• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Anjar
  • Controversy Among The Members On The First Day Of Business In Anjar Palika, The Chairman And The Only Member Present Heard The Objections Of The People.

બેઠક:અંજાર પાલિકામાં કારોબારીના પ્રથમ દિવસે જ સભ્યોમાં વિવાદ, ચેરમેન અને એકમાત્ર હાજર સભ્યએ લોકોના વાંધા સાંભળ્યા

અંજાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલા દિવસે 70 વાંધેદારોએ વિરોધ રજુ કર્યો, પાલિકા સતત ગાજતી રહી, નગરસેવકોમાં પણ નારાજગી દેખાઈ

અંજાર નગરપાલિકા દ્વારા જાહેર સેવાઓના દરોમાં વધારા મુદ્દે વાંધેદારોને સાંભળવાનો પહેલો દિવસ જ વિવાદિત રહ્યો હતો. આવનાર અરજદારને સાંભળવાની જગ્યાએ કારોબારીના સભ્યોએ અંદરો-અંદર વિવાદ ઉભો કરતા એકમાત્ર નગરસેવકના સથવારે પાલિકાના કારોબારી સમિતિના ચેરમેને 70 જેટલા વાંધેદારોનો વિરોધ સાંભળ્યો હતો અને લોકોને જવાબો પણ આપ્યા હતા.

અંજાર નગરપાલિકા દ્વારા જાહેર સેવાઓના દરોમાં 100 ટકા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવતા પાલિકાએ લોકો પાસેથી વાંધાઓ મંગાવવાનું શરુ કર્યું હતું. વાંધેદારોને એક-એક બોલાવી, ડરાવી-ધમકાવી ગમે તે રીતે ફોડી લેશું તેવી યોજનાઓ બનાવી આખરે 1120 જેટલા વાંધેદારોને 3 દિવસની મુદ્દતમાં અલગ સમયે બોલાવવામાં પણ આવ્યા હતા. જેમાં પ્રથમ દિવસે એટલે કે મંગળવારે સત્તાપક્ષનો દાવ ઊંધો પડ્યો હોય તેમ કારોબારીની શરૂઆતમાં જ અંદરો-અંદર પ્રસરેલી નારાજગી બહાર આવી ગઈ હતી અને જાહેર સેવાઓના દરોમાં વધારા ઉપરાંત અન્ય બાબતે ડખો ઉત્પન્ન થયો હતો અને લોકોને સાંભળવાની જગ્યાએ પાલિકાના અમુક નગરસેવકો અને કારોબારીના સભ્યો ચેરમેનની ચેમ્બર માંથી બહાર નીકળી ગયા હતા. જેથી એકમાત્ર નગરસેવકની સાથે રહી કારોબારી ચેરમેનને એકલા હાથે લોકોના વાંધાઓ સાંભળવા પડ્યા હતા.

બીજી તરફ નારાજ થયેલા નગરસેવકોને પાલિકાના સત્તાધીશો મનાવવા માટે સતત દોડતા પણ દેખાયા હતા. પહેલા દિવસની કારોબારીમાં કુલ 200 વાંધેદારોને બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 70 જેટલા લોકો હાજર રહ્યા હતા. જેમના વાંધાની નોંધ તેમજ પડતી મુશ્કેલીઓની નોંધ કરી તેમની સહીઓ પણ લેવામાં આવી હતી. પરંતુ જાહેર સેવાઓના દરોમાં વધારો થશે કે નહિ? વાંધા મંગાવ્યા બાદ પાલિકા શું કરશે? તેવો એક પણ જવાબ આપવામાં ન આવતા લોકો મૂંઝવણમાં પણ મુકાયા હતા.

ક્યારેય ન દેખાતા નગરસેવકના દર્શન કારોબારીમાં થયા-વાંધો લેનારા અરજદારો
આ અંગે વોર્ડ નં. 4માં રહેતા શિવજીભાઈ કરશનભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા એક-એક વાંધેદારને બોલાવવામાં આવે છે તે ખોટું છે, 25-50 વાંધેદારોને સાથે બોલાવવામાં આવે તો લોકોનો સમય બચે અને યોગ્ય રીતે રજૂઆત પણ થઇ શકે, કારોબારીની બેઠકમાં હું ગયો ત્યારે મારી પહેલા સમસ્યા જાણી, બાદ તેને લખી મારી સહી કરાવી પણ જાહેર સેવાઓમાં ભાવ વધારો થશે કે કેમ તે ન જણાવ્યું, મેં મજબુત રીતે વાંધો રજુ કર્યો છે અને હાલે જે વેરો લેવામાં આવે છે તેના દરોમાં પણ ઘટાડો કરવામાં આવે તેવી માંગ કરી હતી પરંતુ કોઈના પાસે કઈ જવાબ હતો જ નહી માત્ર હાસ્ય કરતા હતા. આ બેઠકમાં એક ફાયદો થયો મારા વોર્ડમાં ક્યારેય ન દેખાતા નગરસેવક આ બેઠકમાં હાજર હોવાથી તેમના દર્શન થઇ શક્યા હતા.

કારોબારીનો બીજો દિવસ તોફાની બનવાની દહેશત
કારોબારીના પ્રથમ દિવસે નાટકીય પરિવર્તનો જોવા મળ્યા હતા. જેમાંથી મોટા ભાગના મજબુત વાંધેદારો તો આવ્યા જ નથી. જયારે બીજા દિવસે એટલે કે બુધવારના મજબુત રીતે વાંધો રજુ કરી શકે તેવા લોકોને પાલિકા કચેરીએ બોલાવવામાં આવ્યા છે. જેથી પહેલા દિવસે સત્તાપક્ષમાં અંદરો-અંદર ડખો સર્જાયા બાદ હવે મજબુત લોકો બીજા દિવસે કારોબારીને તોફાની બનાવે તેવી પણ દહેશત વર્તાઈ રહી છે.

વિપક્ષના નેતા સાથે તેમની પાર્ટીના કાર્યકરો પણ ન જોડાયા
પાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ દ્વારા જાહેર સેવાઓના દરોમાં 100 ટકાનો વધારા મુદ્દે સારો એવો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ તેના વિરોધમાં આયોજનની ખામી પણ દેખાઈ હતી. જેના કારણે લોકોમાં જાગૃતિ ફેલાઈ શકી ન હતી. તો બીજી તરફ સતત એકલા દોડી રહેલા વિપક્ષના નેતા સાથે તેમની પાર્ટીના કાર્યકરો તો દેખાયા જ નહતા. જોવાની વાત તો એ છે કે શહેર કોંગ્રેસના પ્રમુખ, જીલ્લામાં હોદ્દો ધરાવતા મુખ્ય કાર્યકરોએ પણ અંજારમાં રહેતા હોવા છતાં પાલિકામાં વાંધો નોંધાવ્યો નથી, ત્યારે જો વિપક્ષ આટલું નબળું હોય તો લોકોનો અવાજ કોણ ઉઠાવશે તે પણ પ્રશ્નાર્થ છે.

અવ્યવસ્થાના કારણે અનેક વાંધેદારો પાછા ફર્યા
નગર પાલિકા દ્વારા કારોબારીના પ્રથમ દિવસે 200 જેટલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ આવેલા વાંધેદારોને ચોક્કસ સમય આપવામાં ન આવ્યો હોવાના કારણે બપોરના સમયે ભીડ ભેગી થઇ ગઈ હતી. જેના કારણે આવેલા વાંધેદારો પૈકીના કેટલાક લોકો લાઈનમાં ઉભવાની જગ્યાએ પરત ફરી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...