કાર્યવાહી:નાતાલ પૂર્વે જ દારૂની હેરફેર વધી : ઘરઘરાઉ વેચાણ પર ત્રણ દરોડા

અંજાર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારમાં 89,250ના દારૂ સાથે ઘરમાંથી પકડાયેલો આરોપી. - Divya Bhaskar
અંજારમાં 89,250ના દારૂ સાથે ઘરમાંથી પકડાયેલો આરોપી.
  • અંજારમાં ઘરમાંથી 255 બોટલ સાથે એક પકડાયો
  • કુલ 1.17 લાખનો શરાબ જપ્ત : ગાંધીધામમાં બે સ્થળેથી 68 બોટલ મળી, આરોપીઓ ફરાર

પૂર્વ કચ્છના અંજારમાં પોલીસે રહેણાક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 255 બોટલ સાથે એકને પકડી લીધો હતો, તો ગાંધીધામના નવી અને જુની સુંદરપુરીમાં પોલીસે બે મકાનમાં દરોડા પાડી 68 બોટલ કબજે કરી હતી પણ આરોપીઓ બન્ને દરોડામાં હાજર મળ્યા ન હતા.

પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યુ઼ હતું કે, પેટ્રોલિંગ દરમિયાન વાઘેશ્વરી ફળિયામાં આવેલ મોમાય માં ના મંદિર પાસે રહેતો રોહિતગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખે છે તેવી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમ્યાન આરોપીના ઘરમાં તપાસ કરતા અલગ અલગ 4 બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 255 બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા રૂ. 89,250નો મુદ્દામાલ હોવાનું જણાતા પોલીસે આરોપીની અટક કરી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આ શરાબના જથ્થા અંગે પૂછપરછ કરતા આરોપીને એકતા નગરમાં રહેતા જાફરશા કાસમશા શેખે વેચાણ અર્થે જથ્થો આપ્યો હોવાની કબૂલાત આપતાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તારમાં ગત સાંજે એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે જુની સુંદરપુરી ગરબી ચોક પાસે રહેતો મિલન ગોવિંદભાઇ મહેશ્વરી પોતાના રહેણાક મકાનમાં વીદેશી દારૂ રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાડતાં ઘરમાં રાખેલા રૂ.25,645 ની કિંમતના વિદેશી શરાબની 63 બોટલ મળી આવી હતી પણ આરોપી મિલન હાજર મળ્યો ન હતો.

તો નવી સુંદરપુરી ગણેશ મંદિરની પાસે રહેતો પ્રેમ કેશવજી માતંગ પોતાના મકાનમાં દારૂ રાખી વેંચાણ કરતો હોવાની બાતમીના આધારે તેના મકાનમાં પણ પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં મકાનમાંથી રૂ.2,600 ની કિંમતના વિદેશી દારૂની 5 બોટલ મળી આવી હતી પણ પ્રેમ હાજર મળ્યો ન હતો. પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી બન્નેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...