કચ્છના ભયાનક ભૂકંપ 20 વર્ષ:અંજાર શહેરમાં 26 જાન્યુ. 2001ના જન્મેલું એકમાત્ર બાળક

અંજારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગળપાદરના આહિર પરિવારના જય વીરડાએ જન્મતા વેત કચ્છના ભયાનક ભૂકંપ પર વિજય મેળવ્યો
  • એક બાજુ હોસ્પિટલની ઇમારત પડતી રહી ને માતા બાળકને લઈને બચતી રહી

26મી જાન્યુઆરી 2001, કચ્છ-ગુજરાત માટે ગોઝારો દિવસ હતો, જેને ક્યારેય ભૂલવો શક્ય નથી. આ ભયંકર ભૂકંપના દિવસે અંજારના શહેરમાં એકમાત્ર જન્મ લીધેલા બાળકની કહાની જન્મતાં જ કરવા પડેલ સંઘર્ષની અસામાન્ય વાત રજૂ કરી જાય છે. ગળપાદરમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ધનજીભાઈ સામાતભાઈ વીરડાના ઘરે 26મી જાન્યુઆરી 2001ના રાત્રે 2 વાગ્યાના આસપાસ પુત્રનો જન્મ થયો હતો, પરિવારજનોમાં ખુશીનો પાર તો રહે જ નહીં..!! તેવામાં હરખ સાથે પત્ની, માતા અને નવજાત બાળકને અંજારની સરકારી હોસ્પિટલમાં મૂકી વહેલી સવારે 5 વાગ્યે ધનજીભાઈ નાસ્તો તેમજ પૌષ્ટિક આહાર લેવા ગળપાદર તેમના ઘરે ગયા હતા.

જ્યાંથી પરત અંજાર આવવાની તૈયારી કરતા હતા ત્યાં સવારે 8-47 વાગ્યાના અરસામાં કુદરતનો કહેર વરસ્યો, જેથી પોતાના પરિવારની ચિંતામાં આસપાસના લોકોમાંથી કોઈનું બાઇક લઈ તેઅો તાબડતોબ અંજાર આવવા માટે નીકળી ગયા હતા. પરંતુ રસ્તામાં ટ્રાફિક જામ એટલા હદે હતો કે બાઈકથી નીકળવું પણ મુશ્કેલ હતું. જેમ-તેમ કરી સરકારી હોસ્પિટલે પહોંચ્યા બાદ જોયું તો હોસ્પિટલની ઇમારત જમીનદોસ્ત હતી. પેટમાં ફાળ પડી કે, પત્ની અને નવજાત બાળકનું શું થયું હશે ? અત્યારે ક્યાં હશે ? તે વખતના હોસ્પિટલના ઇન્ચાર્જ ડો. દયાળુને મળી નવજાત શિશુ સહિતના પરિવારની શોધખોળ આદરતાં મહામહેનતે હોસ્પિટલના મેદાનમાંથી મળી આવ્યા હતા.

પત્ની, માતાને મળ્યા બાદ કેમ છો? તેવું પૂછતા હૈયાફાટ રૂદન સાથે આપવીતી જણાવતા બાળકની માતાએ કહ્યું કે હોસ્પિટલની અેક બાજુની ઇમારત પડી રહી હતી અને બીજી બાજુ બાળકને લઈને તે બચતી રહી હતી, આખરે હેમખેમ બહાર નીકળવામાં સફળતા મળી હતી. પરિસ્થિતિ થોડીક થાળે પડ્યા પછી પરત ઘરે પહોંચવાનો પણ પડકાર હતો.

એક બાઇકમાં આટલા લોકો આવે કઈ રીતે? જેથી અંજારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. જે.કે. આહિરને વિનંતી કરતા તેઅો તેમની કાર મારફતે આદિપુરની રામબાગ હોસ્પિટલ સુધી ધનજીભાઈના પરિવારને લઈ ગયા હતા અને ત્યારબાદ બાઇક મારફતે તેઓ પોતાના ઘર સુધી પહોંચી શક્યા હતા. જે બાદ ભૂકંપના દિવસે જન્મેલા નવજાત બાળકનું નામ પરિવારજનોએ ‘જયકુમાર’ રાખ્યું હતું.

ઘર ધ્વસ્ત, ચાદરના ભૂંગામાં બાળકને રાખ્યો
ધનજીભાઈના ગળપાદર ગામમાં આવેલા ચારેય મકાનો ભૂકંપમાં પડી ગયા હતા. જેથી નવજાત બાળક અને તેની માતાને હંગામી રીતે ચાદર દ્વારા ભૂંગો બનાવી રાખવામાં આવ્યા હતા. બાદમાં ગ્રામ્ય લોકોની મદદ અને સેવાભાવીઓ આવી જતા પોતાના માલિકીના પ્લોટમાં કેમ્પ બાંધવામાં આવ્યો હતો. જેમાં અંદાજિત 8 મહિના સુધી વસવાટ કર્યો હતો અને બાળકનું પાલન-પોષણ કર્યું હતું.

જય આજે ખાનગી નોકરી કરે છે
ભૂકંપના દિવસે જન્મી ભૂકંપ પર વિજય મેળવનાર ધનજીભાઈનો વ્હાલસોયો જય આજે હેમખેમ છે અને ખાનગી કંપનીમાં લાકડાનું મેજરમેન્ટ લેવાનું કામ કરવાની નોકરી કરી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...