ખખડધજ રોડ:અંજારમાં માર્ગ પર હજુય પેચવર્કનું અધૂરું કામ છતાં મંત્રીએ સોશ્યલ મીડિયા પર ફોટા મૂકી સંતોષ માન્યો

અંજાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મંત્રીએ પોસ્ટ કરેલો ફોટો. - Divya Bhaskar
મંત્રીએ પોસ્ટ કરેલો ફોટો.
  • તંત્રની ભૂલના કારણે શહેરના રસ્તા બન્યા ખાડા વાળા
  • ચિત્રકૂટથી બગીચા સુધીનો માર્ગ પાલિકાની બેદરકારીના કારણે ખખડધજ થયો : રસ્તામાં ઠેર-ઠેર ખાડાના કારણે વાહનચાલકોને થતી પારાવાર હાલાકી

અંજારમાં તંત્રની ભૂલના કારણે મોટા ભાગના ડામર વાળા માર્ગો ખખડધજ બન્યા છે. તેમાંય વળી અધૂરું કામ રાખી દેવામાં આવતા લોકોની પરેશાની વધી છે. તેવામાં માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ સસ્તી પ્રસિદ્ધિ માટે સોશ્યલ મીડિયામાં પેચવર્ક કર્યાના ફોટા મૂકી સંતોષ માની લીધો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ અંજારમાં વરસાદ પડ્યા બાદ મોટા ભાગના માર્ગો પરથી ડામર ઉખડી ગયો છે. જેથી માર્ગ પર મોટા ખાડાઓ પડી ગયા હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જે બાદ રાજ્ય સરકાર દ્વારા ખાડા પૂરો અભિયાન હાથ ધરવામાં આવતા સ્ટેટ હાઇવેમાં આવતો અંજારનો ચિત્રકૂટથી ગંગાનાકા થઈ કળશ સર્કલ જતા માર્ગ પર પડેલા ખાડાઓને પુરવાનું કામ પણ આરંભવામાં આવ્યું હતું. પરંતુ દશેક દિવસ પહેલા કરવામાં આવેલું વેચવર્ક કાર્ય અધૂરું છોડી દેવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તેવામાં માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા સોશ્યલ મીડિયામાં પેચવર્ક કરી નાખ્યું હોવા અંગે પોસ્ટ મુકવામાં આવતા લોકોની ટીકાનો ભોગ બન્યા છે. કારણ કે જ્યાં પેચવર્ક કર્યું હોવાનો ફોટો મુકવામાં આવ્યો છે. તેનાથી થોડે દુર જ ખખડધજ ખાડા વાળો માર્ગ આવેલો છે. જેમાં માત્ર કપચી નાખી સંતોષ માની લેવામાં આવ્યો છે. જોકે આ અધૂરૂ કામ 2-3 દિવસમાં જ પૂરું કરી નાખવામાં આવશે તેવું અંજાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

રોડની હાલત
રોડની હાલત

તો બીજી તરફ ખડીયા તળાવની આવના માર્ગ પર દબાણ થઈ ગયું હોવાથી વરસાદી પાણી તળાવ પાસે માર્ગ પર જ ભરાઈ રહે છે. જેના કારણે આ માર્ગ પરથી ડામર ઉખડી જતો હોય છે. વળી પાલિકા દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધા વગર જ માર્ગોને ખોદી નાખવામાં આવતા હોવાથી પણ ખાડા પડી જવાની સમસ્યા ઉત્પન્ન થઇ રહી છે.

પાલિકાએ જયાં-જયાં ડામર પાથર્યો તે તો 24 કલાકમાં જ ઉખડી ગયો..!!
સૌથી વધુ ભ્રષ્ટાચાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોય તેવું સામાન્ય રીતે લોકો કહેતા હોય છે. જેનો સીધો નમૂનો અંજાર નગરપાલિકા રજૂ કરી રહી છે. માર્ગ અને મકાન વિભાગે તેમના હસ્તકનો માર્ગ પાલિકાને સોંપવા માટે દરખાસ્ત કરી છે. પરંતુ જે માર્ગો પાલિકા હસ્તકના છે તેમાં જે ડામર પાથરવામાં આવ્યું હતું તે તો 24 કલાક પણ ટક્યું નથી અને 9 મીટર રોડ તેમજ અન્ય માર્ગો પરનો ડામર ઉખડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે જો શહેરનો મુખ્ય માર્ગ જો પાલિકાને સોંપી દેવાશે તો શહેરની પરિસ્થિતિ શુ થશે તે તો માત્ર વિચારવાનું જ રહ્યું.

શહેરમાંથી પસાર થતો આર એન્ડ બીનો માર્ગ પાલિકાને સોંપી દેવાશે
આ અંગે અંજાર સ્ટેટ આર એન્ડ બી ના સૂત્રોએ જણાવ્યું હતું કે, અગર રિંગ રોડ બની જાય તો આપોઆપ શહેરનો માર્ગ જે-તે પાલિકા હસ્તક જતો રહે છે. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ,અંજાર દ્વારા શહેર માંથી પસાર થતો સાડા ત્રણ કી.મી.ના માર્ગને પાલિકાને સોંપવા માટેની દરખાસ્ત કરી દેવામાં આવી છે. જેથી ટુક સમયમાં આ માર્ગ પાલિકા હસ્તકનો થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...