વિરોધ:અંજાર પાલિકાએ પોતાની મનમાની કરી, ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદારને જાણ કર્યા વગર જ વાર્ષિક ટેન્ડર ખોલી નખાતા વિરોધ

અંજાર નગરપાલિકાએ મનમાની કરી પોતાના અંગત લોકોને ટેન્ડર અપાવવા અરજદારને જાણ કર્યા વગર જ અન્ય લોકોને વાર્ષિક ટેન્ડર આપી દેવાતા વિરોધ કરાયો હતો. અંજારમાં શણગાર ડેકોરેશનના નામની પેઢી ધારક વિનોદ ડી. બાલાસરા અંજારમાં મંડપ તથા લાઈટ ડેકોરેશનના કામકાજ સાથે જોડાયેલ છે અને તેમણે અંજાર નગરપાલિકાના વાર્ષિક ટેન્ડરની જાહેર ખબરના અનુસંધાને મંડપ, ટેબલ, ખુરશી, લાઈટ ડેકોરેશન તથા સાઉન્ડ સિસ્ટમ વિગેરે ભાડે આપવામાં નિયમ અનુસાર ટેન્ડર ભર્યું હતું. જે બાદ જયારે ટેન્ડર ક્યારે ખુલશે તેની તાપસ કરવા જતા તેમને જાણવા મળ્યુ હતું કે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને ચોક્કસ વ્યક્તિને ટેન્ડરમાં દર્શાવેલ કાર્યની ફાળવણી થઈ ગઇ છે.

સરકારની ગાઈડ લાઈન મુજબ સરકારી ટેન્ડર ખોલવાની પ્રક્રિયા માટે અગાઉથી અરજદારને જાણ કરવાની તથા સ્થળ અને સમયની જાહેર નોટિસ આપવાની હોય છે અને હાજર રહેલ લોકોની સામે જ ટેન્ડર ખોલવાની પ્રક્રિયા હાથ ધરવાની હોય છે, પરંતુ આવી કોઈ જાહેર નોટિસ કે અરજદારને કોઈ પણ જાતની જાણ કર્યા વગર અંગત લોકોને ટેન્ડર ફાળવી દેવામાં આવ્યો હતો. જેથી આ બાબતનો વિરોધ નોંધાવી ફરી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...