ભ્રષ્ટાચારની પોલ ખોલી:અંજાર પાલિકાએ 24 લાખનું જેટિંગ મશીન 48 લાખમાં ખરીદ્યાનાે આક્ષેપ

અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષે પાલિકાના મહા ભ્રષ્ટાચારની પોલ ખોલી
  • ખામી યુક્ત મશીન પરત ન કરાયું, ચીફ ઓફિસરે તમામ આક્ષેપો નકાર્યા

અંજાર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા મહા ભ્રષ્ટાચારની પોલ વિપક્ષ દ્વારા ખોલવામાં આવી છે. જેમાં ખામી યુક્ત મશીનના 24 લાખની જગ્યાએ 48 લાખ ચૂકવયા હોવાના આક્ષેપો કરાયા છે. આ અંગે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા વી.કે. હૂંબલે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, અંજાર નગરપાલિકા દ્વારા હાલમાં જ જે જેટીંગ મશીન રૂ. 48 લાખના ખર્ચે મારુતિ સેલ્સ કોર્પોરેશન અમદાવાદ પાસેથી ખરીદ્યો છે, તે જેટીંગ મશીન અન્ય કંપનીઓ પાસેથી રૂ. 24 લાખમાં મળે છે. માત્ર એક મશીનમાં જ 24 લાખ જેટલો ભ્રષ્ટાચાર થયો છે.

આ નવું જેટીંગ મશીન કંડમ હોવાને કારણે તેના લોકાર્પણ કાર્યક્રમમાં જ મશીન યોગ્ય રીતે કામ આપતું ન હતું અને જેની લેખિતમાં જાણ ચીફ ઓફિસરને કરવા છતાં ચીફ ઓફિસર દ્વારા જેટીંગ મશીનનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. 30મીએ આયોજિત સામાન્ય સભાએ ચીફ ઓફિસરને જવાબદાર ઠેરવી, નવું મશીન પરત કરવાનું તેમજ ચીફ ઓફિસર પાસેથી નાણા વસુલ કરવાના તેવો ઠરાવ કર્યો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ખરેખર તો ચીફ ઓફિસર સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ અને નાણા વસુલ કરવા જોઈએ.

આ બાબતે અંજાર નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મારા આવ્યા પહેલા જ જેટિંગ મશીન માટે ઓનલાઇન ભાવ મંગાવી કારોબારી દ્વારા રકમ મંજુર કરાઇ હતી. સામાન્ય સભામાં સીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હોય તેવો એક પણ ઠરાવ કરાયો ન હોવાની વાત સાથે કરાયેલા તમામ આક્ષેપો ખોટા છે તેવું જણાવવામાં આવ્યું હતું.

બોરનું સંચાલન પાલિકા કરે તો 84 લાખ બચે
અંજાર નગરપાલિકાના પાણી માટેના 21 બોર આવેલા છે, જેનો કોન્ટ્રાકટ સ્કાડા ફર્મને વાર્ષિક રૂ. 1 કરોડ 31 લાખમાં આપેલ છે. પરંતુ આ કામ નગરપાલિકા જાતે સંભાળે તો માત્ર ખર્ચ રૂ. 48 લાખ થાય તેમ જ છે. આ કોન્ટ્રાક્ટ આપી અને વાર્ષિક 84 લાખનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.

મિનિટ્સની નકલ મેળવવા વિપક્ષને RTI કરવી પડે છે
અંજાર નગરપાલિકા દ્વારા મહિનાઓ સુધી નગરપાલિકાની સામાન્ય સભાની મિનિટ્સની નકલ પણ સભ્યોને આપવામાં આવતી નથી. મિનિટ્સબુક ખોલી રાખી અને મરજી પડે તેવા ઠરાવો ઉમેરી દેવામાં આવે છે. કારણ કે નિયમોનુસાર કોઈ પણ સામાન્ય સભા મળે જેને 10થી 15 દિવસમાં મિનિટ્સની કાર્યવાહીની નકલ મળી જવી જોઈએ પરંતુ અંજાર નગરપાલિકામાં મિનિટ્સની કાર્યવાહીની નકલ માંગવા માટે પણ આર.ટી.આઈ. હેઠળ વિપક્ષે માંગણી કરવી પડે જે પણ મોટી બાબત છે.

અન્ય સમાચારો પણ છે...