ગતિ અવરોધકો બનાવવા આવશ્યક:અંજારના સોરઠીયા નાકે સ્પીડ બ્રેકર ન હોતા અકસ્માત વધ્યા

અંજાર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંજારના સોરઠીયા નાકે આવેલા ભીડ ભંજન મહાદેવ મંદિર પાસે પાલિકા માર્ગ બનાવવામાં આળસ કરી રહી હતી પરંતુ વખતો વખતની માંગ અને આંદોલન બાદ આખરે સીસીરોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ માર્ગ પરથી સ્પીડ બ્રેકર કાઢી નાખવામાં આવતા થોડા દિવસોમાં જ 10થી વધુ અકસ્માતો થયા છે.

આ અંગે સ્થાનિકેથી મળતી માહિતી મુજબ અંજાર નગરપાલિકાના સત્તાધીશોને સોરઠીયા નાકે કામ કરવામાં રસ ન હોવાથી અનેક વખત માંગો કરી હોવા છતાં આ માર્ગનું રિસરફેસિંગ કરવામાં આવતું ન હતું. જે બાદ આંદોલનો થતા આખરે પાલિકા મજબૂર બની જ્યાં પાણી ભરાવાની સમસ્યા હતી ત્યાં સીસીરોડ બનાવ્યો છે. હજુ આ માર્ગ બન્યાને 10 દિવસ પણ નથી થયા ને 10થી વધુ હળવા અકસ્માતો પણ થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી પાલિકાએ સ્પીડ બ્રેકર કાઢી નાખતા પુર ઝડપે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે વાહનો સામસામે આવી જતા હોવાથી અકસ્માતો તગાય રહ્યા છે. ત્યારે જો પાલિકા હવે સ્પીડ બ્રેકર નહી બનાવે તો કોઈ મોટો અકસ્માત થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.