આર્થિક સ્થિતિ ડામાડોળ:સિહોર અને વલભીપુર પાલિકાની સ્થિતિ ડામાડોળ

વલભીપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિહોરમાં દર મહિને કર્મચારીઓના પગાર પાછળ રૂ.40 લાખ ચુકવાઇ છે

સિહોર અને વલભીપુરમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામડોળ છે. સિહોર નગરપાલિકામાં વરસો જુનું મહેકમ છે. અને કર્મચારીઓના પગાર માટે સ્વભંડોળમાંથી રકમ લેવી પડે છે જયારે વલભીપુર નગરપાલિકાની સ્થિતિ વેન્ટીલેટર પરના દર્દી જેવી છે. પાલિકાના બજેટમાં મોટી મોટી જાહેરાત થાય છે પણ હકીકતમાં કઇક જુદુ જ હોય છે.

વસતીના અનુપાતમાં વરસો પૂર્વે મહેકમ મંજૂર કરાયેલુ છે.વરસો પહેલાં સિહોરની વસતી અલગ હતી આજે આ વસતી 70 હજારને પહોંચવા આવી છે. આથી જૂના મહેકમના આધારે કર્મચારી ગણાતા હોય છે. વર્તમાન સમયમાં સિહોર નગરપાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે.

સિહોર નગરપાલિકાનું 2022 -23નું વાર્ષિક બજેટ રૂ.49,74,00,419 છે.સિહોર નગરપાલિકા દર માસે અલગ-અલગ વેરામાંથી નગરજનો પાસેથી સરેરાશ 12થી 13 લાખ વસૂલે છે. વરસે દોઢથી પોણા બે કરોડ જેટલી આવક થાય છે.કર્મચારીને નિયમિત પગાર ચુકવાય છે. વર્તમાન સમયમાં કર્મચારીઓને દર માસે 40 લાખ રૂપિયા પગાર ચુકવવામાં આવે છે. જેની સામે રાજ્ય સરકાર 32 લાખ જેટલી રકમ ફાળવે છે. આથી ઘટતી આઠેક લાખ જેટલી રકમ સ્વભંડોળમાંથી લેવામાં આવે છે.

વલભીપુર પાલીકા આર્થિક હાલત વેન્ટીલેટરના દર્દી જેવી
વલભીપુર નગરપાલીકા આર્થિક હાલત વેન્ટીલેટર ઉપર રાખવામાં આવતા દર્દી જેવી છે. સતત નાણાકીય ઓકસીઝન આપવો પડે છે તેનું કારણ બાકી વેરાઓની રીકવરી કરવામાં શાસકોને મતદારની ચિંતા સતાવે છે. પાલીકાનું બજેટ તો પ્રતિ વર્ષ હથેળીમાં ચાંદ બતાવે છે તેવુ હોય છે. ગત વર્ષના અંદાજીત બજેટમાં શહેરનાં સર્વાગી વિકાસ માટે રૂ.11,08,17,955ની જંગી રકમ સાથેનું અંદાજપત્ર મંજુર થયું હતું.

અલબત્ત,રૂ.11 કરોડની આવકના સ્તોત્ર અંગે બજેટમાં કોઇ સ્પષ્ટતા ન હતી તેમ છતાં અંદાજપત્રમાં રૂ.90 લાખ વેરામાંથી, રૂ.12 લાખ રેઇટસ અને ટેક્ષસીસ રૂ.2.73 લાખ તથા કોન્ટ્રીબ્યુશન રેવન્યુ ગ્રાન્ટ તથા સરકારીની અન્ય ગ્રાન્ટો 6.49 કરોડ, રૂ.2.25 કરોડ કેપીટલ ગ્રાન્ટમાંથી આવક મેળવવાનાં હેતુ સાથે વિકાસલક્ષી બજેટ હતું. શહેરમાં હાલ રૂ.2.3 કરોડનાં વિકાસનાં કામો ચાલી રહ્યાં છે. જેમાં નવા કરતા તુટી ગયેલા અને ખાસ ખાસ વોર્ડમાં વારંવાર પેવર બ્લોક અથવા સી.સી.રોડ બની રહ્યાં છે. નગરપાલીકાની કુલ આવકમાંથી 48 થી 50 ટકા નાણા તો પગાર પાછળ ખર્ચાય જાય છે.

અન્ય સમાચારો પણ છે...