સમાન્ય સભા:અંજાર પાલિકાનો સેવાઓ પર કરબોજ વધારવાનો નિર્ણય હજુયે યથાવત, વિપક્ષ પણ ધરણા પર અડગ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષે શાસકોની ઝાટકણી કાઢી, સત્તા પક્ષના નગરસેવકોએ વેરો વધારવાના નિર્ણયનો ખુલો વિરોધ કર્યો : આગામી દિવસોમાં ફેર વિચારણા થાય તેવી સંભાવના

અંજારવાસીઓએ સત્તાપક્ષને 36 માંથી 35 સીટ આપી છે. પરંતુ આ બાબતનો જાણે ગેરલાભ લેવામાં આવી રહ્યો હોય તેમ શનિવારે આયોજિત સમાન્ય સભામાં જાહેર સેવાઓમાં 100 ટકાના ભાવ વધારા સાથેના એજન્ડા મુકવામાં આવ્યા હતા. જે નિર્ણય પર વિવાદ થવાનો ડર સત્તાપક્ષને સતાવતા કોઈપણ પ્રકારનો અભિપ્રાય લીધા વગર જ સત્તાપક્ષે 1 મિનિટમાં સભા પૂર્ણ કરી હતી. વિપક્ષના સભ્યે નારાજગી દર્શાવી હતી અમે સભા રદ્દ કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા.

શનિવારે ધરણા પર બેઠેલા વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા સોમવારે પણ ધરણા પર બેઠેલા જોવા મળ્યા હતા. જે બાબત સત્તાપક્ષના જિલ્લાના પદાધિકારીઓ સુધી પહોંચતા આ બાબતે પાલિકાની ઝાટકણી કાઢવામાં આવી હતી. જે બાદ પાલિકામાં બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ બેઠકમાં સત્તાપક્ષ સાથે જોડાયેલા કાઉન્સિલરોએ પણ ખુલીને વિરોધ દર્શાવ્યો હતો અને સત્તાપક્ષના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના આ નિર્ણય કરવામાં આવ્યો હોવાથી ગાંધીનગર કક્ષાએ પણ લેખિત વાંધા સાથે ફરિયાદ કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચરાઈ હતી. તેવું ખુદ સત્તાપક્ષના જ અમુક કાઉન્સિલરોએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં આ નિર્ણય પાછો ખેંચાય તેવો અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે.

સંકલનની મિટિંગમાં થયો સંપૂર્ણ ખેલ, એક પૂર્વ કાઉન્સિલરે દાવ રમ્યાની ચર્ચા
અંજાર પાલિકાના શાસ્કપક્ષના નેતા સુરેશ ટાંકે નિર્ણય બાબતે સત્તાપક્ષના કાઉન્સિલરોને વિરોધ સમયે જણાવ્યું હતું કે, આ નિર્ણય સંકલનમાં લેવાયો છે. જેથી આમાં કઈ નહિ થઈ શકે, સામાન્ય સભા પહેલા સત્તાપક્ષના પાલિકાના અમુક સભ્યો, ધારાસભ્ય, શહેર ભાજપના અમુક સભ્યો વગેરે મળી નિર્ણય કરતા હોય છે. જે પાલિકાને એજન્ડામાં લેવાના હોય છે. ભાવ વધારા મુદ્દે આ સંકલનના સભ્ય એવા અંજારના પૂર્વ કાઉન્સિલર દ્વારા જ દાવ રમાયો હતો અને કંઈક સાબિત કરવા માટે આ નિર્ણય લેવા માટે સંપૂર્ણ ખેલ રમાયો હોવાની વાત પણ કાઉન્સિલરો કરી રહ્યા છે. ત્યારે જો ખરેખર આવું હોય તો આગામી 2 મહિનામાં પાલિકામાં મોટા પાયે ફેરફાર થાય તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે.

હ્યુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાએ આવેદન આપીને કોર્ટમાં જવા ચીમકી આપી
સત્તાપક્ષ દ્વારા બહુમતીના જોરે લોકશાહીની હત્યા કરી જોહુકમી ભર્યો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી વિરોધ પક્ષના સમર્થનમાં સોમવારે હ્યુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અંજારના પ્રમુખ વિનોદકુમાર મકવાણાએ પણ અંજાર નગરપાલિકામાં આવેદન આપ્યું હતું અને સભા જ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જો આવું નહિ થાય તો કોર્ટમાં જનયાચીકા દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...