વલભીપુર તાલુકાના 40 ગામડાઓની સ્થાનીક સ્વરાજની ગ્રામ પંચાયતની સરપંચ તેમજ વોર્ડ સભ્યોની સામાન્ય ચુંટણી ટુંક સમયમાં યોજાનાર છે. આ ચુંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટવાની પુરેપુરી વકી છે. વલ્લભીપુર તાલુકાના 22 ગામડાઓમાં હાલ વહીવટદારોનું શાસન છે. અને ચાલુ માસમાં વધુ 18 પંચાયતોની મુદ્દત પૂર્ણ થતી હોય જેથી તાલુકાના કુલ 53 ગામડાઓ પૈકી 40 ગામડાઓની ગ્રામ પંચાયતો માટે સરપંચ તેમજ વોર્ડ સભ્યો માટેની સામાન્ય ચુંટણી અંગેનું જાહેરનામુ સંભવત: ચાલુ માસ દરમ્યાન બહાર પડે તેવી સંભાવના રહેલી છે.
આ વખતની ચુંટણીમાં બેશક મુરતીયાઓની સંખ્યા એક કરતા અનેક હોવાની પણ શકયતા છે. કારણ કે, ગત માસમાં વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી સપાટો બોલાવતા સ્થાનીક સ્વરાજની પંચાયતની ચુંટણીમાં ભા.જ.પ. પ્રેરીત ઉમેદવારી કરવા માટે રીતરસ રાફડો ફાટશે તેવી શકયતા નકારી શકાય નહીં. કારણ કે, સૌ કોઈ જાણે છે કે, ગામનો વિકાસ કરવો હોય તો સત્તારૂઢ પાર્ટી સાથે તાલ સે તાલ મેળવવો જ પડે અને તો જ ગામનું અને ઉમેદાવરનું ભલુ થઇ શકે.
અલબત્ત, સરપંચ પદના તેમજ સભ્યોની ઉમેદવારની પસંદગી કરવા માટે અંગત અગ્રણીઓને અંગત મનદુ:ખ વહોરવાની નોબત પણ આવી શકે છે. ઘણી વાર આવા મામલે તસલ પણ થતી હોય છે. આમ આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં વલભીપુરમાં ઉમેદવારોનો રાફડો ફાટવાની પુરેપુરી વકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.