તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંજારમાં રાત્રે એક્ટિવા ચોરી, પરોઢે છરી મારી લૂંટ ચલાવી... 2 આરોપી 10 કલાકમાં ઝડપાયા

અંજાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 6 દિ’ના ગાળામાં લૂંટનો બીજો બનાવ, પોલીસે ચોરી અને લૂંટના બંને ગુનાનો ભેદ ઉકેલી લીધો

અંજારમાં માત્ર 6 દિવસમાં જ બીજી વખત લૂંટનો બનાવ બન્યો હતો. પહેલા આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 65 લાખની લૂંટ ચલાવ્યા બાદ હવે અંજાર તાલુકાના લાખાપર-સતાપર માર્ગ પર પગપાળા આવી રહેલા યુવાનને 2 ઈસમોએ પોલીસની ઓળખ આપી તેના પાસેથી મોબાઇલની લૂંટ ચલાવી હતી. પરંતુ આ બનાવમાં પોલીસે ગણતરીના જ કલાકોના બંને આરોપીઓને ઝડપી લઈ ચોરી અને લૂંટના બંને ગુનાનો ભેદ બનાવના માત્ર 10 કલાકમાં જ ઉકેલી લીધો હતો.

બનાવ અંગે અંજાર પોલીસ મથકના પી.આઈ. એમ.એન. રાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, શીતળા સાતમ નિમિતે અંજાર તાલુકાના બુઢારમોરા ગામે રહેતા 18 વર્ષીય અશોક ધનજીભાઈ સથવારા પોતાના પરિવારના 10 લોકો સાથે અંજાર આવવા રાત્રે પગપાળા નીકળ્યો હતો.

જે આગળ પાછળ ચાલતા-ચાલતા લાખાપરથી સતાપર રોડ પર આવતા સતાપરથી 4 કી.મી. દૂર પહોંચ્યા હતા ત્યારે 2 ઈસમો એક્ટિવા પર મોઢે માસ્ક બાંધી આવ્યા હતા અને પગપાળા આવી રહેલા ફરિયાદી અને તેના મામાને સામેથી આવેલા ઈસમોએ રોક્યા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી “તમે ચોરી કરી છે અને માલ તમારા પાસે છે” તેવું કહી ફરિયાદી યુવાનના ખિસ્સા તપસ્યા હતા.

જેમાં ફરિયાદીનો રૂ. 10,000નો મોબાઈલ મળતા તે લૂંટી લેવામાં આવ્યો હતો. જેથી ફરિયાદીએ રાડારાડી કરતા આવેલા ઈસમો પૈકી લાલ કલરના ટીશર્ટ વાળાએ છરી કાઢી ફરિયાદી પર હુમલો કરી દીધો હતો. જેના કારણે ફરિયાદી યુવાનના માથા અને નાક પર ઈજાઓ પહોંચી હતી.

જે બનાવ બાદ યુવાને તાત્કાલિક અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કામગીરી કરી હતી અને હ્યુમન ઇન્ટેલિજન અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી લૂંટના આરોપીઓને શોધવા પગેરું દબાવ્યાના માત્ર 10 કલાકમાં જ આરોપીઓ સવાસર નાકા તળાવના ગેટ પાસે હોવાની બાતમી મળી ગઈ હોવાથી ગરાસિયા વાસ, શેખટીંબામાં રહેતો 19 વર્ષીય મહોમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલ અને નવાનગર પુલિયા પાસે રહેતો 23 વર્ષીય જાકબ હારૂન બાફણને લૂંટેલા મોબાઈલ તેમજ અન્ય બે મોબાઈલ અને ચોરીની એક્ટિવા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા અને ગણતરીના કલાકોમાં જ બંને ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો.

6 દિવસ પહેલાની લૂંટની જેમ આ બનાવમાં પણ ચોરીના દ્વિચક્રી વાહનનો ઉપયોગ થયો
6 દિવસ અગાઉ બનેલા 65 લાખની લૂંટ વાળા બનાવમાં 3 દિવસ પહેલા બાઇકની ચોરી કર્યા બાદ તે વાહનનો ઉપયોગ લૂંટ ચલાવવા કરવામાં આવ્યો હતો. જે થિયરી મુજબ આ બનાવમાં પણ ચોરીના વાહનનો ઉપયોગ કરાયો હતો. આરોપીઓએ મિસ્ત્રી ફળિયામાં રહેતા હરિત કીર્તિભાઇ પરમારની રાત્રે 11થી 3 વાગ્યા વચ્ચે પહેલા ચોરી કરી હતી અને બાદમાં પરોઢે 5 વાગ્યાની આસપાસ યુવકને લૂંટાયો હતો. આ બનાવને અંજામ આપનાર બંને આરોપીઓ ઝડપાઇ જતા લૂંટ અને ચોરી એમ બંને ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

એસપીની ટકોરના કારણે પોલીસે પરોઢે જ ચોરીની ફરિયાદ લીધી
આંગડિયા પેઢીના સંચાલકને લૂંટવા માટે ચોરીની બાઈકનો ઉપયોગ કરાયો હતો પરંતુ બાઈક ચોરીની પોલીસે ફરિયાદ લીધી ન હતી. જેથી એસ.પી.ને પત્રકારો દ્વારા આ બાબતે પ્રશ્નો કરતા બનાવ બાદ તાત્કાલિક ફરિયાદ લેવી તેવી સૂચના આપવામાં આવી હોવાથી ચોરી થયાની જાણ થતાં જ્યારે એક્ટિવાના માલિક ચોરીની ફરિયાદ કરવા આવ્યા ત્યારે પરોઢે જ પોલીસે ફરિયાદ લઈ લીધી હતી. જેથી જ્યારે આરોપીઓનો લોકેશન મળ્યો ત્યારે ચોરી કરેલી એક્ટિવા પણ સાથે હોવાની બાતમી મળી હોવાથી બંને ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ પોલોસે ઉકેલી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...