લોકોમાં ભય:મેઘપર-બો.ની સરકારી પડતર જમીનમાં કોઈ વ્યક્તિઓ પ્રાણઘાતક પદાર્થ ફેંકી જતા દહેશત

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામખિયાળી સુધી પહોચાડવાની જગ્યાએ મલબો નજીકમાં ખાલી કરી જવાતું હોવાનો અંદાજ

અંજાર તાલુકાના મેઘપર-બો. નજીક આવેલા ખાનગી એકમો નજીક આવેલ સરકારી પડતર જમીનમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પ્રાણઘાતક પદાર્થ ટ્રક મારફતે ખાલી કરી જવામાં આવતું હોવાથી આસપાસના લોકોમાં ભય ફેલાયો છે.આ અંગે જાણકારો તરફથી મળતી માહિતી મુજબ જે તે ખાનગી એકમો માંથી પ્રાણઘાતક પદાર્થો નીકળતા હોય છે. જેમાંથી એસ્બેસ્ટોસ નામનો પદાર્થ પણ નીકળતો હોય છે. વાદળી અને સફેદ કલર જેવો દેખાતો આ પદાર્થ માનવો અને જાનવરો માટે ખુબ જ હાનીકાર હોય છે.

જીણી રજ ની માફક આ પદાર્થ હવા માંથી માનવ શરીરમાં ચાલ્યું જતું હોવાથી ફેફસાનું કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે અને કોઈ અબોલો જીવ તેને આરોગી જાય તો તેનું તાત્કાલિક મૃત્યુ પણ થઇ શકે છે. જેથી ખાનગી એકમો માંથી નીકળતા આ પદાર્થને સામખિયાળી મોકલવામાં આવી રહ્યો છે.

જ્યાં પ્રોસેસ થયા બાદ જમીનની અમુક ઊંડાઈએ તેને દાટી દેવામાં આવે છે. પરંતુ અમુક લોકો દ્વારા સામખિયાળી સુધી લાંબો ધક્કો ન પડે તે માટે આ પ્રાણઘાતક પદાર્થ ભરેલો ટ્રક મેઘપર-બો.ની સરકારી પડતર જમીન પર ફેકી દેવામાં આવી રહ્યો છે. જેના કારણે આસપાસના એકમોમાં કામ કરતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઇ રહી છે. આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

આ બાબતે ફરિયાદ નથી મળી, તપાસ કરી કાર્યવાહી કરાશે-જી.પી.સી.બી.
આ અંગે ગાંધીધામ સ્થિત પૂર્વ કચ્છની પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મુખ્ય અધિકારી કે.બી. ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે અમને કોઈ જાણ નથી કે કોઈએ ફરિયાદ પણ નથી કરી, જેથી આ બાબતે યોગ્ય તપાસ થશે, એસ્બેસ્ટોસ અલગ અલગ પ્રકારના હોય છે, જેથી તે ખરેખર પદાર્થ શું છે અને લોકો માટે કેટલો હાનીકારક છે તે અંગે તપાસ કાર્ય બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે. પરંતુ કોઇપણ ઔધોગિક એકમ માંથી નીકળતા વેસ્ટનો નિયમ મુજબ નિકાલ કરવો જ જોઈએ, આ રીતે જાહેરમાં તેને ન ફેકી શકાય.

અન્ય સમાચારો પણ છે...