તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:અંજાર-ગાંધીધામની સંયુક્ત સંકલનની બેઠકમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા યોજના ઘડાઈ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદો વ્યવસ્થા, ટ્રાફિક સહિતના મુદ્દાઓ આવરી લેવાયા

અંજાર પ્રાંત કચેરીએ અંજાર-ગાંધીધામ તાલુકા માટે કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક સલાહકાર સમિતિ, સંકલન સમીતી અને ફરિયાદ નિવારણ સમિતિ તેમજ એટીવીટીની મીટીંગ યોજવામા આવ્યું હતું. પ્રાંત અધિકારી ડો. વી.કે. જોશીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અંજાર અને ગાંધીધામ તાલુકાની હોસ્પિટલોમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવાના આયોજનના ભાગ રૂપે ઓક્સિજન પ્લાન્ટ માટે વીજ પુરવઠાની અલાયદી વ્યવસ્થા કરવા પીજીવીસીએલના અધિકારીને સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત બંને તાલુકાના જે ગામમાં રસીકરણનો કાર્યક્રમ હોય તેના આગળના દિવસે સંબંધિત ગામ લોકોને જાણ કરવા તાલુકા હેલ્થ ઓફીસરોને સુચના અપાઈ હતી. સરકારની પાવન ગામ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં જે ગામમાં ફોજદારી ગુના નોંધાયેલા ન હોય તેવાં ગામોની તેમજ તીર્થગામ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કોઈ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેવાં ગામોની માહિતી મોકલી આપવા તમામ થાનેદારોને જણાવવામાં આવ્યું હતું. અંજાર તાલુકાના નાગલપુર-સિનુગ્રા રોડ પર ખાડા હોવાથી કામગીરી કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપવામાં આવી હતી.

ગાંધીધામ તાલુકાના ચૂડવા ગામે મંજુર થયેલ ફીડર વાળી જમીન પરનું દબાણ દૂર કરવા તેમજ ગાંધીધામમાં જર્જરિત હાલતમાં આવેલ શિવ શક્તિ ઇમારતને દૂર કરવા નગરપાલિકાને સૂચના આપવામાં આવી હતી. બંને તાલુકામાં રસ્તા પર અવરોધ રૂપી વીજળીના થાંભલા દૂર કરવા તથા નવા થાંભલા નાખતી વખતે રસ્તા પહોળા થાય ત્યારબાદ નાખવા માટે પીજીવિસીએલને સૂચના આપવામાં આવી હતી.

ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા બંને તાલુકાના અસામાજિક તત્વોને હદપાર કરાશે
અંજાર-ગાંધીધામ તાલુકાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અસામાજીક તત્વોને હદપાર કરવા તમામ થાનેદારો પાસેથી દરખાસ્ત મંગાવવામાં આવી હતી. ઉપરાંત ગાંધીધામ તાલુકાના કિડાણા ગામની ઝાડી વિસ્તારમાં અવારનવાર બનતા ગુનાહિત બનાવોને1 અટકાવવા તેમજ અંજાર શહેરના ગાયત્રી ચોકડીથી મેઘપર-બો.ના રસ્તા પર મોટા વાહનો પસાર થતા હોવાથી બમ્પ બનાવવાની સૂચના આપવામાં આવી હતી.

વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તાકીદ
આ બેઠકમાં અંજાર તાલુકાના મેઘપર-બો. ગામે ભરાતા વરસાદી પાણીના નિકાલ કરવા તેમજ ગાંધીધામ તાલુકાના ગળપાદર હાઈવેની બાજુમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત અંજાર તાલુકાના ધમડકા ગામે નર્મદા કેનાલના કામમાં ઉભો થયેલો અવરોધ દૂર કરવા પાણી પુરવઠા વિભાગને તાકીદ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...