વિરોધ:અંજારમાં વેરા વધારા સામે 423 વાંધા અરજી

અંજાર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષના કાઉન્સિલરની આગેવાની હેઠળ લોકોએ વાહન રેલી કાઢીને પાલિકાના નિર્ણયનો વિરોધ કર્યો

અંજાર નગરપાલિકા દ્વારા જાહેર સેવાઓના ભાવ વધારાના વિરોધમાં વિપક્ષના નેતાના આહવાહન બાદ લોકો સ્વેચ્છાએ લડતમાં જોડાયા હતા અને એક સાથે 423 વાંધા અરજીઓ આપી હતી. આ અંગે મળતી માહિતી મુજબ અંજાર નગરપાલિકા દ્વારા જાહેર સેવાઓમાં બમણો વધારો કરવા અંગેનો નિર્ણય કરાયો છે. જેના વિરોધમાં વિરોધ પક્ષ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ધરણા કરવામાં આવી રહ્યા છે. જેથી પાલિકા દ્વારા વાંધા અરજીઓ નાગરિકો પાસેથી મંગાવવામાં આવતા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા રેલી કાઢી વાંધા અરજી આપવા અંગે આહવાહન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો વિરોધ પક્ષ સાથે જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગ પર વાહન રેલી કાઢી એક સાથે 423 વાંધા અરજી નગરપાલિકામાં આપવામાં આવી હતી.

આ વેળાએ જીલ્લા પંચાયત પૂર્વ વિપક્ષનેતા વી.કે.હુંબલ, તાલુકા કોંગ્રેસના આગેવાન અરજણભાઇ ખાટરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ દરજી તથા આમ આદમી પાર્ટી માંથી જીતેન્દ્રભાઈ ચોટારા, યોગેન્દ્રસિંહ જાડેજા અને શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો અને યુવાનો જોડાયા હતા.

લોકો ટેક્સ ન ભરે, અમે કનેક્શન કાપવા નહિ દઈએ-કોંગ્રેસ
આ રેલીને સંબોધતા રાજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, પાલિકા જાહેર સેવાઓ પુરી પાડી શકતી નથી ને તેના ભાવોમાં બમણો વધારો કરી રહી છે. જેથી હવે નાગરિકોએ વેરો ભરવાનું જ બંધ કરી દેવું જોઈએ. જ્યારે સેવા પૂરી મળે તે બાદ જ વેરો ભરાય, તેમ છતાં જો પાલિકા ગટર, પાણીના કનેશન કાપવા આવશે તો અમને કહેજો અમે કનેક્શન કાપવા નહિ દઈએ.

રેલી પહોંચે તે પહેલાં જ અધિકારી-પદાધિકારી પાલિકા છોડી ચાલ્યા ગયા
બિનરાજકીય રીતે કાઢવામાં આવેલી રેલીમાં લોકો સ્વયંભૂ જોડાયા છે. તેવી માહિતી પાલિકાના અધિકારી-પદાધિકારી પાસે પહોંચી જતા વાહન રેલી પાલિકાએ પહોંચે તે પહેલાં જ તમામ પાલિકા છોડી ચાલ્યા ગયા હતા. જેના કારણે ચીફ ઓફિસર વતી હાજર રહેલા ગુંજન પંડ્યાને આવેદન આપી લોકોએ તેમની રજુઆત જે-તે સ્થાને પહોંચાડવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...