આરોગ્ય માટે જોખમી:શુદ્ધતાના માપદંડ વગર અંજારમાં વિતરણ થતું પીવાનું પાણી આરોગ્ય માટે જોખમી

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાહી ક્લોરીનનો બેફામ આડેધડ ઉપયોગ, નગરપાલિકામાં પ્રશિક્ષિત સ્ટાફની પણ અછત

એક સમય હતો જેમાં જળ સ્ત્રોતમાં અંજારનો અવ્વલ નંબર આવતો, આજની તારીખે અંજારના પેટાળમાં રહેલો પાણી એટલો મધુર છે કે તેને ફિલ્ટર કરવાની જરૂર જ નથી. પરંતુ પુષ્કળ જળ સ્ત્રોત સમયની સાથે હવે ખૂટી રહ્યો છે અને કુલ 14 એમ.એલ.ડી. પાણીની માંગ સામે અંજારના 24 બોર માત્ર 6 એમ.એલ.ડી. પાણી જ પૂરું પડી શકે છે. જેના કારણે ફરજીયાત નર્મદાના પાણીનું મિશ્રણ કરી અંજારમાં સપ્લાય આપવામાં આવી રહ્યું છે. લેબ ટેસ્ટની રીતે વાત કરીએ તો અંજારના પાણી કરતા નર્મદાનું પાણી ભારે અને દુષિત છે. જેના કારણે આ પાણીમાં કલોરીનેશન કરવું ખુબ જ જરૂરી હોય છે.

પરંતુ અંજાર નગરપાલિકા પાસે આ કાર્ય માટે કોઈ પ્રશિક્ષિત મહેકમ ન હોવાના કારણે બેફામ અને આડેધડ લીક્વીડ ક્લોરીનનો ઉપયોગ થઈ રહ્યો છે. જેના કારણે અંજારના લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંદાજીત 2 વર્ષ પહેલા અંજારના તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા રજૂઆત કરવા આવેલા નાગરિકોને પીવાના પાણી બાબતે તોછડો જવાબ આપી પોતે બોર બનાવી લો તેવું કહી દેવામાં આવતા ખરેખર વિતરણ થતું પાણી કેટલું શુદ્ધ છે તેની તપાસ કરવા માટે અંજારના પાણીનું સેમ્પલ લઈ સ્થાનિકો દ્વારા સ્વખર્ચે ટેસ્ટીંગ લેબ મધ્યે પાણીની તપાસ કરાવવામાં આવી હતી.

જેના રીપોર્ટમાં પાણીમાં કલોરીનેશન ન થતું હોવાના કારણે પીવાનું પાણી અશુદ્ધ હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે અંજાર નગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકા લીક્વીડ ક્લોરીન વાપરે છે જે 24 કલાકમાં પાણી માંથી આપોઆપ ઉડી જાય છે. જેના કારણે કદાચ રીપોર્ટમાં પાણી અશુદ્ધ હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ બનાવ બાદ પણ અંજારમાં પાણીની સ્થિતિમાં કોઈ જ સુધાર આવ્યો નથી અને આજની તારીખે અશુદ્ધ પાણી જ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત અંજાર નગરપાલિકા પાસે કોઈ જ પ્રશિક્ષિત સ્ટાફ ન હોવાના કારણે ક્યારેક અતિરેક વધુ તો ક્યારેક નહીવત ક્લોરીન પીવાના પાણીમાં નાખી દેવામાં આવે છે, જેના કારણે અંજારમાં ગમે ત્યારે કોઈ મોટો રોગચાળો ફેલાઈ શકે તેવી દહેશત પણ વર્તાઈ રહી છે. તો બીજી તરફ અશુદ્ધ પાણી હોવાના કારણે રાંધવાનું અનાજ બરોબર ચડતું નથી તેમજ અવર-નવાર પેટને લગતી બીમારીઓ અંજારવાસીઓને સતાવી રહી છે, જેથી આ બાબતે યોગ્ય પગલા ભરાય તેવી માંગ પણ ઉઠી છે.

માત્ર એક અનુભવી સ્ટાફના ભરોશે ચાલે છે પાણી વિતરણ સીસ્ટમ
અંજાર નગરપાલિકા પાસે પાણી પુરવઠા વિભાગમાં ઇન્જિનીયર તરીકે ભીમજીભાઈ ચોટારા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. જે એકમાત્ર એવા વ્યક્તિ છે જેને પાણી વિતરણ, પાણીની શુદ્ધતા જાળવવા અંગેની પુરતી સમાજ છે. જયારે વારંવાર બદલીઓ કરવામાં આવી રહી હોવાથી અન્ય અનુભવી સ્ટાફ બીજા વિભાગોમાં ચાલ્યા ગયા છે. જેના કારણે વિતરણ વ્યવસ્થામાં વ્યસ્ત રહેતા ઇન્જિનીયર પાણી શુદ્ધતા પર ધ્યાન આપી શકતા નથી પરિણામે પાલિકાના પાપે અંજારવાસીઓને અશુદ્ધ પાણી પીવું પડી રહ્યું છે.

આ વિભાગમાં પહેલા અપનાવાતી હતી વ્હાલા-દવલાની નીતિ
અંજાર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં જે તે વખતે નોકરી કરવા માટે લાગવગ ધરાવતા લોકો વલખા મારી રહ્યા હતા. પરંતુ ગત બોલડી દ્વારા સ્કાડા સીસ્ટમ લગાવવામાં આવતા ઉપરાંત તે વખતના ચીફ ઓફિસર દ્વારા કડક પગલા લઈ મોટા ભાગના મહેકમને છૂટો કરી નાખવામાં આવતા આરામદાયક નોકરી વધુ કઠીન બની ગઈ હતી. જેના કારણે હવે આ વિભાગમાં કોઈ નોકરી કરવા પણ રાજી નથી.

અન્ય સમાચારો પણ છે...