બળવો:વલભીપુર યાર્ડમાં ચેરમેન, વાઇસ ચેરમેન તરીકે ભા.જ.પ.ના બળવાખોરો ચૂંટાયા

વલભીપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભા.જ.પ. પ્રમુખના હોમ ગ્રાઉન્ડ પીચ પર જ વ્હીપ અને મેન્ડેડની ઐસીતેસી
  • બજાર સમિતિમાં ભાજપના 16 અને કોંગ્રેસના 3 સભ્યો છતાં ભાજપની આબરૂના ધજાગરા થયા

વલભીપુર માર્કેટીંગ યાર્ડમાં આગામી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણીમાં ભા.જ.પ.ના મેન્ડેટથી વિપરીત ઉમેદવારો ચૂંટાતા જિલ્લા ભાજપના પ્રમુખના હોમ ગ્રાઉન્ડ પીચ પર જ તેમનો પરાજય થયો હતો.આખરે માર્કેટીંગ યાર્ડમાં ભાજપના જ બળવાખોર ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે. ખેત ઉત્પન્ન બજાર સમિતિના કુલ 19 સભ્યો સાથે આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી સમિતિની ઓફીસે યોજાઇ હતી.ચુંટણી થવાની સંભાવના નહીવત હતી કારણ કે 19 સભ્યોમાંથી કોંગ્રેસના ફકત 3 સભ્યો જ છે અને ભા.જ.પ.ના 16 સભ્યો સાથે બહુમતી હતી.

તેથી તેના જોરે ભાવનગર જિલ્લા ભા.જ.પ.પ્રમુખ મુકેશભાઇ લંગાળીયાએ વ્હીપ સાથે મેન્ડેટ રવાના કરેલ અને આ મેન્ડેટમાં ચેરમેન તરીકે રણજીતસિંહ (રણુભા) ગોહિલ પાણવી અને વાઇસ ચેરમેન માટે નરશીભાઇ ગાબાણી (પાટણા) ના નામો નીકળતા સાથે સમિતિના ગત ટર્મના ચેરમેન અને શહેર ભા.જ.પ.પ્રમુખ નિતીનભાઇ ગુજરાતીએ ઉમેદવારી નોંધાવેલ અને વાઈસ ચેરમેન માટે ભા.જ.પ.ને નરશીભાઇ ગાબાણીને બદલે તાત્કાલીક ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી.

અને કાળુભાઇ મેર નશીતપુરવાળાનું નામ મુકેશભાઇ લંગાળીયા દ્વારા સૂચવામાં આવતા વાઇસ ચેરમેન માટે કોંગ્રેસ તરફે કે.બી.ગોહિલ પાણવીએ ઉમેદવારી નોંધાવતા ધરાર ચૂંટણી સાથે મતદાન કરવાની ફરજ કરવી પડી હતી. આવી પડેલા મતદાનમાં નિતીનભાઇ ગુજરાતીને 19 માંથી 11 અને રણુભાને 8 મતો મળતા તેમનો 3 મતોથી વિજય થયો હતો. જયારે વાઇસ ચેરમેન તરીકે ભા.જ.પ.ના કાળુભાઇ મેરને 19 માંથી 11 અને કોંગ્રેસના કે.બી.ગોહિલ ને 10 મતો મળતા ભા.જ.પ.નાં મેરનો માત્ર 1 મતના અંતરથી વિજય થયો છે.

ખેડૂતોની લાગણીથી મે ઉમેદવારી કરી હતી
તાલુકાના મોટાભાગના ખેડુતો,મંડળીઓના પ્રમુખો અને ચુંટાયેલ સભ્યોને મારી ગત પાંચ વર્ષની મુદ્દત દરમ્યાન બજાર સમિતિ માટે કરેલી કામગીરીને કારણે આ તમામે નક્કિ કરી લીધેલ કે પક્ષ દ્વારા તમારા સિવાય અન્ય કોઇને ચેરમેન માટેનું નામ સૂચન કરશે તો તમારે કોઇપણ ભોગે ઉમેદવારી નોંધાવી પડશે માટે મેં ખેડુતોની લાગણીને ધ્યાને લઇને ચેરમેન તરીકે ઉમેદવારી કરીને મને ખેડુતાએ જીત અપાવી છે. હવે પક્ષ જે નિર્ણય કરશે તે મને માન્ય છે.- નિતીનભાઇ ગુજરાતી, શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ ચેરમેન એ.પી.એમ.સી.વલભીપુર

સત્તા માટે બળવો ચલાવી ન લેવાય
મેં જિલ્લા પ્રમુખની રૂઇએ મેન્ડેટ અને વ્હીપ જારી કરેલ માત્ર સત્તા માટે બળવો કરીને સત્તાવાર ઉમેદવાર સામે માત્ર ઉમેદવારી જ નહીં પણ ભા.જ.પ.શહેર પ્રમુખ હોવા છતાં નીતીનભાઇ ગુજરાતીએ વાઇસ ચેરમેન માટે કોંગ્રેસના ઉમેદવાર કે.બી.ગોહિલના નામની દરખાસ્ત કરતા આ બાબત ઘણી જ ગંભીર છે પ્રદેશ કક્ષાએ રજુઆત કરીને યોગ્ય પગલા લેવામાં આવશે.- મુકેશભાઇ લંગાળીયા, ભાવનગર જિલ્લા ભા.જ.પ.પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...