારના કિંમતની સોનાની ચેઈન ખેંચી નાસી ગયાં હતા.

ફરિયાદી નવીન સાથે લૂંટની ઘટનાના એક કલાક અગાઉ મેઘપર-બો.માં જસપ્રીત ઢાબા સામેના રોડ પર એકતા નગર, નવા અંજારમાં રહેતા 49 વર્ષીય લક્ષ્મીબેન જયંતીભાઈ ગઢવી નામની મહિલાના ગળા માંથી રૂ. 20 હજારના કિંમતની આ જ ત્રિપુટી ચાલું બાઈકે ચેઇન સ્નેચિંગ કરી હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી અંજાર પોલીસે 5500ની કિંમતના બે મોબાઈલ ફોન સહિત સોનાની 2 ચેઈન મળી કુલ રૂ. 55,500ના મુદ્દામાલની ચિલ્ઝડપનો ગુનો દાખલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...