અંજારનું ભવિષ્ય હવે વાંધેદારોના હાથમાં:અંજાર પાલિકા આજથી 1120 વાંધેદારોને સાંભળશે !

અંજાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇપણ ભોગે જાહેર સેવાઓના દરમાં વધારો કરવા વલખા મારશે, અંજારનું ભવિષ્ય હવે વાંધેદારોના હાથમાં

અંજાર નગરપાલિકા દ્વારા ગત સામાન્ય સભામાં જાહેર સેવાઓના દરમાં 100 ટકાનો વધારો કરવાનો વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના કારણે પાલિકાના સત્તાધીશોની ખુબ આલોચનાઓ થઇ હતી. વિપક્ષે ઘણા દિવસ સુધી ધરણા પણ કાર્ય હતા અને લોકો વધુને વધુ વાંધા રજુ કરે તે માટે મરણીયા પ્રયાસ પણ કાર્ય હતા.

પરંતુ લોકો જાણે માત્ર પક્ષને જોઈને જ નિર્ણય કરતા હોય તેમ 32000 મિલ્કતો સામે માત્ર 1120 જેટલી જ વાંધા અરજીઓ આવી હતી. જેથી હવે વાંધેદારોને ગમે તે રીતે પહોચી વળતા અંજાર પાલિકા કચેરીએ 3 દિવસની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કારોબારીના ચેરમેન સહિતના સભ્યો ઉપરાંત પાલિકાના અન્ય હોદેદારો દ્વારા ગમે તે રીતે જાહેર સેવાઓના દરોમાં વધારો થાય તે માટે વાલખા મારતા જોવા મળશે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર પાલિકા કચેરી ખાતે મંગળ, બુધ અને ગુરુ એમ હાલે 3 દિવસ માટે કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંજાર નગરપાલિકા દ્વારા જાહેર સેવાઓના ભાવ વધારા મુદ્દે જે જે લોકોએ વાંધા અરજી આપી છે.

તે પૈકીના પહેલા દિવસે 200 લોકોને લેખિત જાણ કરી પાલિકા કચેરીએ બોલાવવામાં આવ્યા છે. જે આવેલા વાંધેદારો સાથે ચર્ચા કરી બીજા દિવસે 200 એમ અલગ અલગ દિવસે 200-200 લોકોને બોલાવી ચર્ચાઓ કરવામાં આવશે અને વાંધાઓ પરત ખેચવા દબાણ કરવામાં આવશે. આ બેઠક દરમ્યાન મજબુત વાંધેદાર જ પાલિકાના સત્તાધીશો સામે ટકી શકશે તેવું પણ જાણકારો જણાવી રહ્યા હતા.

પાલિકાનું કહેણ આવતા 1120 પૈકીના અમુક લોકોએ પીછેહઠ કરી
પાલિકાએ વાંધેદારો સાથે ચર્ચા કરવા લેખિતમાં જાણ કરવાની શરૂઆત કરી હતી. જેથી લેખિત પત્ર મળતા જ અમુક લોકોએ “વાંધા અરજી અમે નથી કરી” તેવું કહી બેઠકમાં આવવાની ના પડી દીધી હતી, તો અમુક લોકોએ પોતાની અરજીમાં પોતાનું સરનામું ખોટું લખ્યું હોવાથી તેમના સુધી પાલિકાની લેખિત જાણ પહોચી શકી ન હતી. જેથી હવે જોવાનું એ રહ્યું કે 1120 વાંધેદારો પૈકી કેટલા આવે છે અને કેટલા અરજી કર્યા બાદ પણ નથી આવતા.

જાહેરમાં સભા યોજવી જોઈએ, રૂમમાં પૂરી ડરાવવાની નીતિ ન થવી જોઈએ
આ અંગે ખુદ સત્તાપક્ષના જ એક નગરસેવકે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, પાલિકાના સત્તાધીશો લોકોને ડરાવી, ધમકાવી અને ગમે તે ભોગે જાહેર સેવાઓના દરમાં વધારો કરવા માંગે છે, જેના કારણે જ પાલિકા કચેરીમાં કારોબારી ચેરમેનની ચેમ્બરમાં વન ટુ વન મીટીંગનું આયોજન કરાયું છે, જો પાલિકા સાચી હોય અને લોકોનું હિત ઈચ્છતી હોય તો જાહેરમાં સભાનું આયોજન કરવું જોઈએ, પરંતુ તેઓ ડરે છે. આવી રીતે લોકો પર દબાવ દઈ ખુદ સત્તાધીશો પોતાના પગ પર જ કુહાડા મારી રહ્યા છે. જેની અસર આવનારી ચુંટણીઓમાં અવશ્ય દેખાશે.

વાંધો નોંધાવનારાઓ ડરે નહી અમે તેના સાથે છીએ- વિપક્ષ
આ અંગે પાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકોને ડરવાની જરૂર નથી હું તેમના સાથે છું અને કારોબારીની મીટીંગ દરમ્યાન પણ હું હાજર જ રહીશ, જેથી સત્તાધીશો વાંધેદારોને ડરાવી ન શકે, અગર પાલિકાએ આપેલા સમય દરમ્યાન કોઈ અરજદાર હાજર રહી શકે તેમ ન હોય તો મને જાણ કરે હું તેમને અલગ સમય પણ લઈ આપીશ. બસ 1120 વાંધેદારો હાજર રહે અને વાંધો નોંધાવે તો જ અંજારમાં જાહેર સેવાઓના દરોમાં વધારો થતો રોકી શકાશે.

અન્ય સમાચારો પણ છે...