તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અંજારમાં પોલીસ કર્મીને કુહાડીના ઘા ઝીંકી રહેંસી નખાયો

અંજાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યાં છે કાયદો અને વ્યવસ્થા ? ચાર દિવસ પહેલાં થયેલી બોલાચાલી બાદ હત્યાને અંજામ અપાયો

અંજારમાં અંગત અદાવતમાં પોલીસ હેડકોન્સટેબલને કુહાડીના ઘા મારી કરપીણ હત્યા કરી દેવાતાં ચકચાર મચી જવા પામી છે. સાંજે બનેલી ઘટનામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને તપાસ આદરી હતી. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, દયાપર ખાતે આર્ટિફિશિયલ વોકીટોકી વિભાગમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય વિજય ખીમજીભાઇ ચૌહાણને ચાર દિવસ પહેલાં ગુટખા થૂંકવાની બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી અંદાજે 19 વર્ષીય સુનિલ ઉર્ફે મુન્નો નારાણ મહેશ્વરી નામના ઇસમે અંજારના વિજયનગર વિસ્તારમાં કુહાડીના ઘા માથા અને પગમાં મારી કરપીણ હત્યાને અંજામ આપ્યો હતો.

આ ઘટનાના પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. મોડી સાંજે બનેલી ઘટનામાં મોડે સુધી આ બનાવનો તાગ મેળવવાની તજવીજમાં પરોવાયેલી પોલીસે આરોપીને રાઉન્ડઅપ પણ કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકનો એક ભાઇ ભચાઉ પોલીસ મથકે ફરજ બજાવે છે તો એક ભાઇ અંજાર વિભાગના ડિવાયએસપીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે. સરેઆમ પોલીસ કર્મીને કુહાડીના ઘા મારીને કરાયેલી હત્યાનો બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...