સાવધાન...:અંજારમાં ત્રીજું નેત્ર સક્રિય થશે, 75 કેમેરા શહેરની નિગરાની કરશે

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ, ગાંધીધામ બાદ કચ્છના ત્રીજા મોટા શહેર પર રહેશે હવે પોલીસની નજર
  • રૂ. 67 લાખના ખર્ચે લગાડેલા CCTV કેમેરાનું લોકાર્પણ થશે

અંજાર વિસ્તારમાં ગુનાઓનું પ્રમાણ રોકવા સીસીટીવી કેમેરા લાગે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યા હતા પરંતુ કોઈપણ કારણોસર ઘણા સમયથી કામગીરી અટકી રહી હતી. ત્યારે હવે સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા લાગી જતા તેનું લોકાર્પણ કરવામાં આવશે. રૂ. 67 લાખના ખર્ચે અંજાર શહેરમાં વિવિધ સ્થળોએ કુલ 75 સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. જે શહેર પર બાજ નજર રાખશે અંજાર શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે છેલ્લા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ આ કામને જાણે ગ્રહણ નડતું હોય તેમ અંદાજિત 2 વર્ષ કરતા પણ વધુ સમયથી કામની શરૂઆત થઈ શકી ન હતી.

પાલિકા દ્વારા શરૂઆતમાં 25 લાખ રૂપિયા શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ફાળવ્યા હતા. જે બાદ બજેટ વધી જતું હોવાથી પોલીસ વિભાગ દ્વારા આ કામ માટે નાણા ફાળવવામાં આવે તેવી વાત હતી પરંતુ તે શક્ય બન્યું ન હતું. બાદમાં પાલિકાએ પોતાનું બજેટ અંદાજિત 47 લાખ જેટલું કર્યું હતું તેમ છતાં કેમેરાનો ભાવ વધી જતાં હોવાથી લાંબા સમય સુધી શહેરમાં કેમેરા લાગી શક્યા ન હતા.

પરંતુ હવે જ્યારે તમામ કાર્ય પૂર્ણ થઈ ગયું છે ત્યારે 67 લાખના ખર્ચે સમગ્ર શહેરમાં 75 સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જેનું સંપૂર્ણ કંન્ટ્રોલ અંજાર પોલીસ સ્ટેશનેથી થશે. આ કેમેરાઓનું લોકાર્પણ પૂર્વ રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ, કલેકટર અને પૂર્વ કચ્છમાં એસ.પી.ની હાજરીમાં કરશે.

10 વર્ષ પહેલાં વેપારીઓએ સ્વખર્ચે મુખ્ય બજારમાં કેમેરા લગાવ્યા હતા
અંજારમાં એક સમય એવો હતો જ્યારે ગુનાહિત પ્રવૃતિઓ એટલા હદે વધી ગઈ હતી કે વેપારીઓ ત્રાસી ગયા હતા. પરંતુ અંજાર પોલીસની જે-તે વખતની કામગીરી પણ શંકાસ્પદ હોવાના કારણે વેપારીઓએ 12 મીટર રોડ, કસ્ટમ ચોક જેવા વિસ્તારોમાં સ્વખર્ચે સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. પરંતુ કોઈપણ કારણોસર આ પ્રોજેકટ નિષ્ફળ ગયો હતો. જેના 10 વર્ષ બાદ પાલિકા દ્વારા કેમેરા લગાવવામાં આવ્યા છે.

7 ANPR અને 6 PTZ સિસ્ટમવાળા કેમેરાથી ગુનાઓ પર રોક લાગશે
અંજાર નગરપાલિકા 67 લાખના ખર્ચે કુલ 75 કેમેરા શહેરમાં લગાવી રહી છે. જેમાંથી 62 કેમેરાઓ 5 મેગાફિક્સલના ડે-નાઈટ કેમેરા છે. જેની રેન્જ 50 મીટરની છે. જ્યારે 7 કેમેરાઓ 60 મીટર રેન્જના ANPR ટેકનોલોજીના છે. જે કેમેરાની રેન્જમાં આવતા જ વાહનના નંબર પ્લેટને કેપ્ચર કરી કેમેરા અલગથી તેને સ્ટોર કરી લેશે. આ ઉપરાંત 6 કેમેરાઓ PTZ ટેકનોલોજીના છે, જેની રેન્જ 250 મીટરની છે અને 360 ડીગ્રી વ્યુ લેવામાં સક્ષમ છે.

આ સ્થળોએ લાગ્યા છે સીસીટીવી કેમેરા
અંજારના કળશ સર્કલ પર ANPR અને PTZ ટેકનોલોજી વાળા, યોગેશ્વર ચાર રસ્તા, ચિત્રકૂટ સર્કલ અને નાગલપર રોડ પર ANPR ટેકનોલોજી વાળા ઉપરાંત ગાયત્રી ચાર રસ્તા, દેવળીયા નાકા, સવાસર નાકા, ગંગાનાકા, એ.પી.એમ.સી અને વેલજી ગજ્જર સર્કલ પાસે PTZ ટેકનોલોજી વાળા કેમેરા લાગશે. જે ઉપરાંત AI બેઝ વાયરલેસ કનેક્ટિવિટી સાથે સીસીટીવી કેમેરા શહેરના મોટા ભાગનો વિસ્તારની નિગરાણીમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...