અંજાર પાલિકામાં ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી. જેમાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.1.03 કરોડની રકમ માટેનો હુકમ મળ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ નાણા માંથી ક્યારે અને કયા વિકાસકામો થશે તે હવે પ્રમુખ નક્કી કરશે. તો બીજી તરફ કોઇપણ જાતની ચર્ચા વગર માત્ર 10 મિનીટમાં સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. જે બાદ વિપક્ષે તમામ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.
અંજાર નગરપાલિકાના સભાખંડમાં સોમવારે સાંજે પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંજાર નગરપાલિકાને ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડ દ્વારા નાણા પંચના હપ્તા પેટે (અનટાઇડ) રૂ. 75,01,304 તેમજ વ્યવસાય વેરાની ફાળવણી થયેલ ગ્રાન્ટ પેટે રૂ. 28,04,140 મળી કુલ રૂ. 1,03,05,444ની રકમ માટેનો હુકમ મળ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ આ રકમમાં ક્યારે અને કયા વિકાસ કામો કરવામાં આવશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું ન હતું. જેથી હવે જયારે પ્રમુખ નક્કી કરશે તે બાદ જ આ નાણાનું શું કરવું તે બાબતે વિચારવામાં આવશે. આ ઉપરાંત પાલિકા પાસે બીજા કોઈ વિકાસકામો ન હોવાથી સભાને માત્ર 10 મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી. જે દરમિયાન પણ કોઈ વિકાસકામોની ચર્ચા કરવામાં આવી ન હતી. જેથી વિરોધ પક્ષ દ્વારા તમામ મુદ્દા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.