તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકા પ્રમુખે આક્ષેપો નકાર્યા:દબાણ હોવાની ફરિયાદ કરી તો પ્રમુખે કહ્યું ‘સમગ્ર શહેરમાં દબાણ છે, અમે શું કરીએ, એ તમારો પ્રશ્ન છે’

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાં પાલિકા પ્રમુખ પાસે રજુઆત કરવા ગયેલા લોકો જવાબ સાંભળી સ્તબ્ધ
  • સ્થાનિકોએ ન છૂટકે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું, પાલિકા પ્રમુખે આક્ષેપો નકાર્યા

રાજકીય આગેવાનો અને માથાભારે ભુમાફિયાઓ દ્વારા અંજાર શહેરમાં મોટા પ્રમાણમાં દબાણ કર્યું છે, તેવા અનેક વખત આક્ષેપો થયા છે પરંતુ પદાધિકારીઓ તે સ્વીકારવા તૈયાર ન હતા પરંતુ પાલિકા પ્રમુખના વોર્ડમાં જ દબાણ થતું હોવાની ફરિયાદ જ્યારે સ્થાનિકોએ કરી ત્યારે પાલિકા પ્રમુખે જે જવાબ આપ્યો તે સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા હતા અને સમગ્ર શહેરમાં દબાણ છે તેવું સ્વીકારી દબાણનો પ્રશ્ન લોકોનો છે અમે શુ કરીએ તેવું પ્રમુખે કહી દેતા સ્થાનિકોએ ન છૂટકે પ્રાંત અધિકારીને આ બાબતે આવેદનપત્ર આપવું પડ્યું હતું.

આ બાબતે મળતી માહિતી મુજબ શહેરના વોર્ડ નં. 4માં આવતા સ્વામી વિવેકાનંદ નગરમાં અંદાજે 153 રહેણાંક મકાનો છે. આ સોસાયટીના ટાઉન પ્લાનિંગ મુજબ રહેવાસીઓની સુવિધા અને નાનકડા પ્રસંગો કે તહેવારો ઉજવવા માટે 100 વારના બે પ્લોટ સાર્વજનિક પ્લોટ તરીકે પશ્ચિચમ દિશામાં આવેલા છે. જે સાર્વજનિક પ્લોટમાં પ્લોટ નં. 101 વાળા દબાણ કરીને ચણતર કરી રહ્યા છે. તેવી રજુઆત સાથે સ્વામી વિવેકાનંદ નગરના રહેવાસીઓ દ્વારા અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતબેન પ્રજાપતિ પાસે ગયા હતા.

જે પ્લોટનું સર્વે કરવા આવેલા મહિલા પ્રમુખે આવતાની સ્થાનિકે આવતાની સાથે જ “સમગ્ર શહેરમાં દબાણ છે, આમાં અમે શુ કરીએ, આ તમારો પ્રશ્ન છે તમે જાણો” તેવું જણાવી દેતા સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા અને દબાણ થતું રોકવા માટે અંજાર પ્રાંત અધિકારીને તાત્કાલિક આવેદનપત્ર આપ્યું હતું. આ બાબતે અંજાર નગરપાલિકામાં પ્રમુખ લીલાવંતીબેન સાથે સંપર્ક સાધતા તેમણે આક્ષેપોને નકારતાની સાથે જણાવ્યું હતું કે, સ્થાનિકોની રજૂઆતના પગલે બાંધકામ થઈ રહેલા સ્થળ પર સવારે જ સર્વે કરવામાં આવ્યું હતું. પરંતુ તે સ્થળે પ્લોટ નં. 101 વાળા પોતાની હદમાં જ બાંધકામ કરી રહ્યા હતા. જેથી દબાણ થતો હોવાની વાત ખોટી હતી. બાકી સ્થાનિકોએ જે આક્ષેપો કર્યા છે તે તદ્દન પાયા વિહોણા છે.

રાતોરાત પાલિકા પ્રમુખના વચનો બદલી જતા સ્થાનિકો મુંઝવણમાં મુકાયા
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સાર્વજનિક પ્લોટ પર દબાણ થતું હોવાથી બુધવારે રાત્રે સોસાયટીના રહીશો વોર્ડ નં. 4માં જ રહેતા પાલિકાના પ્રમુખ પાસે રજુઆત કરવા ગયા હતા. જ્યાં રજુઆત સાંભળી સાર્વજનિક પ્લોટમાં એક પથ્થર પણ નહીં રાખવા દઉં તેવી વાત કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે સવારે જ્યારે પ્રમુખ સર્વે કરવા આવ્યા ત્યારે તેમના રાત્રે આપેલા વચનો ફરી ગયા હતા અને હવે આમાં અમે શુ કરીએ તેવું કહી હાથ ઊંચા કરી લીધા હતા. જેથી સ્થાનિકો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...