દુર્ઘટના:કચ્છમાં એક જ દિવસમાં આગના પાંચ બનાવો

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્યાયામશાળા પાસે ગાયોના વાડાને આગે લપેટ્યો
  • ખુલ્લામાં ઝાડી ઝાંખરા બની રહ્યા છે ભયજનક
  • પાલિકા બુઝાવે છે પણ કડક કાર્યવાહી નથી કરતી

માર્ચની શરૂઆત અને ઉનાળાના આગમનની સાથે જ કચ્છમાં આગના બનાવોનું પ્રમાણ ઉંચકાયુ છે જેના કારણે એક જ દિવસમાં જુદા જુદા 5 સ્થળોએ આગની ઘટના બની છે.તાજેતરમાં પણ ભુજ જીઆઇડીસી અને સામત્રા પાસે આગ લાગી હતી.એકાએક આગની ઘટનાઓમાં આવેલા ઉછાળાએ ફાયર વિભાગની સાયરનને સતત ગુંજતી રાખી છે.

ભુજ શહેરમાં શિયાળની ઋતુ પૂરી થઈ રહી છે ત્યારે અાગના બનાવો બનવા લાગ્યા છે, જેમાં રવિવારે વ્યાયામ શાળા પાસે ગાયોના વાડામાં અાગ લાગી હતી, જેથી અાસપાસના રહેણાક વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા. જોકે, ફાયર બ્રિગ્રેડની ટીમે પાણી છાંટી ઠારી દીધી હતી, જેથી કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયર બ્રિગ્રેડના વડા સચિન પરમારે વધુમાં જણાવ્યું હતું કે, શનિવારની રાત્રે 2.30 વાગે સર્કલ અોફિસરનો કોલ અાવ્યો હતો કે, ગાયત્રી મંદિર રોડ પાસે વ્યાયામ શાળાની સામે ગાયોના વાડામાં અાગની જ્વાળાઅો દેખાઈ રહી છે, જેથી તાત્કાલિક ફાયર ડીસીઅો મામદ જત, ફાયર મેન સોહમ ગોસ્વામી, રમેશ ગાગલ, પ્રતિક મકવાણાને ઘટના સ્થળે મોકલ્યા હતા. જેમણે અાગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જોકે, કાંટાળી વાડ હતી અને વાડામાં સૂકા ઘાસનો જથ્થો પડ્યો હતો. જે સળગીને ખાખ થઈ ગયો હતો. અે સિવાય કોઈ જાનહાનિ કે નુકસાની નથી થઈ.

અંજારની સ્ટેટ બેંકના ફર્નીચરમાં મધરાત્રે આગ ભભૂકી,મોટી નુકશાની ટળી
અંજાર : શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં મધરાત્રે આગ લાગી હતી જોકે તાત્કાલિક કાર્યવાહીના કારણે મોટી નુકશાની અટકી હતી.દેવડિયા નાકે આવેલી શાખામાં કોઇપણ કારણોસર રાત્રે 12-30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી.જેમાં બેંકના ફર્નીચરમાં આગ લાગી જતા અંજાર પાલિકા અને વેલસ્પન કંપનીના ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોચી ગણતરીની મીનીટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો અને બેંકમાં વધુ નુકશાની થતા બચાવી લીધી હતી. બીજી તરફ બેંક દ્વારા આ બાબતે પોલીસ મથકે નુકશાની અંગેની વિગતો ન આપતા ખરેખર કેટલું નુકશાન થયું છે તેની વિગત મેળવી શકાઈ ન હતી.

અજાપરની ખાનગી કંપનીના બ્લાસ્ટિંગ બુથ પ્લાન્ટમાં આગથી નુકશાની, પોલીસમાં ગુનો
અંજાર : અજાપર ગામે આવેલી ડી ફેબ્રીકોન પ્રા. કંપનીમાં તા. 4/3ના અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો. શોર્ટસર્કીટ કારણે કંપનીના બ્લાસ્ટિંગ બુથ પ્લાન્ટમાં અચાનક ધુમાડાઓ સાથે આગ લાગવાનો બનાવ બનતા તાત્કાલિક ફાયર ફાયટરને બોલાવી લેવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ આગના કારણે કંપનીને સામાન્ય નુકસાન પણ થયું હતું. કંપની વતી જગજીતનકુમાર સિંગે અંજાર પોલીસ મથકે જાણવા જોગ નોંધાવી હતી.

લખપતના પાનધ્રોમાં સીમાડામા ઘાસ અને વૃક્ષો બળી ગયા
દયાપર : લખપત તાલુકાના પાનધ્રોમાં ખેતર નજીકના સીમાડામાં લાગેલી આગથી ઘાસ અને વૃક્ષો બળી ગયા હતા.અહીંના ઝુઝારદાન ગઢવીએ જણાવ્યું કે,મલિક રમજાન ખલીફાના ખેતર પાસેના સીમાડામાં આગ લાગી હતી જેથી થર્મલ પાવર સ્ટેશનના ફાયર વિભાગના કર્મચારીઓએ આવીને પાણીનો મારો ચલાવીને એક કલાકની જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ ઘટનામાં ઘાસ અને વૃક્ષો બળી ગયા હતા.

અબડાસાના ધુવાયની સીમમાં વીજકંપનીના વાયર તૂટતા સુરજમુખીનો પાક સળગી ગયો : 10 લાખનું નુક્શાન
નલિયા : અબડાસા તાલુકાના ધુવાય ગામની સીમમાં આવેલ વાડીમાં વીજકંપનીના વાયર તૂટતા રૂ.10 લાખનું નુક્શાન થયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.અહીં મુરમામદ ઇસ્માઇલ મંધરાની વાડીમાં સૂઝલોન કંપનીના વાયર તૂટીને તેમના પડતા ઉભેલો સુરજમુખીનો પાક બળી ગયો છે તો મોટર કૂવામાં પડી ગઈ હતી.આ વાડીમાં મજૂરો કામ કરતા હતા પણ કોઈ જાનહાની થવા પામી નથી. સાંજ સુધી જીવતો વાયર એ જ સ્થિતિમાં પડ્યો હોવાનું અને કંપનીના જવાબદારો ન આવ્યા હોવાનું અયુબભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...