ભા.જ.પ.શાસિત વલભીપુર નગરપાલીકામાં એક સાથે પાંચ સમિતિઓના ચેરમેનોએ સામૂહિક રાજીનામુ ધરી દેતા સખત ગરમીનાં ઉંચા પારા સાથે એકાએક રાજકારણ ગરમાયું છે.જિલ્લા ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ ભાજપના અસંતોષનો ઉકળતો ચરૂ બહાર આવતા દોડધામ મચી ગઇ છે.
મળતી વિગત મુજબ આજે વલભીપુર નગરપાલીકાના કારોબારી ચેરમેન વાનાણી સિવાયના જેમાં બાંધકામ ચેરમેન વિજયસિંહ ગોહિલ, વિજળી ચેરમેન મહેશભાઇ(મુન્નાભાઇ), સફાઇ ચેરમેન પાયલબેન મકવાણા,પાણી પુરવઠા ચેરમેન. ભોળાભાઇ ચાવડા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન સાગઠીયા દ્વારા આજે શહેર ભા.જ.પ.પ્રમુખ નિતીનભાઇ ગુજરાતીને પોતાના ચેરમેન પદેથી રાજીનામા અને સભ્ય તરીકે શરૂ રહેવાના લેખીત પત્ર સુપ્રત કરેલ છે અને આ પત્રમાં તમામ ચેરમેનોએ એવો આક્ષેપ કરેલ છે કે નગરપાલીકા પ્રમુખ અને ચીફ ઓફીસર ચેરમેનોને વિશ્વાસમાં લીધા વગર દરેક કાર્યો કરે છે અને ચુંટાયેલા સભ્યો તેમજ સમિતિના ચેરમેનો કરતા પાલીકાના કર્મચારીઓ વધુ દાદાગીરી સાથે ધાર્યુ કરાવતા હોવા છતાં તેના ઉપર કોઇનો કંન્ટ્રોલ નથી.
હજુ કોઇનો રાજીનામાનો પત્ર મળ્યો નથી, પક્ષ નિર્ણય કરશે
મને કોઇ ચેરમેને રાજીનામુ લખેલ પત્ર આપેલ નથી પરંતુ ચેરમેન તરીકે પદ ઉપરથી મુકત કરવાની વિનંતી લખેલો પત્ર મળેલ છે. હવે આ પત્ર બાબતે એકાદ બે દિવસની અંદર પક્ષ નિર્ણય કરશે. - નીતિનભાઈ ગુજરાતી, વલભીપુર શહેર પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.