બે દાયકા છતાં કામ ‘જૈસે થે’!:અંજારના વીર બાળભૂમિ સ્મારકના ડિઝાઇનમાં ફેરફાર કરાતાં બજેટ વધી ગયું, ફરી 6 માસથી કામ ખોરંભે

અંજાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ તે કેવું ગણતંત્ર 4 મુખ્યમંત્રીઓ બદલાયા છતાં ભૂકંપના બે દાયકા પછીયે કામ પૂરું ન થયું
  • વિશ્વમાં ક્યાંય ન બન્યો હોય તેવા કરૂણ બનાવમાં અક્ષમ્ય વિલંબ
  • 21 વર્ષ થયા છતાં રાજકીય આગેવાનો, અધિકારીઓ ઉણા ઉતર્યા
  • સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ બાદ હવે આર્કિટેકના કારણે કામ લટકી પડ્યું

અંજારમાં પ્રજાસત્તાક દિનની રેલીમાં જોડાયેલા 122 વિદ્યાર્થીઓ સહિતના 207 મૃતકોની કરૂણ સ્મૃતિમાં બની રહેલા વીર બાળભૂમિ સ્મારકનું કામ હવે નવી ડિઝાઇન અને આર્કિટેકના કારણે બંધ હોવાનું એક નવું જ કારણ સામે આવતા સહિત બાળકોના વાલીઓ, શહેરીજનોએ વધુ એક આંચકો અનુભવ્યો છે.

26મી જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમા 182 છાત્રો, 22 શિક્ષકો, 2 પોલીસ કર્મી તેમજ 1 ક્લાર્ક સહીત 207 વ્યક્તીઓ અંજારના ખત્રીચોકમાં ઇમારતોના કાટમાળમાં દબાઈ જતા શહીદ થયા હતા. જેથી તેમની કાયમી યાદમા વીરબાળભૂમિ સ્મારક બનાવવાની જાહેરાત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંજાર ખાતે આહીર બોર્ડિંગ મધ્યે 2002માં સભાને સંબોધન વખતે કરી હતી. જે માટે અઢી કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી હતી. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે આરૂઢ થતા તેમણે વધુ 4.50 કરોડની રકમ ફાળવી. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રતનાલ ખાતે 2019માં આવી પ્રોજેકટને વધુ મજબૂત બનાવવા વધારાના ખર્ચ માટે બીજા બે કરોડ મંજુર કરવાની જાહેરાત કરી હતી.

પરંતુ આ જાહેરાતો માત્ર હવામાં ગોળીબાર કરાયો હોય તેમ માત્ર સભાને સંબોધન પૂરતી જ રહી હતી કારણ કે અનેક વાયદાઓ અપાયા હોવા છતાં આજની તારીખે વિરબાળભૂમી સ્મારકનું કામ 21 વર્ષે પણ પૂરું નથી થયું. નરેન્દ્ર મોદી બાદ આનંદીબેન પટેલ, વિજય રુપાણી અને હવે ભુપેન્દ્ર પટેલ એમ ગુજરાતના કુલ 4 મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા છતાં કોઈને કોઈ બાબતે કામ અટકાવી દેવામાં આવતું હોવાથી અંજારના વાલીઓ અને નગરજનોમાં રોષ છે.

સમગ્ર વિશ્વમાં ક્યાય ન બન્યો હોય તેવો બનાવ અંજારમાં બન્યો, નાના-નાના ભૂલકાઓ કાળમુખા ભૂકંપનો ભોગ બન્યા. અમેરીકાના જે તે સમયના રાષ્ટ્રપતિ સહિતના લોકોએ અંજારની મુલાકત લઈ શહીદોને શ્રધાંજલિ પાઠવી ચુક્યા છે. પરંતુ ગુજરાતની અસંવેદનશીલ સરકાર દ્વારા બાળકોની યાદમાં એક સ્મારક હજુ સુધી બની શક્યું નથી.

આ અંગે અંજારના આર એન્ડ બી વિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારે વિડી રોડ પર 12,000 ચો.મીની જગ્યા ફાળવી તેના પર વિરબાળભૂમિ સ્મારક બનાવવા અંગેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્મારકના સિવિલ વર્ક માટે રૂ. 9.46 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી. જે મુજબ મોટા ભાગનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે.

ત્યારબાદ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગાંધીનગર દ્વારા ઇન્ટરીયર વર્ક માટે વધારાના રૂ. 4.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. એટલે કે આ સ્મારકના પ્રોજેકટ માટે અત્યાર સુધી કુલ રૂ. 13.96 કરોડ ફાળવી દેવામાં આવ્યા છે. લગભગ 6 મહિના પહેલા સિવિલ વર્ક પૂર્ણ થયા બાદ જી.એસ.ડી.એમ.એ દ્વારા આર્કિટેક બદલી નાખવામાં આવ્યો છે.

જેથી નવા આવેલા આર્કિટેક દ્વારા ડીઝાઇનમાં ફેરફાર કરવામાં આવતા ફાળવવામાં આવેલા બજેટ કરતા વધુ રકમ થઇ જતા કામ થોભાવી દેવામાં આવ્યું છે. જેથી છેલ્લા 6 મહિનાથી સાઈટ પર કોઇપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી. જેથી હવે ગ્રાન્ટ મંજુર કરવામાં આવતા ફરી કામગીરી શરુ કરવામાં આવશે પરંતુ આ કાર્ય શરુ કરવા માટે હજુ કેટલો સમય લાગશે તેનો કોઈ અંદાજ ન હોવાનું પણ જાણવા મળ્યું છે.

પૂર્વ રાજ્યમંત્રી અને કલેકટર દ્વારા બેઠકો યોજાઈ, મુલાકાત લેવાઈ છતાં કઈ ફરક ન પડ્યો
અંજારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દ્વારા વર્ષ 2021ના પ્રથમ દિવસે જ એવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો કે આ વર્ષના 10માં મહિના સુધીમાં સ્મારકનું કામ પૂર્ણ થઇ જશે. જે માટે અનેક મીટિંગો પણ યોજવામાં આવી, ઉપરાંત 2થી વધુ વખત ખુદ કલેકટર પણ કામનો રીવ્યુ કરી ગયા છે. છતાં આ કામ આગળ વધી શક્યું નથી. ત્યારે હવે આ કામ પૂરું થશે કે નહીં અથવા ક્યારે પુરું થશે તેવા પણ પ્રશ્ન ઉભા થયા છે.

સિવિલ વર્ક પૂરું થયું, ઇન્ટરીયર વર્કમાં ગાડું અટક્યું
અંજારના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ સમા આ સ્મારકમાં ઓડિટોરિયમ, મોન્યુમેન્ટસ સ્ટ્રક્ચર, મ્યુઝિયમ, લેન્ડ સ્કેપિંગ એન્ડ ગાર્ડનિંગ, કેન્ટીન વ્યવસ્થા, આંતરિક રસ્તાઓ, કમ્પાઉન્ડ વોલ તેમજ પાર્કિંગ વ્યવસ્થાની સુવિધા ઉભી કરવામાં આવશે. હાલે આંતરિક રસ્તાઓ તેમજ અન્ય નાના કામોને બાદ કરતાં પ્રોજેક્ટનું મોટાભાગનું સિવિલ વર્ક એટલે કે બાંધકામ થઈ ચૂક્યું છે. માત્ર ઇન્ટરીયર વર્ક બાકી રહ્યું છે. પરંતુ નવા આવેલા આર્કિટેક દ્વારા કામ અટકાવી નાખવામાં આવતા 21 વર્ષ બાદ પણ સ્મારકનું કામ પૂરું થઇ શક્યું નથી.

ફાઇલ ક્લિયર થાય તો 3 મહિનામાં કામ પૂર્ણ થઇ જાય
​​​​​​​માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે પહેલાં સ્ટ્રક્ચર ડ્રોઈંગ અને હવે આર્કિટેકના કારણે કામ થોભાવી નાખવામાં આવ્યું છે. અગર આ તમામ બાધાઓ દુર કરી નાખવામાં આવે અને ફાઇલ ક્લિયર થઇ જાય તો 3 મહિનામાં વીરબાળભૂમિ સ્મારકનું કામ પૂરું થઇ જાય પરંતુ ત્યાં કામ કરનાર ઠેકેદાર એજન્સીનો સમય પૂરો થઇ ગયો હોવા છતાં ફાઇલ ક્લિયર થઇ શકી નથી. જેથી હવે આ કામ ક્યારે પૂરું થશે તેના વિશે કઈ કહી શકાય તેમ નથી.

હવે અંજારના નાગરિકો સક્રિય પ્રયત્ન કરે તો જ સ્મારક બને
અંજારના રાજકીય પ્રતિનિધિ સ્મારક બનાવવામાં ઢીલા પડ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હદ તો એ વાતની છે કે હજુ સુધી શહીદ બાળકોના નામે કોઇપણ એક માર્ગનું નામકરણ પણ નથી કરાયું. જેથી હવે જો સ્મારકનું કામ પૂરું જ કરાવવું હોય તો નાગરિકોએ જાતે સક્રિય પ્રયત્ન કરવા પડશે. ધરણા, રજૂઆત અને ઉગ્રઆંદોલન બાદ જ આ કામ પૂરું થઇ શકે તેમ હોવાનું અંજારના જાણકારોએ ઈશારો કર્યો છે.​​​​​​​

નિર્માણ પૂર્ણ થાય તેવા આખરી પ્રયાસ રૂપે નાગરિકોએ ઈશ્વરને પત્ર લખ્યો
હવે આખરી પ્રયાસના ભાગ રૂપે જાગૃત નાગરિકો દ્વારા ઈશ્વરને પત્ર લખવામાં આવ્યો હતો. ખત્રીચોકમાં ભૂલકાઓના મૃત્યુ થયા હતા તે સ્થળે વાલીમંડળ અને પાલિકા દ્વારા પણ અલગ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધરતીકંપ કાટમાળમાં દબાઇને ઘાયલ થયેલા નિવૃત શિક્ષક વિષ્ણુભાઈ પટેલ સહિત કેટલાક જાગૃત નાગરિકોએ ભૂકંપની 21મી વરસીએ આ સ્થળે સફેદ રંગથી મૃતક બાળકોના વાલીઓની વ્યથા ભગવાન સાંભળી લે તેવા હેતુથી ઈશ્વરને ખુલ્લો પત્ર લખ્યો છે, જેમાં શહીદોની કરુણા લખવામાં આવી છે. એ પત્રના બેનરો છપાવી વાલીમંડળ-પાલિકાવાળા સ્મારકે અને નિર્માણ પામી રહેલી રહેલું વિરબાળભૂમિ મધ્યે પણ લગાવવામાં આવ્યું છે. વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે, ઇશ્વર અા સ્મારકે શ્રધ્ધાંજલિ આપવા આવે અને આ પત્ર વાંચે તે માટે 25 તરીખે જ આ પત્ર લખી નાખવામાં આવ્યો છે. હવે ઈશ્વર જ આ સ્મારકનું કામ પૂરું કરાવી શકે તેમ છે.

ઈશ્વરને લખેલા પત્રની કરૂણતા દર્શાવતા શબ્દો
હે પ્રભુ ! બસ હવે નથી સહેવાતું આ ખંડેરોની ખાઇમાં અંધકાર બની ભટકવાનું
21-21 વર્ષ સુધી શું આમ મારે મૂંઝાવું ?
માફ કરી દે ઇશ્વર મુજને, શહીદ હવે નથી થાવું.
ઝંડો રાખી લહેરાતો ગગનમાં, પાષાણ તળે કચડાયો.
જય હિન્દનો નારો હતો જીભે, એટલે શહિદ કહેવાયો.
શું મારું બલિદાન માત્ર એક દિવસ યાદ કરવા અને વાયદાઓ કરવા માટે જ છે?
મારા માવતરની સંવેદના ક્યાંક અફસોસ બનીને ન રહી જાય.
શહીદીના લેબલ સાથેનો મારો આત્મા પણ હવે તો મને ડંખી રહ્યો છે.
માફ કરી દે મને, કાં સાફ કહી દે મને “આ વીર બાળ ભૂમિ સ્મારક હવે ક્યારે પૂર્ણ બનવાનું?’

અન્ય સમાચારો પણ છે...