કાર્યવાહી:6 માસમાં ઝડપેલાં 1.30 કરોડના દારૂનો નાશ કરાયો

અંજાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર પોલીસની કાર્યવાહી : શિણાયની સરકારી જમીનમાં દારૂની નદી વહી, પ્યાસીઓના જીવ કચવાયા

અંજારમાં છેલ્લા 6 મહિનામાં રેકોર્ડબ્રેક શરાબનો જથ્થો ઝડપવામાં આવ્યો છે. જે સંદર્ભે અંજાર પોલીસ દ્વારા શીણાયની સરકારી પડતર જમીનમાં 1.30 કરોડનો શરાબનો જથ્થો નાશ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે દારૂની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો બીજી તરફ દૂરથી જોઈ રહેલા પ્યાસીઓના જીવ કચવાયા હતા.

અંજાર પોલીસ મથકના પી.આઈ. એમ.એન. રાણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, અંજાર પોલીસ મથકમાં તા. 20/10/2020થી તા. 21/5/2021 સુધી એટલે કે 6 મહિનાની અંદર ભારતીય બનાવટની અંગ્રેજી શરાબની 750 એમ.એલની 32733 બોટલો જેની કિંમત રૂ. 1,21,42,145 થાય અને બિયરમાં ટીન 8904 જેની કિંમત રૂ. 8,96,400 થાય છે એમ કુલ મળી રૂ. 1,30,38,545નો શરાબનો મુદ્દામાલ કોર્ટના ઓર્ડર બાદ નાશ કરવામાં આવ્યો હતો. આ વેળાએ અંજારમાં પ્રાંત અધિકારી ડો. વી.કે. જોશી હાજર રહ્યા હતા.

15 કલાકની મહેનત બાદ શરાબનો જથ્થો નાશ કરી શકાયો
અંજાર પોલીસ દ્વારા ખૂબ જ મોટી માત્રામાં શરાબ ઝડપવામાં આવ્યો હતો. જેના કારણે નાશ કરવા માટે શરાબનો જથ્થો ઉપાડવા 4 હાઇવા તથા ટ્રેઇલરોની જરૂર પડી હતી. જેથી રાત્રે 12 વાગ્યાથી શરાબનો મુદ્દામાલ વાહનોમાં ભરવાનો શરૂ કરવામાં આવ્યું હતું. જે સવાર સુધી ભરાઈ જતા વ્યવસ્થિત ગોઠવણ કરવામાં સાંજે 4 વાગ્યા સુધી મહેનત કરવી પડી હતી. આ 15 કલાકના કઠોર પરિશ્રમ બાદ શરાબનો જથ્થો નાશ કરી શકાયો હતો.

અન્ય સમાચારો પણ છે...