તંત્ર માટે શરમજનક:અંજારમાં માર્ગના ખાડા પુરી મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરાઈ

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પરના ખાડાઓ પુરી તેના પર જ કેક કપાઇ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અનેક સરકારી કાર્યક્રમોનો આયોજન કરાયો છે અને જાણે દેખાવો કરતા હોય તેમ તાયફઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંજારમાં મહિલા અને બાળકો દ્વારા રસ્તા પરના ખાડાઓ સ્વખર્ચે દૂર કરી તેના પર જ કેક કાપી વડાપ્રધાનના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ ચિત્રકૂટથી ગાયત્રી ચાર રસ્તા સુધીના માર્ગ પર જૂની શાળા નં. 17ની સામે લગભગ 2 વર્ષથી માર્ગના વચ્ચોવચ્ચ મોટો ખાડો પડેલો છે. જેમાં વરસાદના કારણે પાણી ભરાઈ જતું હોવાથી અનેક વખત ટુવ્હીલર ચાલકો પડી ગયા છે અને ફોર વ્હીલર ચાલકોને નુકશાની સહન કરવી પડી છે. આ માટે પાલિકા કચેરીએ પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે. છતાં કોઈ સાંભળતું ન હોવાથી આખરે કંટાળી મોદીના જન્મ દિવસે ખોટા તાયફાઓ કરવા કરતાં સાચા કામ કરીએ તેવું વિચારી સ્વ ખર્ચે કર્મચારી સોસાયટીમાં રહેતી એક મહિલાએ રસ્તા પરનો ખાડો પૂર્યો હતો અને પાલિકાની આંખ ખોલવા તે ખાડા પર જ બાળકોએ કેક કાપી નરેન્દ્ર મોદીના જન્મ દિવની ઉજવણી કરી હતી.

આ અગાઉ ભયાનક ખાડા પાસે રક્ષાબંધન પણ ઉજવવામાં આવી હતી
અંજાર નગરપાલિકાની કામગીરીથી લોકો એટલા પરેશાન છે કે, રજૂઆતો કરવાની જગ્યાએ તહેવારો જાહેર રસ્તા પર ઉજવી પાલિકા પર વ્યંગ કરવામાં આવી રહ્યો છે. છતાં પાલિકા દ્વારા કોઈપણ નોંધનીય કામગીરી કરવામાં આવતી નથી.

આ અગાઉ ગાયત્રી ચાર રસ્તા પર પોતાની માતાનો ખાડાના કારણે અકસ્માત થયો હોવાથી પાલિકા પર વ્યંગ કરવા બાળકોએ રસ્તા વચ્ચે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. છતાં કોઈપણ પ્રકારની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી ન હતી. જેથી ફરી આ જ માર્ગ પર તેવા જ પ્રકારનો કાર્યક્રમ યોજી ફરી પાલિકા પર વ્યંગ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...