વિવાદ:આખરે અંજાર નગરપાલિકા ઝૂકી, નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા

અંજાર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાપક્ષ નબળો પડ્યો પણ વિપક્ષ હજુયે ધરણા પર
  • સવારે પાલિકામાં મેળા જેવો માહોલ, જિલ્લા કોંગ્રેસની ટીમે મુલાકાત લીધી

અંજાર નગરપાલિકાએ શનિવારે આયોજિત સામાન્ય સભામાં જાહેર સેવાઓ પર ભાવ વધારા અંગે વિવાદિત નિર્ણય લઈ બોલવાનો પણ મોકો ન આપતા વિપક્ષ ધરણા પર છે. 3 દિવસના ધરણા બાદ આખરે પાલિકા ઝૂકી છે અને નાગરિકો પાસેથી વાંધા-સૂચનો માંગવામાં આવ્યા છે. તો બીજી તરફ મંગળવારે સવારે જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અંજાર નગરપાલિકામાં આવી પહોંચતા મેળા જેવો માહોલ સર્જાયો હતો અને આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ પણ દેખાયા હતા.

અંજાર નગરપાલિકા વિપક્ષ સામે નબળી પડી છે અને એક યાદી મારફતે જણાવ્યું છે કે, સામાન્ય સભામાં હયાત સેવાઓના દરમાં સુચિત વધારાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે ઠરાવ અન્વયે 30 દિવસની મુદ્દતમાં વાંધા–સુચન મંગાવવામાં આવશે. જેમાં જેટલા વાંધા–સુચન આવશે તે વાંધો લેનારને કારોબારી સમિતિ સમક્ષ રૂબરૂમાં બોલાવી તેમને સાંભળવામાં આવશે.

જે બાબતે કારોબારી સમિતિમાં હકારાત્મક નિર્ણય લઈ ફરીથી સામાન્ય સભામાં આ પ્રકરણ લેવામાં આવશે અને સામાન્ય સભામાં મંજુરી મળેથી પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ રાજકોટ ઝોન મધ્યે દરખાસ્ત કરવામાં આવશે અને જ્યાંથી મંજૂરી મળી જતા ફરીથી સામાન્ય સભામાં વંચાણે લઈ અને ત્યારબાદ અમલીકરણ કરવામાં આવશે. એટલે કે, હાલમાં કોઈ ભાવ વધારો લાગુ પાડવામાં આવેલ નથી.

મંગળવારના સવારે પાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ધરણા પર હોવાથી જિલ્લા કોંગ્રેસ સમિતિના યજુવેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, રમેશભાઈ ડાંગર, તાલુકા કોંગ્રેસના કરશન રબારી વગેરે અંજાર નગરપાલિકા પહોંચી આવ્યા હતા અને ચીફ ઓફિસર પાસે જઈ રજુઆત કરી હતી અને જો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો જોરદાર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

સામાન્ય સભા રદ્દ થાય અને નિર્ણય સંપૂર્ણ પરત ખેંચાય પછી જ ધરણા પરથી ઉઠીશ
આ અંગે અંજાર નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકા ભલે તાયફાઓ કરી લોકોના સૂચનો મંગાવ્યા છે. પરંતુ લોકોને દબાવીને પોતાનો નિર્ણય ફરી નાગરિકો પર ઠોકી બેસાડશે, ગત સભામાં લોકશાહીની હત્યા થઈ છે. જેથી એ સભા રદ્દ થાય અને નિર્ણય સંપૂર્ણ રીતે પરત ખેંચાય તો જ હું ધરણા પરથી ઉઠીશ.

સત્તાપક્ષ નિર્ણય લીધા બાદ પસ્તાયો
ભાવ વધારા મુદ્દે અંજારમાં સત્તાપક્ષના સભ્યોને ખૂબ સાંભળવું પડી રહ્યું છે. જે લોકો સ્વચ્છ છબી ધરાવી રહ્યા છે તેમને પણ લોકો સમક્ષ જતા ભય લાગી રહ્યો છે. તેવામાં સત્તાપક્ષના જિલ્લાના આગેવાનોએ પણ આ બાબતે ટકોર કરી હોવાથી હવે અંજાર નગરપાલિકાના સત્તાધીશોને નિર્ણય લીધા બાદ પસ્તાવો થઈ રહ્યો હોવાનું પાલિકામાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...