તપાસનો ધમધમાટ:મુઠીયારના કરસનજીને નનામી ચિઠ્ઠીમાં કહેવાયું ‘કાસમછા’ બનો તો રૂા. 1 થી 10 લાખ મળશે !

અબડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીખળની આશંકા છતાં નલિયા પોલીસે અરજીને આધારે તપાસ શરૂ કરી

અબડાસા તાલુકાના મુઠીયાર ગામે રહેતા કરશનજી બલોચ નામના અશિક્ષિત વ્યક્તિના નામે ઘરમાં ટપાલ આવતા પૌત્રએ વાંચી અને તેમાં તેમને ‘કાસમછા’ બની જવા જણાવી રૂ.1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ આપવામાં આવતા નલિયા પોલીસે બનાવ અનુસંધાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મુઠીયાર ગામે રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા કરશનજી દેશરજી બારાચે નલિયા પીએસઆઇને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું કે, તેઓ તારીખ 29ના સાંજના સમયે ઘરે હતા ત્યારે પોસ્ટ ઓફીસના ટપાલી દ્વારા પોતાના નામજોગ લખાયેલું બંધ પરબીડીયું આપવામાં આવ્યું હતું.જેને ખોલતા તેની અંદર એક લખાણવાળું કાગળ મળી આવતા પૌત્ર હરપાલસિંહ પાસે તેનું વંચાણ કરાવતા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરશનજીને નાણાકીય લોભ લાલચ આપીને નામ ‘કાસમછા’ રાખવા જણાવ્યું હતું અને એક લાખ થી દશ લાખ સુધી સહાય આપવામાં આવશે. જેના માટે રામપર અબડાસા જમાતનો સંપર્ક કરવાનું જણાવી મોબાઈલ નંબર 4089395800 લખેલા હતા.

આ પ્રકરણની તટસ્થ તપાસ માટે પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. બનાવ અંગે નલિયા પીએસઆઇ વિક્રમ ઉલવાથી વાત કરતા તેમણે જણાવ્યું કે, મુઠીયાર ગામના કરશનજીની અરજી મળી છે જેને ધ્યાને લઇ અરજદારના નિવેદન લેવા સાથે વિવિધ મુદાઓ પર તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

પોસ્ટ ઓફીસ મારફતે કવર આવ્યું, ત્યાં છાનબીન થશે
કરશનજીને બંધ પરબીડીયું અજાણ્યા શખ્સ દ્વારા પોસ્ટ ઓફીસ મારફતે મોકલવામાં આવ્યું છે.જેના પર પૂરું નામ, ગામ, પીનકોડ સહિતની વિગત છે અને ચેક ચાક કરેલા મોબાઈલ નંબર પણ છે.જેથી સ્થાનિકે આજુબાજુના ગામના અને કરશનજીથી વાકેફ હોય તેવા વ્યકિતની સંડોવણી હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.આ પ્રકરણ પાછળ ટીખળ જવાબદાર હોવાની પણ આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...