ક્રાઇમ:અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી અંજારમાં મારામારી, 4 યુવાનો ઘાયલ

અંજાર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામસામે ફરિયાદ નોંધાઈ, એકને ફ્રેક્ચર તો બીજાને રાજકોટ લઈ જવાયો

અંજારમાં અગાઉના ઝઘડાનો મનદુઃખ રાખી મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં 4 યુવાનો ઘાયલ થતા એકને હાથમાં ફ્રેક્ચર તો બીજાને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં સામસામે કુલ 6 યુવાનો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મિથિલા નગરી-3માં રહેતા 34 વર્ષીય વિવેક ઉર્ફે વિકી વિજયભાઈ વિશાણીની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 2/10ના રાત્રે 11 વાગ્યે ફરિયાદી તેના મિત્ર સતીશ શિવજીભાઈ પિત્રોડા સાથે ખોવાઈ ગયેલી ચાવી ગોતવા કસ્ટમ ચોક પાસે ગયા હતા જ્યાં આરોપી પાર્થ બારોટ અને નિશાદ કીર્તિદાસ નિમાવત ત્યાં હાજર હતા અને અગાઉના ઝઘડાનો મનદુઃખ રાખી બંને યુવાનોને પકડી માર માર્યો હતો જે બાદ આરોપી ભાર્ગવ નિમાવત અને નારણ ગઢવી આવી પહોંચ્યા હતા અને નારણે ધોકાથી માર મારતા ફરિયાદીના મિત્રને હાથમાં ફ્રેક્ચર આવ્યો હતો.

તો સામાપક્ષે સ્વામિનારાયણ નગર, સતાપર રોડ પર રહેતા 30 વર્ષીય સુનિલ બળવંતરાય બારોટે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના માસીનો દીકરો પાર્થ કેતનભાઈ બારોટ અને નિશાદને આરોપી વિકી વાળંદ અને સતીશ પિત્રોડાએ માર માર્યો હતો. જે દરમ્યાન આરોપી વિકીએ પાર્થને નાના સળિયાથી આંખ પાસે મારતા ગંભીર ઈજાઓ થઈ હતી અને નિશાદને પણ ધકબુસટનો માર મારવામાં આવ્યો હતો. બનાવ બાદ પાર્થને પ્રથમ ભુજ અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંતર્ગત સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા કુલ 6 યુવાનો વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો હતો. પોલીસે મારામારી ઘટના અંગે નિવેદનો નોંધી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...