તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૌસમી વાયરસનો કહેર:ત્રીજી લહેરની વકી વચ્ચે અંજારમાં મોસમી વાયરસનો કહેર

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો અને પુખ્ત વયના લોકોને ઝપેટમાં લેતાં દરરોજ ઝાડા, ઉલ્ટી, તાવ, કફના 100થી વધુ કેસ : સફાઇ, ફોગીંગ સાથે દવાનો છંટકાવ કયારે કરાશે ?

કોરોનાની બીજી લહેર ભલે એકદમ શાંત પડી ગઈ છે છતાં લોકોમાં ત્રીજી લહેરને લઈ ચિંતા છે તેવામાં અંજારમાં છેલ્લા એક મહિનાથી મૌસમી વાયરસે કહેર મચાવ્યો છે અને આ વાયરસે બાળકોને પણ ઝપેટમાં લઈ લેતા દરરોજના 100 વધુ ઝાડા, ઉલ્ટી, તાવ તેમજ કફ, શરદીના કેસો સામે આવી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ અંજારમાં કોરોનાની પહેલી અને બીજી લહેર વચ્ચે અન્ય મૌસમી બીમારીઓ લગભગ નાબૂદ જ થઈ ગઈ હતી.

પરંતુ બીજી લહેર છેલ્લા કેટલાક દિવસોથી સંપૂર્ણ શાંત થઈ જતા મૌસમી બીમારીઓએ ફરી માથું ઊંચક્યું છે, એક તરફ હજુ ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વચ્ચે લોકોમાં ફળકો છે ત્યારે બાળકો અને પુખ્ય વયના લોકોમાં સીઝનલ ડાયેરિયા (રોટા વાયરસ)નો કહેર જોવા મળી રહ્યો છે અને દરરોજના 100 જેટલા ઝાડા, ઉલ્ટી અને તાવના કેસો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ શરદી-કફના પણ મોટા પ્રમાણમાં કેસો હોવા છતાં રાહતની વાત એ છે કે તેમાંથી એક પણ કોરોનાનો કેસ નથી.

તેમ છતાં મોટા પ્રમાણમાં બાળકો અને પુખ્તવયના લોકોમાં મૌસમી વાયરસે કહેર વર્તાવતા લોકોમાં હાલ ભય પ્રસરેલો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વરસાદી સીઝનમાં માખી-મચ્છર તેમજ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે, છતાં પાલિકા દ્વારા ફોગીંગ કરવામાં ન આવતું હોવાથી લોકોમાં બીમારીના મુખમાં ધકેલાયા છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફોગીંગ, સફાઈ અને દવાનો છટકાવ કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

છેલ્લા એકાદ મહિનાથી દરરોજ મોટા પ્રમાણમાં કેસો જોવા મળી રહ્યા છે- ડો. વિવેક ધોળકિયા
આ અંગે અંજારના ડો. વિવેક ધોળકિયા (M.D., D.C.H- પીડિયાટ્રિક્સ)નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, હાલના સમયમાં અંજારમાં રોટા વાયરસ ફેલાયો છે, જેના કારણે છેલ્લા એકાદ મહિનાથી દરરોજ 50 જેટલા ડાયેરિયા અને 50 જેટલા કફ-કોલ્ડના કેસો આવી રહ્યા છે. આ તમામ કેસોમાં કોવિડ ટેસ્ટ પણ કરાવવામાં આવી રહ્યો છે પરંતુ પોઝિટિવ કેસો ન આવતા રાહત છે. દૂધની પ્રોડક્ટ, બહારનો નાસ્તો જો સંપૂર્ણ બંધ કરી, તાજું ખોરાક લેવામાં આવે તો રોટા વાયરસ પર કાબુ મેળવી શકાય છે.

હોસ્પિટલમાં રેપીડ તેમજ RT-PCR ટેસ્ટ ચાલુ જ છે, શંકા હોય તો ટેસ્ટ કરાવી લેવો-આરોગ્ય અધિકારી
અંજારના આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારીયા સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલે મચ્છર, માખીના ઉપદ્રવ વચ્ચે વાયરલ ઇન્ફેક્શન ફેલાય તે સ્વાભાવિક છે, વળી ગુજરાતમાં હજુ સુધી ત્રીજી લહેરનો કેસ નથી આવ્યો જેથી કઈ ભય જેવું નથી તેમ છતાં જો શંકા હોય તો સરકારી હોસ્પિટલમાં રેપીડ તેમજ RT-PCR ટેસ્ટ ચાલુ જ છે જ્યાં ટેસ્ટ કરાવી શકાય છે.

બાળદર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો
કાતિલ કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી અને ત્રીજી લહેરની શક્યતા દર્શાવાઇ રહી છે ત્યારે અંજારમાં તાવ, શરદી, ઝાડાના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઇ રહી છે. ખાસ કરીને આ પ્રકારના લક્ષણો સાથે તાવ બાળકોમાં વધુ જોવા મળી રહ્યો છે, જેના કારણે વાલીઓમાં ભય જોવા મળી રહ્યો છે. હાલે વાતાવરણીય પરિસ્થિતિના કારણે વાયરલ તાવે માથું ઉંચક્યું છે ત્યારે શહેરમાં સફાઇ ઝુંબેશ વેગવંતિ બનાવવાની સાથે દવાનો છંટકાવ કરવાની માંગ શહેરીજનો દ્વારા ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...