લોન:અંજાર પાલિકા પાસેથી 40 ટકા શેરી ફેરિયાઓ લોન લીધા બાદ હપ્તો ચૂકવવાનું જ ભૂલી ગયા !

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 832 માંથી 57 ફેરિયાઓએ હપ્તા ભરી નાખતા બીજી વખત બમણી રકમની લોન અપાઈ

કેન્દ્ર સરકાર દ્વારા શેરી ફેરિયાઓને નગરપાલિકા હસ્તક પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ રૂ.10 હજારની લોન આપવામાં આવે છે. જે તેઓના બેંક એકાઉન્ટમાં જમા કરાય છે. આ યોજના અંતર્ગત અંજાર નગરપાલિકા પાસેથી કુલ 832 ફેરિયાઓએ લોન લીધી હતી. જે પૈકી 40 ટકા ફેરિયાઓ એવા છે જેમણે લોન મેળવી લીધા બાદ હપ્તો ભરવાનું જ ભૂલી ગયા છે.

આ અંગે અંજાર નગરપાલિકાના સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરનાં શેરી ફેરિયાઓને પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગતની લોન માટે તમામ કાગળો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. અંજાર પાલિકા દ્વારા પી.એમ.સ્વનિધિ યોજનાના બે વર્ષના સમયગાળામાં રૂ. 10 હજારની સહાય કુલ 832 ફેરિયાને ચૂકવવામાં આવી છે. જેઓ નિયમિત રીતે હપ્તા ભરી રહ્યા છે.

જે ફેરિયાઓ રેગ્યુલર હપ્તા ભરી રહ્યા છે તે પૈકીના 57 ફેરિયાઓને ફરીથી બમણી રકમ એટલે કે રૂ.20 હજારની લોન આપવામાં આવી છે. સરકારની પી.એમ. સ્વનિધિ યોજના નાના અને મધ્યમ વર્ગના ધંધાર્થીઓ માટે સારી છે, પરંતુ હાલે નિયમિત હપ્તાઓ 500 જેટલા શેરી ફેરિયાઓ ભરી રહ્યા છે. જ્યારે બાકીના 40 ટકા ફેરિયાઓ લોનના હપ્તા ભરવામાં અનિયમિત છે.

તો વળી, કેટલાક તો હપ્તા ભરતા જ નથી. જેના પરિણામે સરકારને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ફેરિયાઓ નિયમિત રીતે હપ્તા નહીં ભરતા હોવાના કારણે જે લોકો ખરેખર જરૂરતવાળા છે તેમને લોન મળી શકતી નથી, તેવી ફરિયાદ પણ ઉઠી છે.

જો નિયમિત હપ્તા ભરાય તો બમણી રકમ મળે
અંજાર નગરપાલિકા તરફથી જણાવવામાં આવ્યું હતું કે, નાના ધંધાર્થીઓ માટે આ યોજના ખુબ સારી છે. જો 10 સળંગ હપ્તા ભરી નાખવામાં આવે તો તેમને ડિસ્કાઉન્ટ મળે છે અને બીજી વખત બમણી રકમની લોન પણ મળે છે. જેથી લોન લેનાર લોકો સમયસર હપ્તા ભરે તે જરૂરી બની રહે છે અને જો અમુક લોકો હપ્તા નથી ભરતા તો તેની સીધી અસર યોજના પર પડે છે અને અન્ય લોકોને લોન લેવામાં મુશ્કેલીઓ પડે છે. જેથી આ યોજનામાં સમાંસર હપ્તા ભરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...