નિર્ણય શક્તિનો અભાવ:રાજકારણથી કંટાળી અંજાર પાલિકામાં કાયમી મુખ્ય અધિકારી આવવા તૈયાર નથી

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો કાયમી સી.ઓ.ને કામ કરવા દીધું હોત તો શહેરનો નકશો બદલી જાત

જયારે જયારે નબળી નેતાગીરીની વાત આવે ત્યારે ત્યારે અંજારનું નામ મોખરે હોય છે, તેમાય ખાસ નગરપાલિકાના સત્તાધીશો ત્રણ ભાગોમાં વિખેરાઈ ગયા હોવાથી તેની સીધી અસર વહીવટ પર પડી રહી છે. હાલે તો પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઇ છે કે કોઈ ચીફ ઓફિસર અંજારનો કાયમી ચાર્જ લેવા પણ રાજી નથી, પરિણામે ચાર્જ સિસ્ટમથી કચેરી ચાલી રહી છે.

અંજારવાસીઓના કિસ્મતે ક્લાસ એ ના અધિકારી તરીકે ઓળખાતા અંજારના કાયમી ચીફ ઓફિસર તરીકે જીગર પટેલને નિમણૂક અપાઇ હતી.પરંતુ હાલની પાલીકાની બોડી અને તેમાય ખાસ કારોબારી સમિતિમાં નિર્ણય શક્તિનો અભાવ હોવાથી કોઇપણ વિકાસકામોને બહાલી આપવામાં આવી ન હતી. પરિણામે નવા જોશ સાથે આવેલા ચીફ ઓફિસર નિષ્ક્રિય થઇ ગયા હતા.

ખુદ પાલિકાના નગર સેવકોના જ જણાવ્યા મુજબ જો સી.ઓ.ને તેમની રીતે કામ કરવા દીધા હોત તો અંજારનો નકશો બદલી ગયો હોત પરંતુ ન ચાલુ કે ન ચાલવા દઉંની નીતિ વાપરી કામના અધિકારીને કામ ન કરવા દેતા આખરે તેમની ભુજમાં બદલી થઇ ગઈ છે. પરિણામે જે લાભ અંજારને મળવાનો હતો તે લાભ હવે ભુજને મળી રહ્યો છે.

તો બીજી તરફ ચીફ ઓફિસરની બદલી થઇ જતા અંજારના રાજકારણથી કંટાળી કોઈ અન્ય અધિકારી કાયમી ચાર્જ લેવા રાજી ન હોવાથી જીગર પટેલને જ અંજારનો ચાર્જ અપાયો છે. જેથી અંજાર માટે નિષ્ક્રિય અધિકારી રહી ચુકેલા સી.ઓ. ચાર્જમાં રહી શું કામ કરતા હશે તે તો સ્પષ્ટ રીતે સમજી શકાય તેવું છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા અંજારના રાજકારણમાં ધડાકો થવાના એંધાણ
અંજાર નગરપાલિકાની નબળી બોડીના કારણે સત્તાપક્ષની છાપ બગડી રહી છે ત્યારે ઉચ્ચ કક્ષાએ ધરખમ ફેર બદલી થયા બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષની છબી ખરડતા આગેવાનોને ઘર ભેગા કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે અંજાર નગરપાલિકામાં પણ વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ મોટો નિર્ણય લઇ અમુક લોકોને ઘર ભેગા કરવામાં આવશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...