અંજારના વોર્ડ નં. 4 અને 5ને જોડતા માર્ગને છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી રીપેર કરવામાં નથી આવ્યો. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાલિકા કચેરીએ વિરોધ કરવામાં આવતા સ્થાનિક નગરસેવક દ્વારા થાય તે કરી લેજો માર્ગ નહિ બને તેવો જવાબ આપી દેતા સ્થાનિકો દ્વારા એ માર્ગનું નામ ”થાય તે કરી લેજો” રાખી દેવામાં આવ્યું હતું. જે બાદ તા. 3/3, 4/4 અને 26/4ના લેખિત રીમાઈન્ડર અરજીઓ આપવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા એક પણ વખત તેનો જવાબ આપવામાં ન આવતા સ્થાનિકો દ્વારા પાલિકાના ગેટ પર ચોથી લેખિત અરજી ચોંટાડવામાં આવી હતી.
અંજાર નગરપાલિકાના ગેટ પર બેનર સ્વરૂપે ચોટાડવામાં આવેલી ચોથી રીમાઈન્ડર અરજીમાં જણાવ્યા મુજબ કર્મચારી સોસાયટી 1 તથા 2 અને પ્રજાપતિ સોસાયટીને જોડતા 15થી પણ વધુ વર્ષ જૂના માર્ગનું આજ દિન સુધી એક વખત પણ સમારકામ કે રીનોવેશન કરવામાં નથી આવ્યું. આ બાબતે અવારનવાર સોસાયટીના રહેશો દ્વારા પાલિકા કચેરીને લેખિત તેમજ વોર્ડના સત્તાપક્ષના નગર સેવકને પણ મૌખિક જાણ અને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ જ પ્રકારનો હકારાત્મક નિર્ણય આ બાબતે લેવામાં આવ્યો નથી કે સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવેલી અરજીનો કોઈ જ જાતનો જવાબ દેવાની તસ્દી પણ લેવામાં નથી આવી. જે સ્પષ્ટ દર્શાવે છે કે પ્રજાની અને પ્રજાના પ્રશ્નોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
બે મહિનાના સમયગાળામાં ત્રણ ત્રણ અરજી કરવા છતાં પાલિકા દ્વારા કોઈ જ જવાબ આપવામાં નથી આવ્યો. કદાચ એનું કારણ એ પણ હોઈ શકે જે જવાબદારો અક્ષરજ્ઞાનથી અજાણ હોય અથવા આંખોમાં બેતાલા આવી ગયા હોય. જેના કારણે ચોપાનિયાં ના નાના અક્ષરો વાંચવામાં અગવડ પડતી હોય તો આ બાબતને ધ્યાનમાં રાખી થોડા મોટા અક્ષરોમાં લખીને આ માર્ગના નવીનીકરણ કરવા બાબતે ચોથી પાલિકાના ગેટ પર બેનર લગાવી અરજી કરી છે.
15 દિવસમાં જવાબ નહીં મળે તો ફરી બેનર લગાડીને વિરોધ પ્રદર્શન કરાશે
સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી અરજીમાં નોંધ પણ લખમાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ અગર 15 દિવસમાં આ ચોથી અરજીનો જવાબ આપવામાં નહી આવે તો ફરી વખત અરજી કરવામાં આવશે. એટલે કે ફરી મોટા અક્ષરે બેનર લગાવી વિરોધ દર્શાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.