સેવાની જ્યોત જલતી રાખી:3 માસમાં 3 હજારથી વધુ દર્દીની નિઃશુલ્ક સારવાર

અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજારનો એક એવો પરિવાર જેમણે વાયરલ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓની સેવા માટે હોસ્પિટલ શરૂ કરી
  • લેબ ટેસ્ટ અને દવા પણ રાહતદરે, પરિવારના 6 લોકો સાથે મળી કરે છે ચિકિત્સા : મહામારીના સમય દરમ્યાન પણ સેવાની જ્યોત જલતી રાખી

વડીલો દ્વારા હંમેશા સ્વસ્થ રહેવા અંગેના આશીર્વાદ આપવામાં આવતા હોય છે. એક વાર હોસ્પિટલનો પગથિયાં ચડ્યા કે આર્થિક અને માનસિક રીતે દર્દી અને તેના પરિજનો તૂટી પડતા હોય છે. પરંતુ અંજારમાં એક પરિવાર દ્વારા ગરીબ લોકોને માંદગી સમયે સારી અને સસ્તી સારવાર મળી શકે તેવું વિચારી લેબ, મેડિકલ અને ઓપીડીની સુવિધા ધરાવતી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જેમાં 6 ભાઈ-બહેનો દ્વારા માત્ર 3 મહિનાના ગાળામાં જ 3 હજારથી વધુ વાયરલ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપી સ્વસ્થ કર્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારના રામકૃષ્ણ મહાવીર નગરમાં કોરોનાના કપરા કાળ વચ્ચે જાન્યુઆરી મહિનામાં પારસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. ડો. જસરાજ ભાનુશાળી અને ડો. રાખીબેન ભાનુશાળી નામના બંને ભાઈ-બહેન દ્વારા શરૂઆતની સાથે જ કોરોનાના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જે સેવા ઓગસ્ટ મહિના સુધી કાયમ રાખવામાં આવી હતી. આ દરમ્યાન કોરોના 1 હજારથી વધી દર્દીઓની સેવા કરવામાં આવી હતી.

જે બાદ સપ્ટેમ્બર મહીનથી વાયરલ તાવ, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગોએ માથું ઉચકતા નિઃશુલ્ક સારવાર આપવાની નેમ સાથે ફરી સેવામાં જોતરાઈ ગયા હતા અને 3 મહિનામાં 3 હજારથી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. આ સેવામાં બંને ડોકટર ભાઈ-બહેન સાથે તેમના જ પરિવારના ભાઈ બહેનો સાગર ભાનુશાલી (ફાર્માસિસ્ટ), પાયલબેન ભાનુશાલી (ફાર્માસિસ્ટ), સુરજ ભાનુશાલી (લેબ ટેકનીશ્યિન) અને વૈભવી રાઠોડ (લેબ ટેકનીશ્યિન) પણ સરખે ભાગે સહભાગી રહ્યા છે.

આજની તારીખે પણ આ હોસ્પિટલમાં તમામ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. આ ડે કેર હોસ્પિટલમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાની તપાસ માટે લેબ રિપોર્ટ પણ અન્યની સરખામણી 50 ટકા ઓછા દરે કરી આપવામાં આવે છે. તો દવાઓમાં પણ 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેના કારણે આજની તારીખે દરરોજ 80થી 100 દર્દીઓ સારવાર માટે આ હોસ્પિટલની સેવા લઈ રહ્યા છે.

હજુ 6 મહિના વિનામૂલ્યે સારવાર આપશું
આ અંગે સુરજભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, હાલમાં પણ મહામારી જેવો સમય ચાલી રહ્યો છે. કોરોના ફરી માથું ઊંચકે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી હોવાથી પરિવારના તમામ સભ્યો દ્વારા નિઃશુલ્ક સારવાર ચાલુ જ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી હજુ 6 મહિના કોઈપણ ચાર્જ લીધા વગર નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.

કોરોના દરમ્યાન નિઃશુલ્ક એમ્બ્યૂલન્સ સેવા આપી
આ સેવાભાવી પરિવાર દ્વારા કોરોના કાળ દરમ્યાન જ્યારે એક તરફ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તો બીજી તરફ જે દર્દીઓ ગંભીર હતા અને ઓક્સીઝન, વેન્ટિલેટરની જરૂરિયાત વાળા હતા તેમને રીફર કરવા માટે એમ્બ્યુલન્સ સેવા પણ આપવામાં આવી હતી. જે પણ નિઃશુલ્ક જ હતી.

અન્ય સમાચારો પણ છે...