ફરિયાદ:અંજારની કોર્ટમાં મહિલાના જામીન માટે ખોટા દસ્તાવેજો રજૂ કરાતા ફરિયાદ

અંજાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિનો ખોટો આધારકાર્ડ બનાવી કોર્ટ સમક્ષ રજૂ કરાયો

અંજારની કોર્ટમાં મહિલાના જામીન મેળવવા 21 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિનો ખોટો આધારકાર્ડ બનાવી, ખોટું સોગંદનામું કરી દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આરોપી મનુભાઈ તરશીભાઈ વારૈયા, રામુભાઈ બચુભાઈ વારૈયા, પારૂબેન મનુભાઈ વારૈયા, રમીલાબેન દશરથભાઈ વારૈયાએ અંજાર કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી, જેથી કોર્ટે 10 હજારના સધ્ધર જામીન રજૂ કરવાની શરતે આરોપીઓને જામીન મુકત કરવા આદેશ કર્યો હતો. આ આરોપીઓ પૈકીના આરોપી પારૂબેન મનુભાઈ વારૈયાના જામીન તરીકે અંજારના ચિત્રકુટમાં રહેતા જાડેજા ચાંદાજી વેસલજીને રજુ કરવામાં આવ્યા હતા.

જાડેજા ચાંદાજીએ કોર્ટને કહ્યું કે, આરોપીના પતિ મારા મિત્ર થાય છે, જેથી આરોપીના જામીન માટે તેઓ વચ્ચે પડયા છે. આ વેળાએ સોગંદનામાના પારા એફમાં અગાઉ કોઈ ઈસમના જામીનમાં વચ્ચે પડયા છો કે કેમ ? તેની વિગતમાં ચાંદાજીએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમજ જામીનદારની વર્તણુંક શંકાસ્પદ લાગતા કોર્ટ દ્વારા પોલીસ મારફતે તપાસ કરાવામાં આવી હતી.

જે તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી પડ્યો હતો અને આરોપણ પારૂબેનને કોઈ પણ જાતની ઓળખાણ વગર જામીન મુકત કરવા માટે કોર્ટમાં પોતે જાડેજા ચાંદાજી વેસલજી ન હોવા છતાં તેવું જાહેર કરી ખોટું આધારકાર્ડ બનાવી તેમની મિલકતને લગતા દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરી કોર્ટ કાર્યવાહી દરમ્યાન ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનું સામે આવતા, કોર્ટ દ્વારા આરોપી તખુભા ચાંદાજી જાડેજા સામે ફરિયાદ નોંધાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેથી પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટ અંજારના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જે.જે. પરમારે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં આરોપીનું સાચું નામ ખુલ્યું
જામીન તરીકે હાજર થયેલા શખ્સ પર શંકા જતા અંજાર કોર્ટના એડિશ્નલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા જાપ્તાના પોલીસ કર્મચારી ભાવેશકુમાર મોતાને તપાસ સોંપી હતી. જે તપાસમાં સામે આવ્યું હતું કે, ચાંદાજીએ જે આધારકાર્ડ રજૂ કર્યું તે અસ્તિત્વમાં નથી. આધારકાર્ડમાં જે સરનામું દર્શાવાયું છે તે તપાસ કરતા મુળ ચાંદાજી વેસલજી જાડેજા 9-11-2000ના મૃત્યુ પામ્યા છે. ઉપરાંત તપાસ દરમ્યાન આરોપીનું સાચું નામ તખુભા ચાંદાજી જાડેજા હોવાનું અને તે મુંદરાના બેરાજાના હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...