વિવાદ:અંજાર પાલિકાની નગરસેવકોની મીટિંગમાં સફાઈ બાબતે ડખો થયો

અંજાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમુક કાઉન્સિલરો પોતાના ઘર પાસે સફાઈ કરાવવા કામદારો માંગતા વિવાદ છેડાયો

અંજાર નગરપાલિકાની ચૂંટણી બાદ નવા આવેલા કાઉન્સિલરો પર ઘણા લોકોએ અપેક્ષાઓ રાખી છે. પરંતુ અમુક જુના જોગી ગણાતા કાઉન્સિલરો દ્વારા નવા નિશાળીયાઓ પર રોફ જમાવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે 2 દિવસ પહેલા અંજાર નગરપાલિકા મધ્યે મળેલી કાઉન્સિલરોની એક ખાનગી બેઠકમાં સફાઈ બાબતે 2 જુના કાઉન્સિલરો વચ્ચે જ વિવાદ છેડાઈ જતા ચર્ચા ટોક ઓફ ટાઉન બની છે.

આ અંગે મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા ભાજપના જિલ્લાના હોદ્દેદારો સાથે ઓનલાઇન મિટિંગ હોવાથી અંજાર નગરપાલિકામાં પ્રમુખની ચેમ્બરમાં એક મિટિંગ મળી હતી. જેમાં આ ઓનલાઇન મિટિંગ પુરી થયા બાદ એક જુના કાઉન્સિલર દ્વારા પોતાના ઘર પાસે દરરોજ સફાઈ થાય તે માટે એક અલાયદી સફાઈ કરવા વાળા માણસની માંગણી મૂકી હતી. જે માંગણી યોગ્ય ન હોવાથી તેની સાથે મિટિંગમાં હાજર અન્ય એક જુના કાઉન્સિલર દ્વારા વાંધો ઉપાડવામાં આવ્યો હતો. જે બાબતે બંને વચ્ચે મામલો ગરમાયો પણ હતો અને આ બંનેની બોલાચાલીમાં પાલિકાના કર્મચારીઓ સુડી વચ્ચે સોપારી બન્યા હતા અને વગર વાંકે સાંભડવું પડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, અંજાર શહેરમાં સફાઈ કરવા માટે માત્ર 120 માણસો જ હાજર હોય છે, તેવામાં ઓછા માણસો વચ્ચે પણ અમુક હોદ્દેદારો દ્વારા અલાયદી માણસની માંગણી કરવામાં આવતા અયોગ્ય માંગણીના કારણે વિવાદ ઉત્પન્ન થયો હતો તેવું ખુદ પાલિકા સાથે જોડાયેલાઓ દ્વારા જ જણાવવામાં આવ્યું હતું.

​​​​​​​વારંવારની સૂચના છતાં મહિલા સભ્યોની ગેરહાજરીથી બબાલની ભીતિ
પાલિકા દ્વારા કોરોના કાળમાં અનેક મહત્વના નિર્ણયો લેવાના હોય છે. જે નિર્ણયો સર્વાનુમતે લેવાય તે માટે તમામ કાઉન્સિલરો હાજર રહે તે જરૂરી બની જાય છે. જેથી પ્રમુખ તેમજ સક્રિય રહેતા કાઉન્સિલરો દ્વારા તમામ નગરસેવકો હાજર રહે તે માટે જણાવવામાં આવતું હોય છે. પરંતુ વારંવાર કહેવા છતાં પણ એક પણ મહિલા કાઉન્સિલર મિટિંગમાં ઉપસ્થિત ન રહેતી હોવાથી હવે અંદરો અંદર ડખો સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...